દેવગઢ બારીયાતા.6 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે બે અલગ અલગ ગામના અપરિણીત પ્રેમી પંખીડાએ કૂવામાં ઝંપલાવતા પ્રેમીકાનું મોત નીપજ્યું હતું જ્યાંરે કૂવામાં પલકાતા પ્રેમીને ગંભીર ઇજા પહોંચતાં દવાખાને સારવાર માટે મોકલાવાયો હતો.
દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે બે અલગ અલગ ગામના અપરિણીત પ્રેમી યુગલે વહેલી સવારે મોતને વહાલુ કરવા કૂવામાં ઝંપલાવ્યું હતું. બુમાબુમ થતાં યુવક રણજીતના પરિવારજનોએ દોડી જઈ કૂવામાંથી પ્રેમી રણજીત તથા તેની પ્રેમિકાને બહાર કાઢયા હતા જો કે પ્રેમિકાનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું જ્યાંરે પ્રેમીને ગંભીર ઇજાઓ થતાં તેને દેવગઢબારિયા ખાતે સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.
દેવગઢ બારિયા તાલુકાના બોડવાંક ગામે સંગાડીયા ફળિયામાં રહેતા અપરિણીત રણજીત મણિલાલ કોળીને ધાનપુર તાલુકાની એક અપરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.
પ્રેમિકા બે દિવસ અગાઉ તેના ગામ અને પરિવારને છોડી દેવગઢ બારીયાના ભુલવણ ગામે રહેતા તેના પ્રેમી પાસે રહેવા આવી ગઈ હતી. બે દિવસથી તેના પ્રેમી રણજીત સાથે રહેતી યુવતીએ તેના પ્રેમી સાથે બુધવાર વહેલી સવારે કોઈ કારણોસર ઘર નજીક આવેલા કૂવામાં ઝંપલાવતાં તેનું મોત નીપજ્યું હતું જ્યાંરે પ્રેમી યુવકને બચી ગયો હતો પરંતુ તેને ગંભીર ઈજા થતાં દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવને લઇ સ્થાનિક પોલીસને ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવતીના મોત અંગે તેના પરિવારજનોને જાણ કરતા ગુરૃવારે બપોરે ટ્રેક્ટરો ભરીને યુવતીના પરિવારજનોએ આવીને યુવકના પરિવારને બોલાવવાની જીદ પકડી હતી.
ધમાલ થવાના અણસારથી પ્રેમી યુવકનો પરિવાર ઘર છોડીને ચાલ્યો ગયો હતો. સમજાવટ બાદ મૃતક યુવતીના પરિવારજનેાએ મૃતદેહને પીએમ માટે મંજૂરી આપી હતી. પરંતું ફરિયાદ ન નોંધાવતાં પોલીસ મુંઝવણમાં પડી છે. ફરિયાદ થયા બાદ પોલીસ તપાસ હાથ ધરે તેવી ધારણા સેવાઈ રહી છે.

