Updated: Dec 26th, 2022
દાહોદ, તા. 26 ડિસેમ્બર 2022 સોમવાર
દાહોદમાં એક સ્કુલનો મેઈન ગેટ પડી જવાથી આઠ વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યુ છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી છે. ઘટના બાદ રામપુરા ગામના પ્રાથમિક સ્કુલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દેવાયા છે.
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર 20 ડિસેમ્બરે રામપુરા ગામના પ્રાથમિક સ્કુલની વિદ્યાર્થિની સ્કુલ પરિસર નજીક ઊભી હતી તે સમયે સ્કુલનો મેઈન ગેટ તેની ઉપર પડી ગયો જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા પહોંચી અને તેને દાહોદ સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ તેની ગંભીર હાલતને જોતા તેને અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સ્થળાંતરિત કરી દેવાઈ જ્યાં રવિવારે તેનું મોત નીપજ્યુ.
અધિકારીએ 21 ડિસેમ્બરે અન્ય અધિકારીઓ સાથે રામપુરા ગામની પ્રાથમિક સ્કુલની મુલાકાત લીધી હતી અને આચાર્યને સસ્પેન્ડ કરી દીધા છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પ્રત્યેક શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં સ્કુલ બિલ્ડિંગ, વિજળીનો પુરવઠા સહિત અન્ય સુવિધાઓનો રિપોર્ટ ડીપીઈઓ કાર્યાલય સમક્ષ રજૂ કરવામાં આવે છે. સ્કુલના મેઈન ગેટની સ્થિતિ વિશે કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી. હવે આ મામલે તપાસ બે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કરશે.
આ ઘટના બાદ જિલ્લાના ટીપીઈઓને તમામ સરકારી પ્રાથમિક સ્કુલો અને તેના બુનિયાદી માળખાનું નવી રીતે નિરીક્ષણ કરવા અને રિપોર્ટ જમા કરવાનો આદેશ અપાયો છે. સરકારી નિયમો અનુસાર જો સ્કુલ પરિસરમાં કોઈ દુર્ઘટનાના કારણે વિદ્યાર્થીને ઈજા પહોંચે કે તેનુ મૃત્યુ નીપજે તો પરિવાર 50 હજાર રૂપિયાના વળતરનો હકદાર છે. મૃતક વિદ્યાર્થિનીનો મેડીકલ રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ એકત્ર કર્યા બાદ વળતરની મંજૂરી માટે રાજ્ય સચિવાલયમાં એક અરજી મોકલવામાં આવશે.