For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

છલિયાનાં ગીતોથી બોલિવૂડમાં બે સગ્ગા ભાઇઓની બીજી સંગીતકાર જોડી સ્થપાઇ

Updated: Jun 25th, 2021

Article Content Image

- સિનેમેજિક-અજિત પોપટ

- એક જ રાગિણીનો આધાર હોવા છતાં જે વૈવિધ્ય સર્જાય છે એની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી

પહેલા બે વર્ષ ધીરજપૂર્વક સંજોગોનો સામનો કરી રહેલા સંગીતકાર કલ્યાણજી વીરજી શાહ સામે વિધાતા મલકી હશે. ૧૯૬૦માં કલ્યાણજીના પુરુષાર્થે નવી ક્ષિતિજ સર કરી. આ વર્ષ બે ત્રણ રીતે મહત્ત્વનું ગણાય. નંબર એક, હુશ્નલાલ ભગતરામ પછી ફરીવાર બે સગા ભાઇઓની સંગીતકાર જોડી બની.

આ વર્ષમાં આણંદજી પણ કલ્યાણજી સાથે જોડાયા. નંબર બે, આ વર્ષમાં ડાયરેક્ટર તરીકે મનમોહન દેસાઇએ કલ્યાણજી આણંદજીના સંગીત સાથે પદાર્પણ કર્યું. જો કે પહેલી ફિલ્મ હતી એટલે મનમોહનને બદલે મન્નુ દેસાઇ એવું નામ ડાયરેક્ટર તરીકે રાખેલું.  નંબર ત્રણ, આ વર્ષમાં કલ્યાણજી આણંદજીએ પહેલીવાર રાજ કપૂર માટે મેલોડી સભર સંગીત આપ્યું, રાજ કપૂરને પોતાના કામથી પ્રભાવિત કર્યા.

કલ્યાણજીભાઇની સુભાષ દેસાઇ સાથેની ત્રીજી ફિલ્મ એટલે રાજ કપૂર અને નૂતનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી છલિયા. આ ફિલ્મમાં પ્રાણ અને રહેમાનની પણ મહત્ત્વની ભૂમિકા હતી. કમર જલાલાબાદીએ ગીતો રચ્યાં હતાં. છલિયાનાં બધાં ગીતોએ ધમાલ મચાવી. એમાં પણ કેટલાંક ગીતો તો ગલીએ ગલીએ ગૂંજ્યા એમ કહીએ તો ચાલે. મૂકેશના કંઠે રજૂ થયેલું ટાઇટલ ગીત 'છલિયા મેરા નામ, છલના મેરા કામ, હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઇ, સબ કો મેરા સલામ...'  પહેલીવાર સાંભળનારને એમ જ લાગે કે આ તો શંકર જયકિસનનું ગીત છે. અદ્દલ એજ સ્ટાઇલ. એજ ભૈરવીની બંદિશ.

એ જ રીતે ખેમટા તાલમાં ફરી એકવાર મૂકેશના કંઠે ભૈરવીની ઝલક ધરાવતું ગીત 'ડમ ડમ ડિગા ડિગા, મૌસમ ભીગા ભીગા, બિન પીયે મૈં તો ગીરા, મૈં તો ગીરા, મૈં તો ગીરા, હાય અલ્લા, સૂરત આપ કી સુભાનલ્લાહ...' કેટલાક સ્ટેજ શોમાં રાજ કપૂરે પોતે આ ગીત પર ડાન્સ પણ કરેલો. આટલેથી ન ધરાયા હો તો હજુ સાંભળો.

મૂકેશના કંઠે વધુ એક ભૈરવીનો આધાર ધરાવતું  યાદગાર ગીત એટલે આ. 'મેરે તૂટે હુએ દિલ સે, કોઇ તો આજ યે પૂછે, કે તેરા હાલ ક્યા હૈ...' આ ગીતમાં કિશોર દેસાઇના મેંડોલીનના અત્યંત મધુર પીસીસ છે. ખરું પૂછો તો કલ્યાણજી આણંદજીએ પણ ભૈરવીને કેટલી હદે આત્મસાત કરી હશે એની આછેરી ઝલક આવાં યાદગાર ગીતોમાં મળે છે. વધુ એક ગીત એની સાક્ષી પૂરે છે- 'તેરી રાહોં મેં ખડે હૈં દિલ થામ કે હાય હમ દિવાને તેરે નામ કે...'

આ બધાં ગીતો માધુર્યથી છલોછલ ભરેલાં છે. માત્ર તાલ અને લય (તાલની ગતિ) બદલાય છે.  ઔર એક રચના એટલે 'ગલી ગલી સીતા રોયે, આજ મેરે દેશ મેં, સીતા દેખી, રામ દેખા આજ નયે ભેષ મેં...' આ તર્જનું વધુ સંસ્કારી અને સંવધત 

સ્વરૂપ પાછળથી જ્હૉની મેરા નામ ફિલ્મના 'છૂપ છૂપ મીરાં રોયે, દરદ ન જાને કોઇ..' ગીતમાં મળે છે.

મજાની વાત એ કે સાત આઠ ગીતમાંથી અડધો અડધ ગીતો ભૈરવી પર આધારિત હોવા છતાં, એક જ રાગિણીનો આધાર હોવા છતાં જે વૈવિધ્ય સર્જાય છે એની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી. રાજ કપૂર તો રાજ કપૂર, ખુદ જયકિસને પણ કલ્યાણજીભાઇને અભિનંદન મોકલ્યા હતા કે કોમન મેનને રીઝવવાની અમારી સર્જન સ્ટાઇલ તમે આબ્બાદ પકડી છે.

રાજ કપૂર તો અગાઉ કહ્યું એમ પક્કો વેપારી માણસ. એ તો સલિલ ચૌધરી (જાગતે રહો) અને ખય્યામ (ફિર સુબહ હોગી) થી પણ પ્રભાવિત થયો હતો. પરંતુ પોતાની એક કાયમી ટીમ જમાવી લીધી હોવાથી એ બીજા સંગીતકારોને તક આપવામાં માનતો નહોતો. એ તો જયકિસનના અકાળ અવસાનના પગલે એણે બીજાને તક આપી. 

અહીં ઔર એક વાત કરવી છે. રાજ કપૂર-નૂતનની છલિયા હિટ નીવડી હોવા છતાં તરત કલ્યાણજી આણંદજીને મોટાં બેનર્સની ફિલ્મો મળતી થઇ નહીં. કુદરત જાણે હજુ તેમને તાવવા માગતી હતી. જો કે અગાઉ કહ્યું એમ આ બંને ભાઇઓમાં અખૂટ ધીરજ હતી.

Gujarat