દાહોદ,તા.29 ડિસેમ્બર 2018 શનિવાર
આગામી ૩૧ ડિસેમ્બરને અનુલક્ષીને ગુજરાતની તમામ પોલીસ એક્શનમાં આવી છે અને ખાસ કરીને દારૂની હેરાફેરી,દારૂની મહેફીલો પર ચાપતી નજરો રાખવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આ સંદર્ભે દાહોદ જિલ્લાની પોલીસ પણ સક્રિય બની છે અને જિલ્લાની તમામ ચેકપોસ્ટ ઉપરથી પસાર થતાં તમામ વાહનોની સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે.
વર્ષનો આખરી દિવસ એટલે ૩૧ ડિસેમ્બર અને બાદમાં જાન્યુઆરીથી નવા વર્ષનો આરંભ થાય છે. સૌ કોઈ નવા વર્ષના આગમનને ઉત્સાહ અને ઉમંગ ભેર આવકારતા હોય છે અને અને તેમાંય લોકો પોતાના અલગ અલગ અંદાજથી નવા વર્ષનું સ્વાગત કરતા હોય છે. તેમાંય મોટા મોટા શહેરોમાં નવા વર્ષના આગમન સાથે ૩૧મી ડિસેમ્બરના રોજ ધામધુમથી પણ વધાવી લેતા હોય છે અને ગુજરાત રાજ્યમાં પણ અને ખાસ કરીને યૌવનધનમાં ખાસ કરીને એટલો જ ઉત્સાહ જાવા મળી રહ્યો છે.ગુજરાત રાજ્યમાં દારૂબંધીની સખ્ત નિયમ કાનુન છે તેવા સમયે ૩૧ ડિસેમ્બરના રોજ રાજ્યમાં દારૂની હેરાફેરી અને મહેફીલો ઉપર પોલીસ ચાંપતી નજરો રાખી રહી છે અને ઠેર ઠેર વાહન ચેકીંગ સાથે ભેગા થયેલા ટોળા ઉપર પણ તપાસ કરાઈ રહી છે. આ સંદર્ભે દાહોદ જિલ્લાની પોલીસ પણ એક્શનમાં આવી છે. દાહોદ જિલ્લોએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલ સરહદી વિસ્તાર છે અને તેમાંય આ બે રાજ્યોમાંથી વિદેશી દારૂની હેરાફેરી વધુ થતી હોય છે અને તેવા સમયે આ બંન્ને રાજ્યોના મધ્યમાં આવેલ ગુજરાતનુ દાહોદ શહેરની બોર્ડર વિસ્તારોમાં પોલીસની સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહી છે જેમાં દાહોદ તાલુકાના ખંગેલા ચેકપોસ્ટ, ગરબાડા તાલુકાના મીનાક્યાર ચેકપોસ્ટ અને ઝાલોદ તાલુકાના ચાકલીયા અને હાવડીયા ચેકપોસ્ટ એમ આ ચાર ખાસ સરહદી વિસ્તારોમાં પોલીસે સઘન નાના મોટા તમામ વાહનોની ચેકીંગ હાથ ધરી છે ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં પણ ઠેર ઠેર પોલીસ ચોકીઓની હદ વિસ્તારોમાં પણ અને નાઈટપેટ્રોલીંગ પણ સઘન કરી દેવાઈ છે.આમ,૩૧ ડિસેમ્બરે અસમાજીક પ્રવૃતિઓ રોકવા તેમજ કાયદા,કાનુન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લાની તમામ પોલીસ સાબદી બની છે અને જાઈ કોઈ આવા કેસમાં ઝડપાઈ જશે તો કડક કાર્યવાહી કરવાના સુચનો પણ આપી દેવાયા છે.


