ભાટીવાડા પંચાયતનો દાહોદના સંભવિત એરપોર્ટનો સર્વાનુમતે વિરોધનો ઠરાવ
-સ્માર્ટ સિટીના પ્રોજેકટમાં સંભવિત એરપોર્ટ માટે ભાટીવાડાની જમીન સંપાદન સામે આવેદનપત્ર
-પાણી આવે તે પહેલાં પાળ બાંધવાની શરૃઆત

દાહોદ,તા.26 ડિસેમ્બર 2018 બુધવાર
આગામી દિવસોમાં નગરના ત્રિભેટે આવેલા દાહોદના સંભવિત એરપોર્ટનો તાલુકાના ભાટીવાડા ગામના લોકોએ વિરોધ નોંધાવી તે અંગેનો ઠરાવ ગ્રામસભામાં કરી પાણી પહેલા જ પાળ બાંધવાની શરૃઆત કરી છે. તેથી ભારે આશ્ચર્ય ફેલાયુ છે. સ્માર્ટ સીટી દાહોદના એરપોર્ટનો વિરોધ નોંધવાનાર ગ્રામજનોની રજુઆત સંદર્ભે ભાટીવાડા સરંપચે અત્રેના જિલ્લા સમાહર્તાને એક લેખિત પત્ર પાઠવી ભાટીવાડા ખાતે જમીન ન ફાળવવાની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, આ આવેદનમાં કોંગ્રેસના અગ્રણીઓની સાથે યુવા ભાજપા દાહોદ જિલ્લા પ્રમુખની પણ સહી છે . આ અંગે અનેક વિતર્કો વહેતા થયા છે.
સરપંચે તા.૨૧મીએ કલેકટરને લાવેલા પત્રમાં જણાવ્યું છે કે, ભાઠીવાડા ગામે એરપોર્ટ માટે જમીનની ફાળવણી સરકારે કરી હોવાનું લોકોમાં ચર્ચા છે. જો ખરેખર આ વાત સત્ય હોય તો ભાઠીવાડાના લોકો તરફથી મને સરપંચ તરીકે જમીનની ફાળવણી ના થાય તે માટે રજુઆત કરવામાં આવે છે. તા.૨૪મીએ ભાઠીવાડા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ આ બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને જેમાં દાહોદમાં આવનાર એરપોર્ટનો વિરોધ નોંધાવી ગ્રામસભામાં ઠરાવ પસાર કર્યો હતો. તેનો ઉલ્લેખ કરી જણાવ્યા અનુસાર ભારતનું સંવિધાન અનુચ્છેદ ૩૭૨ મુજબ રાષ્ટ્રપતિને મળેલ સત્તાના આધારે એડેપ્શન ઓફ લો ઓર્ડર ૧૯૫૦ રૃએ જ્યારે અગાઉના કાયદા અને વર્તમાન કાયદા લાગુ કરવામાં આવે ત્યારે આદિવાસીઓનુ કુદરતી સંવિધાન રૃઢિ પ્રથાને સ્વયં આ આદેશ દ્વારા અનુસુચિ ક્ષેત્રો અને આદિવાસી દ્વારા પ્રભાવિત થયા ત્યારે દર્શાવેલા આદેશ અનુસાર સંવિધાન નિર્માણ પહેલા જેટલા પણ કાયદા સંવિધાનના અનુચ્છેદ ૧૩ (૩) ક મુજબ લિખિત રૃઢિ અને પ્રથા લાગુ થઈ ગઈ અને સંવિધાન બનતા પહેલા આદિવાસીઓની પારંપારિક ગ્રામસભા અને ગ્રામસભાના પ્રધાન પટેલ, ગમેતી વિગેરેને ગામના તમામ અધિકાર કાર્યપાલિક, ન્યાયપાલિક વિદ્યાપિકાની સત્તા પ્રાપ્ત હતી. દાહોદમાં એરપોર્ટના નામ પર મુડીવાદીઓ માટે જમીન સંપાદન એટલે આદિવાસીઓના અસ્તિત્વને ખતમ કરી સંવિધાનના અનુચ્છેદ ૨૧ જીવન અને શરીરે સ્વાતંત્ર્યને કરવા માટે સરકાર કાર્યરત છે. આદિવાસીઓની જમીન સરકાર દ્વારા સંપાદનનો મતલબ અનુચ્છેદ ૨૧નું ઉલ્લંઘન છે. તેમજ ૫મી અનુસુચિ હેઠળ જમીન બિન સરકારી કંપનીને આપી શકાતી નથી. કેમ કે કંપની બિન આદિવાસી છે. અને તેથી આ સંવિધાનની ૫મી અનુસૂચિનું ઉલ્લંઘન છે. આમ ઉપરોક્ત એરપોર્ટ જો અનુસૂચિત ક્ષેત્ર દાહોદમાં બને તો ભારતના સંવિધાન અનુચ્છેદ ૧૩ (૩)-ક મુજબ આદિવાસીઓની રૃઢિ અને પ્રથાને ભયંકર નુકશાન થાય તેમજ આદિવાસીઓનું અસ્તિત્વ જોખમાય તેવી પરિસ્થિતિની સંભાવના હોવાથી એરપોર્ટને અનુસૂચિત ક્ષેત્રમાંથી રદ કરવા અને આ વિરોધને રાજયપાલ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા ગ્રામજનો તેમજ રૃઢિગત પારંપરિક ગ્રામસભા અને પંચાયતી રાજ ગ્રામસભાની વિનંતી છે . તા.૨૪-૧૨-૨૦૧૮ ભાઠીવાડા ગ્રામ સભામાં સર્વાનુમતે ઠરાવ પાસ કરી કલેકટરને આ બાબતે આવેદનપત્ર અપાતા આ સંદર્ભે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

