For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બ્લફ માસ્ટરનાં ગીતોએ રીતસર તહલકો મચાવેલો

Updated: Jul 22nd, 2021

Article Content Image

- સિનેમેજિક : અજિત પોપટ

રાજ કપૂર અને શશી કપૂરની ફિલ્મોમાં કર્ણપ્રિય સંગીત આપ્યા પછી કલ્યાણજી આણંદજીને શમ્મી કપૂર માટે એવું સંગીત પીરસવાની તક મળી. સુભાષ દેસાઇ સાથે ૧૧ ફિલ્મો કરવાના કરાર હતા. એમાંની એક ફિલ્મ એટલે બ્લફ માસ્ટર. આમ તો ૧૯૬૩માં કલ્યાણજી આણંદજીના સંગીતથી મઢેલી ચાર ફિલ્મો આવેલી. આપણે કપૂર નબીરાઓની વાત પહેલાં કરી લઇએ. મનમોહન દેસાઇ નિર્દેશિત આ ફિલ્મમાં જંગલીની સુપરહિટ જોડી શમ્મી કપૂર અને સાયરા બાનુ સાથે પ્રાણ અને લલિતા પવાર હતાં.

ગીતો રાજેન્દ્ર કૃષ્ણનાં હતાં. આ ફિલ્મનાં ગીતોએ રીતસર દેકારો બોલાવ્યો હતો. એક તબક્કે મુંબઇ પોલીસે જન્માષ્ટમીના લોકગીત પર આધારિત ગીત પર પ્રતિબંધ લાદવો પડયો હતો. કલ્યાણજી આણંદજી એ દિવસોમાં જ્યાં રહેતા એ ગિરગામની મંગળવાડીથી માત્ર બે મિનિટના માર્ગે આવેલી મુગભાટ ગલીમાં મનમોહન દેસાઇએ ગોવિંદા આલા રે.. ગીતનું શૂટિંગ રાખેલું. 

શમ્મી કપૂરની લોકપ્રિયતા એટલી બધી હતી કે જબરદસ્ત ભીડ જામી હતી અને સડકની બંને બાજુનાં મકાનોમાં વસતા લોકોએ બાલદીઓ ભરી ભરીને ઊંચેથી પાણીનો ધોધ વર્ષાવ્યો હતો. મહારાષ્ટ્રની ગલી ગલીમાં દર જન્માષ્ટમીએ માખણ ભરેલી મટકી ફોડવા નીકળતા ગોવિંદા બે લીટીનું એક લોકગીત ગાતા. એની બીજી પંક્તિમાં પોતાના વિસ્તારનું નામ લઇને યુવાનોને  બિરદાવાતા. એક દો તીન ચાર કાંદેવાડી ચે પોરે હુશ્યાર... એ રીતે પંક્તિ શરણાઇ અને ઢોલના તાલે ગવાતી. 

મનમોહન દેસાઇએ એને વ્યવસ્થિત રીતે રાજેન્દ્ર કૃષ્ણ પાસે આખું નવેસર લખાવેલું. એ ગીતની લોકગીતની મૂળ તર્જને સંસ્કારીને કલ્યાણજી આણંદજીએ મુહમ્મદ રફી તથા કોરસ પાસે ગવડાવેલું. રફીએ શમ્મી કપૂરની સ્ટાઇલમાં ગીતને બહેલાવેલું.

આમ તો આ ગીતમાં આપણા ગુજરાતી ગરબાનો તાલ હીંચ વપરાય છે, પરંતુ મરાઠી લોકગીતોની શૈલીથી તાલનું વજન થોડું બદલાય છે. કલ્યાણજી આણંદજીએ એ મરાઠી શૈલીના તાલને અદ્દલ અજમાવ્યો હતો. આ ગીત એટલું તો ગાજ્યું કે મુંબઇ પોલીસે થોડા સમય માટે એના પર પ્રતિબંધ જાહેર કરવો પડેલો.

શમ્મી કપૂરની શૈલીનું ઔર એક મસ્ત ગીત એટલે મુહમ્મદ રફીએ જમાવેલું સોચા થા પ્યાર હમ ના કરેંગે, સૂરત પે યાર હમ ના મરેંગે, ફિર ભી કિસી પે દિલ આ ગયા.... ખેમટા તાલમાં આ ગીતે પણ જબરી જમાવટ કરી હતી. 

શમ્મી કપૂર માટે આ બે ગીતોમાં રફીનો કંઠ લીધા પછી કલ્યાણજી આણંદજીએ એક અલગ પ્રયોગ કર્યો. પોતે છેલબટાઉ અને લોકોને છેતરનારો છે એવું જાહેર થઇ જતાં એક તબક્કે નાયિકા નાયકને તરછોડે છે ત્યારે પ્રણયભગ્ન જેવો નાયક જે ગમગીન ગીત ગાય છે ત્યાં સંગીતકારોએ હેમંત કુમારનો કંઠ વાપર્યો છે. અય દિલ અબ કહીં ન જા, ન કિસી કા મૈં, ના કોઇ મેરા... અહીં નાયિક બહુ સૂચક ફરિયાદ કરે છે-  જબ ચલે હમ રાહ ઉલઝી, પ્યાર દુનિયાને કિયા, રાહ સીધી જબ મીલી તો સબને ઠુકરા દિયા... અહીં સંગીતકારોએ ખૂબીપૂર્વક ભૈરવી રાગિણી અજમાવી છે. આ ગીતની તર્જ હેમંત કુમાર માટે જ રચી હોય એવી સચોટ અસર કરે છે. 

એક સરસ ગીત રાગ બાગેશ્રીમાં છે. લતાના કંઠે રજૂ થયેલું એ ગીત સાયરાબાનુ પર ફિલ્માવાયું છે. બેદર્દી દગાબાજ જા, તૂ નાહીં બલમા મોરા જા જા જા રે જા... 

શાસ્ત્રીય સંગીતની તાલીમથી મંજાયેલા લતાના કંઠે આ ગીત ખૂબ સરસ બન્યું છે. એમાંય જે રીતે સોળ માત્રાના ત્રિતાલનો ઉપયોગ કરાયો છે એ કાબિલ-એ-દાદ છે. 

આમ તો આ ફિલ્મનાં બધાં ગીતો હિટ નીવડયાં હતાં. અત્રે આપણે માત્ર ઝલક માણી છે. 

શમ્મી કપૂર માટે શંકર જયકિસન, ઓ પી નય્યર, ઉષા ખન્ના વગેરેએ પણ સંગીત આપેલું. બ્લફ માસ્ટર અને બીજી ફિલ્મોનાં સંગીતને માણીએ ત્યારે ખ્યાલ આવે કે આ કચ્છી માડુ બંધુએ પણ શમ્મી કપૂર માટે યાદગાર સંગીત પીરસ્યું છે.

Gujarat