લીમડીના બંધ મકાનમાં દિવાળીની રાત્રે તસ્કરો ત્રાટક્યા
- રોકડા રૂપિયા, ચાંદીના સિક્કા તથા દસ્તાવેજો ગાયબ
દાહોદ,તા. 11 નવેમ્બર 2018 ,રવિવાર
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં દિવાળીની રાત્રે તસ્કરોએ બસસ્ટેન્ડની સામે આવેલી એકલવ્ય સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવી તાળુ તોડી તિજોરીઓ તથા શુટકેશમાં મુકેલ રોકડા રૂપિયા, ચાંદીના સિક્કા તથા દસ્તાવેજો મળી રૂપિયા ૧૫,૦૦૦ની મતાનો હાથફેરો કર્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દિવાળીની રાતે ઘરફોડ ચોરીના ઇરાદે આવેલા તસ્કરોએ લીમડી બસ સ્ટેશનની સામે આવેલી એકલવ્ય સોસાયટીમાં રહેતા સુમિત્રાબેન સડીયાભાઇ વેસ્તાભાઇ ગણાવાના બંધ મકાનને નિશાન બનાવ્યુ હતું. મકાનના દરવાજાનું તાળુ તોડી પ્રવેશ્યા હતા. ઘરમાં તિજોરીઓ તથા શુટકેશમાંથી રોકડા રૂપિયા તથા ચાંદીના સિક્કા તથા દસ્તાવેજો, એટીએમ, પાસબુક તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી રૂપિયા ૧૫,૦૦૦ની મત્તા ચોરીને લઇ ગયા હતા.
આ સંબંધે સુમિત્રાબેન સડીયાભાઇ વેસ્તાભાઇ ગણાવાએ લીમડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. તસ્કરોનું પગેરૂ મેળવવા ડોગસ્કવોડ તથા એફએસએલની માંગણી કર્યાનું જાણવા મળ્યું છે