'ત્રિદેવ'ના ફ્યૂઝન ટાઇપના સંગીતે ગલી ગલી ગજાવી.....

Updated: May 5th, 2022

- સિનેમેજિક : અજિત પોપટ

સતત ફિલ્મો મળી રહી હોવા છતાં કારકિર્દીના મધ્યાહ્ને 'વીઆરએસ' (સ્વૈચ્છિક નિવૃત્તિ) લેવા વિચારી રહેલા કલ્યાણજી આણંદજીએ ૧૯૮૯માં રજૂ થયેલી રાજીવ રાયની મલ્ટિસ્ટાર ફિલ્મ ત્રિદેવમાં મલ્ટિસિંગર્સ જેવો પ્રયોગ કર્યો જે સુપરહિટ નીવડયો. એક્શન થ્રિલર એવી આ ફિલ્મે પણ ગોલ્ડન જ્યુબિલી ઊજવી અને ૧૯૮૯ના વર્ષમાં સૌથી  વધુ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની રહી. 

ગીતો આનંદ બક્ષીનાં હતાં. સંગીત કલ્યાણજી-આણંદજીનું હતું. રાજીવ રાય જેવા યુવાન નિર્દેશક સાથે જોડી જમાવવા મ્યુઝિક એરેંજમેન્ટ વીજુ (કલ્યાણજી) શાહે કરેલી. લગભગ બધાં ગીતો ગાજ્યાં અને એક ગીત 'ઓયે ઓયે' તો એટલી હદે ગૂંજ્યું-ગાજ્યું કે મુંબઇમાં પોલીસ કમિશનરે આ ગીત પર બેન જાહેર કરવો પડેલો. જો કે ત્રિદેવ થીમ અને આ 'ઓયે ઓય'ે ગીત બંનેની પ્રેરણા હિટ વિદેશી ગીતો પરથી લેવામાં આવી હતી.

અમિતકુમાર અને સપના મુખરજીએ ગાયેલા 'ગીત ઓયે ઓયે તિરછી ટોપીવાલે, ઓ બાબુ ભોલે ભાલે...' ગીતે દેશભરમાં ધમાલ મચાવી દીધી હતી. વિદેશી તર્જનું સંપૂર્ણપણે ભારતીયકરણ કરીને વીજુએ કમાલ કરી હતી. આ ગીત ફિલ્મમાં એક કરતાં વધુ વખત રિપિટ થયું હતું અને દરેક વખતે થિયેટરમાં આ ગીત આવે ત્યારે ગોકીરો મચી જતો હતો.

સની દેઓલ અને માધુરી દીક્ષિત પર ફિલ્માવાયેલું ગીત 'મૈં તેરી મુહબ્બત મેં પાગલ હો જાઉંગા..' પહેલીવાર મુહમ્મદ અઝીઝ અને સાધના સરગમના કંઠમાં છે. બીજીવાર એકલી સાધનાએ આ ગીત ગાયું છે. ભૈરવી (ખરેખર તો નટભૈરવી)માં સ્વરબદ્ધ કરેલું આ ગીત સરસ રોમાન્ટિક રચના છે.ઠીક ઠીક ફાસ્ટ ડાન્સ સોંગ જેવી એક રચના ત્રણે ત્રણ મુખ્ય હીરોઇનો માધુરી દીક્ષિત, સંગીતા બીજલાની અને સોનમ  (સોનમ કપૂર નહીં, આ સોનમ જુદી હતી) પર ફિલ્માવાયી છે. વિલનના અડ્ડામાં ડાન્સ ગીત રૂપે રજૂ થતું એ ગીત એટલે ગજરને કિયા હૈ ઇશારા, ઘડી ભર કા હૈ ખેલ સારા..., ફરી એક વાર રાગ ભૈરવી (નટભૈરવી) પર આધારિત હતું. આ ગીતને અલકા યાજ્ઞિાક, સાધના સરગમ અને સપના મુખરજીએ કંઠ આપ્યો છે. 

અભિનેત્રી સોનમ પર ફિલ્માવાયેલું અને આલિશા ચિનોયે ગાયેલું એક નશીલું ગીત એટલે 'યે તો પહલા જામ હૈ, અભી તો શામ હૈ, રાતભર જામ સે જામ ટકરાયેગા, જબ નશા છાયેગા તબ મજા આયેગા...' થિયેટરમાં આ ગીત આવે ત્યારે લોકો સિસોટી મારતા.

એક ગીત મનહર ઉધાસ અને અલકા યાજ્ઞિાકના કંઠમાં હતું. આ ગીત જેકી શ્રોફ અને સંગીતા બીજલાની પર ફિલ્માવાયું હતું. 'ગલી ગલી મેં ફિરતા હૈ તુ ક્યોં બન કે બંઝારા, આ મેરે દિલ મેં બસ જા મેરે આશિક આવારા...'  શબ્દોને અનુરૂપ તર્જ લય રચવામાં સંગીતકારોને કામિયાબી મળેલી.

તિરછી ટોપીવાલે.. માટે સપના મુખરજીને બેસ્ટ પ્લેબેક સિંગરનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો તો બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ ફિલ્મમાં વિલનનો રોલ કરનારા અભિનેતા અમરીશ પુરીને મળ્યો હતો. જો કે ફિલ્મ ફેર એવોર્ડની વિશ્વસનીયતા આ સમયગાળામાં ઓછી થઇ ચૂકી હતી. 

મલ્ટિસ્ટાર ફિલ્મ હોવાથી અર્ધો ડઝન-પ્લેબેક સિંગર્સ લેવાનો વિચાર આ સમયગાળામાં કદાચ પહેલીવાર કલ્યાણજી આણંદજીએ અજમાવ્યો હતો. કથામાં જેટલાં પાત્રો એ દરેકને ફિટ બેસે એ રીતે પાર્શ્વગાયકો લીધા હતા. કિશોરકુમાર હયાત નહોતા એેટલે એના પુત્ર અમિત કુમારને લીધો. સાથોસાથ મુહમ્મદ અઝીઝ અને મનહર ઉધાસને લીધા. 

મનહર તો આમ પણ કલ્યાણજી આણંદજીની શોધ સમાન ગાયક છે. હીરોઇનો માટે સપના મુખરજી, અલકા યાજ્ઞિાક, સાધના સરગમ અને આલિશા ચીનોયને લીધી. આમ આ ફિલ્મમાં કલ્યાણજી આણંદજીએ પરંપરાથી હટીને અલગ પ્રકારે કામ કર્યું. સંગીત ગાજ્યું અને ફિલ્મે સુવર્ણ જયંતી ઊજવી.  

    Sports

    RECENT NEWS