For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કર્ણપ્રિય સંગીત દ્વારા પહેલી જ ફિલ્મથી કલ્યાણજીએ ધમાકેદાર એન્ટ્રી મારી...!

Updated: May 28th, 2021

Article Content Image

- સિનેમેજિક-અજિત પોપટ

- એ કોપી કે નકલ નહોતી, સફળ નીવડેલી ફોર્મ્યુલાને આગળ વધારવાનો પુરુષાર્થ હતો

૧૯૪૮-૪૯માં શંકર જયકિસનની કારકિર્દી શરૂ થઇ એના બરાબર એક દાયકા પછી ૧૯૫૮માં સ્વતંત્ર સંગીતકાર તરીકે કલ્યાણજી વીરજી શાહની ધમાકેદાર એન્ટ્રી થઇ. અહીં 'ધમાકેદાર' શબ્દ મહત્ત્વનો છે. એનું કારણ સમજવા જેવું છે. ૧૯૫૮માં દિલીપ કુમારની બે મહત્ત્વની ફિલ્મો રજૂ થઇ- મધુમતી (સંગીત સલિલ ચૌધરી ) અને યહૂદી (શંકર જયકિસન), રાજ કપૂરની બે ફિલ્મો રજૂ થઇ- પરવરિશ (દત્તારામ), ફિર સુબહ હોગી (ખય્યામ), દેવ આનંદની એક ફિલ્મ રજૂ થઇ- કાલા પાની (એસ ડી બર્મન). ઉપરાંત જબરદસ્ત કોમેડી ફિલ્મ ચલતી કા નામ ગાડી (એસ ડી બર્મન) અને અશોક કુમારની હાવરા બ્રિજ (ઓ પી નય્યર). આ તમામ ફિલ્મોએ ટિકિટબારી પર ધૂમ કમાણી કરી હતી.

એની સામે સુભાષ દેસાઇની બાબુભાઇ મિસ્ત્રી નિર્દેશિત ફિલ્મ સમ્રાટ ચંદ્રગુપ્તના કલાકારો હતા ભારત ભૂષણ અને નિરુપા રોય. ગીતકાર ત્રણ હતા- હસરત જયપુરી, ભરત વ્યાસ અને ઇન્દિવર. શરૂમાં જણાવ્યા એ બધા ધુરંધરો વચ્ચે કલ્યાણજી વીરજીની સંગીતકાર તરીકે આ પહેલી ફિલ્મ. છતાં તમામ દાદુ સંગીતકારો વચ્ચે કલ્યાણજી વીરજી જુદા તરી આવ્યા. સુભાષ દેસાઇએ એમને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. ફિલ્મનું સંગીત ફિલ્મ રજૂ થયા પહેલાંજ છવાઇ ગયું. શંકર જયકિસનની જેમ અહીં મુખ્ય ગીતો ભૈરવી અને શિવરંજની રાગિણી પર આધારિત હતાં.

એમાંય લતા મંગેશકર અને મુહમ્મદ રફીએ ગાયેલા તથા શિવરંજનીમાં રજૂ થયેલા ગીતે તો રીતસર તહલકો મચાવ્યો. એ ગીત એટલે 'ચાહે પાસ હો ચાહે દૂર હો, મેરે સપનોં કી તુમ તસવીર હો..' બે ગીત ભૈરવી આધારિત હતાં. બંને ભૈરવી ગીતો લતાના કંઠમાં હતાં. પહેલું ગીત એટલે 'હાથ સે મેરે લે લે જામ, અય દિલદાર આજા...  બીજું ગીત એટલે- 'કલ કલ ચલ ચલ બહતી જાઉં મસ્ત નદી કી ધાર...' એક ગીતમાં પ્રસિદ્ધ દત્તુ ઠેકો હતો 'યે સમા મેરા દિલ જવાં...'

વાંકદેખા સમીક્ષકોએ તરત કલ્યાણજી વીરજીએ શંકર જયકિસનની કોપી કરી એવું લખી નાખ્યું. કલ્યાણજીભાઇ સાથેની સંખ્યાબંધ બેઠકોમાં આ વાત નીકળી ત્યારે જરાય અસ્વસ્થ થયા વિના કલ્યાણજીભાઇએ સ્પષ્ટતા કરી: 'શંકર જયકિસનની એક પણ બંદિશની મેં ઊઠાંતરી કરી નહોતી, તો કોપી શી રીતે કહેવાય ? આ વાત જરા જુદી રીતે સમજવાની છે. રફી, મૂકેશ, કિશોર કુમાર વગેરેએ શરૂમાં સાયગલની જેમ ગાવાનો પ્રયત્ન કરેલો ને ? એને સાયગલની કોપી કહેવાય ખરી ? ખરેખર તો સાયગલની લોકપ્રિય શૈલીમાં ગાવાનો પ્રયાસ હતો.

પાછળથી આ દરેક ગાયકે પોતાની આગવી શૈલી વિકસાવી. એજ રીતે રાજેન્દ્ર કુમાર, શમ્મી કપૂર અને મનોજ કુમાર વગેરેએ શરૂમાં દિલીપ કુમાર જેવો અભિનય કરવાની કોશિશ કરેલી. એ કોપી કે નકલ નહોતી, સફળ નીવડેલી ફોર્મ્યુલાને આગળ વધારવાનો પુરુષાર્થ હતો. એને સફળતાનું અનુસંધાન કહી શકો, કોપી નહીં...તમે પોઝિટિવ દ્રષ્ટિકોણથી વિચારો છો કે નેગેટિવ દ્રષ્ટિકોણથી એના વાતનો આધાર છે....' 

વાત વિચારવા જેવી છે. હકીકતમાં શંકર જયકિસને જે પ્રણાલિ સ્થાપી એને કલ્યાણજી આનંદજી અને લક્ષ્મીકાંત પ્યારેલાલે આગળ વધારી. એ પ્રણાલિ એટલે તર્જની સરળતા, મધુરતા અને કોમન મેનને રીઝવે એવું સંગીત. સમીક્ષકોએ પણ એક વાત સ્વીકારવી પડી કે સમ્રાટ ચંદ્રગુપ્ત ફિલ્મ માત્ર અને માત્ર સંગીતના કારણે સફળ ગણાઇ. આરંભે કહેલી ફિલ્મોના સંગીત વચ્ચે પણ આ ફિલ્મનું સંગીત બિરદાવાયું. આ થઇ ધમાકેદાર એન્ટ્રી  !

Gujarat