રાજકોટથી ઈન્દોર જતી ખાનગી લક્ઝરી બસમાંથી ૭૬ લાખની ચાંદી ઝડપાઈ
-૧૯૦ કિલો ચાંદી મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી
દાહોદ તા.6 મે 2019 ,સાેમવાર
ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ પીટોલ ચેકપોસ્ટ ખાતેથી મધ્ય પ્રદેશ પોલીસે નાકાબંધી દરમિયાન રાજકોટથી ઇન્દોર જતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહેલ એક યાત્રી પાસેથી ૭૬ લાખ રૂપિયા કિંમતની ૧૯૦ કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડયો હતો .
મધ્ય પ્રદેશ પોલીસે ઉપરોક્ત ચાંદીના જથ્થા સાથે પકડાયેલ યાત્રી પાસે પોલીસે ચાંદીનો બિલ માંગતા તે બિલ રજૂ કરી ન શકતા પોલીસે ઉપરોક્ત બનાવ સંદર્ભે ચૂંટણીપંચને જાણ કરી તપાસ હાથ ધરી છે.
ગુજરાત લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે .આગામી ૧૯મીં મેં ના રોજ મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણી યોજાવવાની હોઈ ચૂંટણી દરમિયાન થતા નાણાકીય તેમજ અન્ય વ્યવહારોને ડામવા બોર્ડર પર પોલીસ દ્વારા નાકાબંદી કરી ચુસ્ત ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે .ગતરોજ રાત્રે ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલ પીટોલ ચેકપોસ્ટ પર મઘ્યપ્રદેશ પોલીસ નાકાબંદી કરી આવતા જતા નાના મોટા બધા વાહનોને ચેક કરી રહી હતી.
રાજકોટથી ઇન્દોર તરફ જતી ટ્રાવેલ્સ બસ મધ્યપ્રદેશના પિટોલ ખાતે આવીને ઉભી રહી હતી.મધ્યપ્રદેશ પોલીસે બસમાં ચેકિંગ હાથ ધરતા બસમાં મુસાફરી કરી રહેલ રતલામ જિલ્લાના દેસર ગામના રામેશ્વર કનૈયાલાલ કસેયા પાસે સફેદ કલરના પોટલા મળી આવ્યા હતા.
પોલીસે ઉપરોક્ત પોટલાની તપાસ હાથ ધરતા તેમાંથી ૭૬ લાખ રૂ. ૧૯૦ કિલો ચાંદી મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી . પોલીસે ચાંદીના જથ્થા સાથે પકડાયેલા રામેશ્વર પાસે ચાંદીના જથ્થાનું બિલ માંગતા તે બિલ રજૂ ન કરી શકતા પોલીસે ચાંદીનો જથ્થો જપ્ત કરી તેમજ રામેશ્વર કનૈયાલાલ કનૈયાની અટકાયત કરી ઝાબુઆ પોલીસ ચોકી પર લાવી વધુ તપાસ હાથ ધરી છે.