દાહોદમાં નવા મકાનની ભૂગર્ભ ટાંકીમાં ગાય ફસાઇ
-આખીરાત મથામણ કરી થાકેલી ગાયને બીજા દિવસે ગૌસેવકો, ખેડૂતો, લાશ્કરોએ ટાંકી તોડી બચાવી
દાહોદ તા.6 જુલાઇ 2019 શનિવાર
દાહોદમાં નવા બનતા મકાનની ભૂગર્ભ ટાંકીમાં રાતે ગાય ફસાઇ જતાં તેને સવારે લાશ્કરો, ગૌરક્ષકોએ મહામહેનતે બહાર કાઢી બચાવી લીધી હતી.
રાતે થયેલા ભારે વરસાદને કારણે ગાયોનું ઝૂંડ આ મકાનમાં ઘુસી ગયું હતું. દોઢ બાય દોઢ ફીટના ખુલ્લા બારણાવાળી ટાંકીમાં છલોછલ પાણી ભરાયું હતું તેમા ગાયના બે પગ ફસાઇ ગયા હતા. તેણે બહાર નીકળવા ફાંફા મારતા રાતે તે ટાંકીમાં વધુ અંદર ઉતરી ગઇ હતી. તેનું આખું ધડ ટાંકીમાં ફસાઈ જતાં તે નિઃસહાય બની પડી રહી હતી.
ટાંકીને ખાલી કરવા અને બચાવવા પ્રયાસ કરાયો હતો. તે પછી ટાંકીને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઇ હતી. તે પછી કુનેહપૂર્વક ગાયને બહાર કાઢી હતી. ગાયના માલિકને બોલાવવા છતાં સ્થળ પર નહીં આવતા તેની સામે કાનુની પગલાં ભરવા માગ ઉઠી હતી.