For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લાખો લોકોને શેરબજારનો ચસ્કો લગાડનાર એક ગુજરાતી હતો..

- તે નહોતો જુગારી કે નહોતો સટ્ટાબાજ છતાં બિગબુલ

- શેરબજારમાં કોઇ મોટી ઉછળકૂદ થાય છે કે કોઇ મોટો કડાકો થાય છે ત્યારે હર્ષદ મહેતા યાદ આવે છે

Updated: Nov 24th, 2020

Article Content Image

દેશના લાખો લોકોને શેરબજારનો ચસ્કો લગાડનાર કોઇ હોય તો તે હર્ષદ મહેતા છે. તેને કૌભાંંડી તરીકે ભલે ચિતરાય પણ શેેર બજારમાં ખઇ બદેલા સ્થાપિત હીતોની આંખે હર્ષદ મહેતાએ પાણી લાવી દીધા હતા. શેર બજારમાં જોખમી રોકાણ કરનારા દરેક હર્ષદ મહેતાનું મીની રૂપ છે એમ માની લેવું જોઇએ. શેર બજારમાં આંધળૂકીયો સટ્ટો રમનારા પણ હર્ષદ મહેતાજ હોય છે. જ્યારે લોકો શેેરબજારમાં મોટું રોકાણ કરે છે ત્યારે તેનું કટુંબ કહે છે કે જો જો હર્ષદ મહેતા જેવું ના થાય. 

શેર બજારને સટ્ટા હજાર તરીકે ચીતરવાનો જશ હર્ષદ મહેતાને મળી શકે એમ છે. કેટલાક લોકો એમ માને છે કે બિગબુલ હર્ષદ મહેતાને હિરો તરીકેને ચીતરવામાં આવી રહ્યો છે તે ખોટું થઇ રહ્યું છે. એક વેબ સિરીઝ મારફતે હર્ષદ મહેતાનું જીન ફરી બહાર કઢાયું છે. હર્ષદ મહેતાને કેટલાકે નાયક કહ્યો છે તો કેટલાકે ખલનાયક કહ્યો છે. હકિકત એ છે કે આ બી.કોમ પાસે આર્થિક ક્ષેત્રના નિષ્ણાતોને માથું ખંજવાળતા કરી દીધા હતા. જ્યારે હર્ષદ મહેતાનો અસલી ચહેરો બહાર આવ્યો ત્યારે લોકો મોંમાં આંગળા નાખી ગયા હતા.  ત્યારનું ૧૯૯૨નું કૌભાંડ ૨૮ વર્ષ પછી ફરી લોકોની નજરમાં લવાયું છે. આવું જરૂરી એટલા માટે છે કે નવી પેઢી તે સમજી શકે .આ એ સમય હતો કે જ્યારે મોબાઇલ કે ઇન્ટરનેટ નહોતા.

બજાર પણ ઓનલાઇન નહોતું. હર્ષદ મહેતા જેવા ગણત્રીબાજ શેરબજારીયાઓ પણ નહોતા. બધું શુષ્ક-શુષ્ક ચાલતું હતું. ટોચના ચાર પાંચ દલાલો માર્કેટમાં રમ્યા કરતા હતા. તે કોઇને ફાવવા દેતા નહોતા. હર્ષદ મહેતાને એન્ટ્રી વખતે નસીબે સાથ નહોતો આપ્યો હતો. હર્ષદ મહેતાએ જ્યારે પહેલો સોદો કર્યો ત્યારે તે ફ્લોપ ગયો હતો અને  પૈસા મુકવાનો વારો આવ્યો હતો. કહે છે કે બે-ત્રણ સોદા પછી હર્ષદ મહેતાને ખબર પડી હતી કે પૈસા સિવાય શેર બજારમાં પગ જમાવી શકાય એમ નથી. ગામના પૈસે ધંધો કરવાનું એટલા માટે નક્કી કર્યું હતું કે પોતાની પાસે કોઇ પૈસો નહોતો.

જ્યારે જ્યારે શેરબજારમાં કોઇ મોટી ઉછળકૂદ થાય છે કે કોઇ મોટો કડાકો થાય છે ત્યારે ત્યારે હષર્દ મહેતા યાદ આવે છે. હર્ષદ મહેતાના કારણે ઘણા લોકો કમાયા છે અને રોયા પણ છે. હર્ષદ મહેતા એ વ્યક્તિ છે કે જેના કારણે લોકો શેરબજારમાં પૈસા રોકતા થયા હતા. કેટલાક શેર બજારને ઓળખતા થયા હતા.

તે સમયે લોકો બંેકોમાં મુકેલો પૈસો બહાર કાઢીને શેેર બજારમાં લગાવતા હતા. હર્ષદ મહેતા નહોતો જુગારી કે નહોતો સટ્ટાબાજ. તેના કુટુંબમાં કોઇ શેરબજારને સમજતું નહોતું. રોટલી દાળભાત ખાઇનેે રહેતું હસતું મધ્યમવર્ગનું ગુજરાતી કુટુંબ ક્યારેય પૈસાદાર થવાનું કે કોઇ જોખમ ઉઠાવવાનું સપનું પણ નહોતું જોતું.

હર્ષદ મહેતા બાહોશ એટલા માટે થયો કે તેની પાસે શેરબજારમાં રોકવાના પૈસા નહોતા એટલે તે ગામના પૈસે ધંધો કરવા ટેવાઇ ગયો હતો. પૈસા હોય તો કેટલીક સ્ક્રીપ્ટ પોતાની રીતે ચલાવી શકાય છે એમ જાણી ગયેલા હર્ષદ મહેતા બજારમાંથી પૈસા શોધવા નિકળ્યા ત્યારે બેંકોના નિયમેા અને ફાયનાન્સ ક્ષેત્રે ચાલતા લુપહોલ્સ તેમની નજરમાં આવી ગયા હતા. આ લુપહોલ્સમાં આંગળી કરીને તેમણે માખણ કાઢ્યું હતું. હર્ષદ મહેતાએ બેંકોને સમજાવ્યું હતું કે મને પૈસા આપવામાં તમારે કંઇ ગુમાવવાનું નથી. તે સમયના બેંકના વહિવટકારો તેની વાતમાં આવી ગયા હતા અને હર્ષદ મહેતા ધારે તે સ્ક્રીપ્ટને ઉંચી લાવતો હતો અને પછાડતો પણ હતો. ત્યારે શેરબજાર હકીકતે સટ્ટાહજાર બની ગયું હતું. 

જ્યારે શેરબજારના બે-ચાર રસિયાઓ ભેગા થાય ત્યારે તેમની વચ્ચેની વાતો થતી જોઇને એમ લાગે કે આ બધા હર્ષદ મહેતાના વંશજો છે. આ લોકો એકના દશ કરવાની વાતો કરતા હોય છે. તેમની વાતો સાંભળીને નજીક ઉભેલા કોઇ પણ પૈસા કમાવવાના સપનાં જોવા લાગે છે અને ડીમેટ એકાઉન્ટ ખોલાવીને  શેર માર્કેટમાં ઝંપલાવે છે. શેર બજારને ડુંગર દૂરથી રળીયામણાં સાથે સરખાવી શકાય. ધીરજ અને મક્કમ રહેવાનો ગુણ વિકસાવ્યા પછી શેર બજારમાં પ્રવેશ કરવો જોઇએ. લોકોને ઉંચું બજાર ગમે છે પણ તૂટતું બજાર ઘણાને સ્ટ્રોક લાવી દે છે. હર્ષદ મહેતાને આદર્શ બનાવી શકાય નહીં તેની સ્ટોરી કચકડામાંજ સારી લાગે હર્ષદ મહેતા જેવા પ્લાનીંગ વિચારી શકાય પણ તેને અમલમાં ના મુકી શકાય.

Gujarat