લુખ્ખડીયા ગામના જંગલમાંથી અજાણી મહિલાની લાશ મળી
દેવગઢ બારીયા તા.3 માર્ચ 2020 મંગળવાર
ધાનપુર તાલુકાના લુખડીયા ગામના જંગલમાંથી ત્રણથી ચાર દિવસ અગાઉ મૃત્યુ પામેલી અજાણી મહિલાની લાશ મળી આવી હતી.
ધાનપુર તાલુકાના લુખડીયા ગામના જંગલમાં તા.2-૩-20 ના રોજ ગ્રામજનો જંગલ તરફ ગયા હતા. તે સમયે જંગલ તરફ જવાના માર્ગે દુર્ગંધ આવતા ત્યા અંદર જઇને જોતા એક મહિલાની લાશ પડી હતી.
જે બાદ ગ્રામજનોએ સરપંચને જાણ કરતા સરપંચ સહિત અન્ય ગ્રામજનો જંગલમાં દોડી આવ્યા હતા. ગામના સરપંચે બનાવ અંગે ધાનપુર પોલીસને જાણ કરતા ધાનપુર પોલીસ લુખડીયા ગામના જંગલમાં પહોંચી ગઈ હતી જ્યાં મહિલાની લાશ જોતા મહિલાની લાશ ત્રણથી ચાર દિવસ અગાઉની પડી હોવાનું જણાય આવેલુ હતું. જેથી લાશને પીએમ અર્થે ધાનપુર પી એચ સી માં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
હાલમાં આ લાશનું પીએમ થયા પછી સાચી હકીકત જાણવા મળશે કે આ મહિલાએ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરી તેની લાશને ફેંકી દેવામાં આવી છે જેથી પોલીસને પણ લાશનું પી એમ થયા પછી સાચી હકીકત બહાર આવે તેમ છે .