યહૂદી કી લડકીની કથાને ઉપકારક સંગીત આપવાની બંનેની નેમ હતી
- સિનેમેજિક- અજિત પોપટ
બિમલ રૉય નિર્દેશિત ફિલ્મ યહૂદીના સંગીતની વાત શરુ કરતી વખતે ગયા શુક્રવારે હોલિવૂડની ફિલ્મોનો ઉલ્લેખ કરેલો. હોલિવૂડના સંગીતકારે પોતાની મર્યાદા સ્વીકારી લીધી હતી. સાવક વાચ્છા નિર્મિત હિન્દી ફિલ્મ યહૂદી આગા હશ્ર કશ્મીરીના હિન્દી-ઊર્દૂ નાટક યહૂદી કી લડકી પર આધારિત હતી એ વાત પણ આપણે કરેલી. લતાજીએ ગાયેલા મેરી જાં મેરી જાં ગીતે એ દિવસોમાં કિશોરો અને યુવાનોને રીતસર ઘેલું લગાડેલું. દિલીપ કુમાર માટે શંકર જયકિસને ગવડાવેલા યે મેરા દિવાનાપન હૈ... ગીતે પણ સંગીતરસિકોને દિવાના બનાવી દીધેલા. હવે આગળ વધીએ.
વાસ્તવમાં આ ફિલ્મનું ટાઇટલ મ્યુઝિક સાંભળતાં એક અલગ પ્રકારની અનુભૂતિ થતી. એે જ રીતે રોમન સમ્રાટના દરબારમાં થતા ડાન્સનું સંગીત પણ શંકર જયકિસને બહુ સમજી વિચારીને તૈયાર કરેલું. ટાઇટલ મ્યુઝિક અને ડાન્સ મ્યુઝિક બંને સંપૂર્ણપણે ભારતીય હોવા છતાં ફિલ્મના સંનિવેશમાં એકદમ ફિટ બેસે એ રીતે એમાં પૂર્વ-પશ્ચિમનો સમન્વય કરાયો હતો. કદાચ એટલેજ સંગીતકાર નૌશાદની આન ફિલ્મના ટાઇટલની જેમ યહૂદીના ટાઇટલ અને ડાન્સ મ્યુઝિકની પણ રેકર્ડ બહાર પડેલી.
બાકીનાં ગીતોમાં પણ સરસ વૈવિધ્ય હતું. મુહમ્મદ રફીના કંઠે ગવાયેલા યે દુનિયા, યે દુનિયા...શૈતાનોં કી બસ્તી હૈ, યહાં જિંદગી સસ્તી હૈ... રોમનો દ્વારા યહૂદીઓ પર થતા અત્યાચારોના પ્રતિભાવ રુપે પરદા પર રજૂ થયું હતું. હૈયું વલોવી નાખે એ રીતે શૈલેન્દ્રે શબ્દોની ગૂંથણી કરી હતી.
આ ફિલ્મમાં ફેન્ટસી કહેવાય એવો મસાલો પણ થોડોક હતો. એક જાદુગર લગભગ સાવ શૂન્યમાંથી બે ડાન્સર સર્જે છે. હેલન અને અન્ય કલાકાર જે ડાન્સ ગીત રજૂ કરેે છે એ બેચૈન દિલ ખોયી સી નજર, તન્હાઇયોં મેં શામ-ઓ-સહર તુમ યાદ આતે હો... નાયિકાને પહેલીવાર જોયા પછી હીરોની મનોદશા કેવી થાય છે એ દર્શાવવા આ ગીતના શબ્દો ગૂંથાયેલા છે. આ રચના પણ શૈલેન્દ્રની છે અને હીરોની મનોદશાને સચોટ રીતે તાદ્રશ કરે છે.
પોતે જેને યહૂદી સમજીને પ્રેમ કર્યો એે યહૂદી નહોતો એવું જાણી- સમજીને વિખૂટા પડયા પછીની વિરહ વેદના રજૂ કરતું હસરત જયપુરી રચિત ગીત મીના કુમારી પર ફિલ્માવાયું છે.
આંસુ કી આગ લે કે તેરી યાદ આયી... શબ્દોની ચમત્કૃતિ જુઓ. આંસુઓ તો ઊનાં એટલે કે ગરમ જ હોય. અહીંં હસરતે આંસુ કી આગ... શબ્દો રચ્યા. ગીતની તર્જ વેદનાને સરસ રીતે વાચા આપે છે. તો પ્રથમ પ્રેમનો તરવરાટ રજૂ કરતું શૈલેન્દ્રનું ગીત આતે જાતે પહલૂ મેં આયા કોઇ, મેરે દિલ બતલા, ન છૂપા, આજ સે મૈં તુઝે દિલ કહું યા દિલરુબા...
ગીત આંસુ કી આગ કરતાં તદ્દન જુદી સંવેદના પ્રગટ કરે છે. એક તરફ પ્રથમ પ્રેમનો તરવરાટ અને બીજી બાજુ વિરહની વેદના. બંને સંવેદનોને અત્યંત મુલાયમ રીતે શંકર જયકિસને રજૂ કર્યાં.
અહીં મહત્ત્વની વાત એ છે કે દિલીપ કુમાર અને મીના કુમારી બંનેને યહૂદીનું સંગીત ગમ્યું હતું અને ત્યાંજ સંગીતકારોની સર્જનશીલતાનો પુરાવો મળે છે. રાજ કપૂરની જેમ દિલીપ કુમાર પણ સંગીતનો મર્મી. તો મીનાકુુમારી સંવેદનશીલ અભિનેત્રી હોવાની સાથોસાથ શાયર પણ ખરી. ગીતના શબ્દો ઉપરાંત સંગીતની પણ સારી સૂઝ ધરાવતી.
આ બંને ઉપરાંત મિનર્વાનો સિંહ સોહરાબ મોદી આ ફિલ્મમાં મીનાકુમારીના પાત્રના પાલકપિતાના રોલમાં છે. પાછલાં વરસોમાં મીનાકુમારી કી અમર કહાની નામે ફિલ્મ બનાવતા હતા ત્યારે સોહરાબ મોદીને મુંબઇના બોરીબંદર (આજનું સીએસટી ) વિસ્તારમાં એમ્પાયર સિનેમા પાસે આવેલી તેમની ઑફિસમાં મળવાની તક મળેલી.
આ ભલા પારસીબાવાએ ઉમળકાથી શંકર જયકિસનને બિરદાવતાં એક વાક્ય પારસી શૈલીની ગુજરાતીમાં કહેલું- 'એ બેઉ પોયરાઓએ ફિલ્મ સંગીતનું કલેવર આખ્ખું બદલી કાઢેલું...' યહૂદીના સંગીત માટે આ વાક્યથી વધુ કશું કહેવાની જરુર જણાતી નથી. અત્રેે દિલીપ કુમારની ફિલ્મોમાં શંકર જયકિસનના સંગીતની વાત અહીં પૂરી થઇ.