સતત નવું શીખવાની તૈયારી અને ધીંગી કોઠાસૂઝ વડે ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં અમૂલ્ય પ્રદાન કર્યું
- સિનેમેજિક- અજિત પોપટ
ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ સંગીતકાર શંકર જયકિસનથી શરૂ થયો એમ ગણીને આજે વાત કરવી છે. સુવર્ણ યુગનાં હજ્જારો ગીતો આજે (જીવનસંધ્યાએ પહોંચેલા) લાખ્ખો સિનિયર સિટિઝનોની આંખના ખૂણે જળજળિયાં લાવી દે છે. સાવ ટાંચાં સાધનો અને બાવા આદમના જમાનાની ટેકનોલોજી વડે એ ગીતોને અમરત્વ બક્ષનારા એક અલગારી આદમીની આજે વાત કરવી છે.
આ આદમીના અમૂલ્ય સર્જનની વાત કરવા માટે શંકર જયકિસને શમ્મી કપૂર માટે આપેલાં ગીતોની વાત અધવચ્ચે અટકાવવાની ફરજ પડી. એ અલગારી આદમી એટલે સાઉન્ડ રેકોડસ્ટ દુર્લભદાસ ઓધવજી ભણસાલી. રૂપેરી પરદા પર એમનું નામ ડી. ઓ. ભણસાલી તરીકે પ્રગટ થતું. ચોથી મેના સોમવારે સવારે જામનગરમાં ૯૫ વર્ષની પાકટ વયે ભણસાલીએ દેહત્યાગ કર્યો ત્યારે લિવિંગ લેજન્ડ પાર્શ્વગાયિકા લતા મંગેશકરે ટ્વીટર પર ભણસાલીને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી.
કોલાબાથી કચ્છ સુધી જ્યારે ગ્રેટર બોમ્બે સ્ટેટ હતું ત્યારે જામનગરમાં માત્ર નવ ગુજરાતી ધોરણ ભણીને બીજા હજારો યુવકોની જેમ કામધંધાની તલાશમાં આ હોંશીલો યુવક મુંબઇ આવેલો. કેટલેક અંશે એમ કહી શકાય કે સંગીતકાર નૌશાદ, ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને ફિલ્મ સંગીતના સિનિયર મોસ્ટ સિતારવાદક જયરામ આચાર્યની સાથોસાથ દુર્લભદાસે કારકિર્દી શરૂ કરેલી.
મુંબઇના તારદેવ વિસ્તારમાં ફેમસ રેકોડગ સ્ટુડિયો આવેલો હતો. ત્યાં પારસી સાઉન્ડ રેકોડસ્ટ મીનુ કાત્રક (મીનુ બાવા)ના સહાયક તરીકે ૧૯૪૦ની આસપાસ દુર્લભે કામગીરી શરૂ કરી. એક દાયકા પછી ફિલ્મ જગતમાં બાબા ભણસાલી તરીકે અદ્વિતીય યશ મેળવ્યો.
ઓડિયો એંજિનિયરીંગ કોને કહેવાય એની કશી જાણકારી એની પાસે નહોતી. પરંતુ નીત નવું શીખવાની ધગશ અને કોઠાસૂઝ અખૂટ હતી. અથાક પરિશ્રમ કરવાની તૈયારી હતી. સામી બાજુ હિમાલય જેવા પડકારો હતા. આ એ સમયની વાત છે જ્યારે રેકોડગ સિસ્ટમમાં ધ્વનિનો પડઘો પડે એવી એકો સિસ્ટમ નહોતી, કમ્પલિટલી સાઉન્ડ પ્રૂફ કહેવાય એવા રેકોડગ સ્ટુડિયો નહોતા. ગાયકો અને વાદ્યવૃન્દ વચ્ચે રોકડું એક માઇક્રોફોન રહેતું.
સૌથી વધુ ચેલેંજિંગ વાત એ હતી કે શંકર જયકિસન પહેલીજ ફિલ્મથી એકસો સાજિંદા લઇને આવેલા. સાગર મૂવીટોનની વાત કરતી વખતે તમને કહેલું કે અનિલ વિશ્વાસે બાર-તેર સાજિંદા માગ્યા ત્યારે સાગરનો મેનેજર ખીજાઇ ગયેલો કે કોઇનો વરઘોડો કાઢવો છે ? આટલા બધા સાજિંદા શા માટે જોઇએ ? ત્યારે અહીં તો એકસો સાજિંદા હતા. કેટવોક કરતા હોય એમ બિલ્લીપગે ગાયક માઇક પાસે આવીને ગાઇ જાય.
એ પછી સાજિંદો પોતાને ફાળે આવેલો મ્યુઝિકનો પીસ બિલ્લીપગે આવીને છેડી જાય. મીનુ બાવા અને બાબા (ભણસાલી) વચ્ચે ગજબની અન્ડરસ્ટેંડિંગ હતી. બાવા બહાર રેકોડગ મશીન પર હોય ત્યારે બાબા અંદર સંગીતકાર અને સાજિંદા વચ્ચે સંકલન સાધે, બાવા અંદર હોય ત્યારે બાબા રેકોડગ મશીન પર બેસે.
કામ કરતાં કરતાં માત્ર કોઠાસૂઝથી બાબાએ એવી સિદ્ધિ મેળવી કે આજની અલ્ટ્રામોડર્ન ટેકનોલોજી અને પોસ્ટ ગ્રેજ્યુએટ સાઉન્ડ એંજિનિયરો બાબા પાસે પાણી ભરતા થઇ ગયા. સંગીતકાર પ્યારેલાલે યોગ્ય રીતે કહ્યું કે એક સાથે પાંચ પાંચ માઇકમાંથી આવતા ધ્વનિ (ગીતના શબ્દો અને સંગીત)ને બાબા સિંગલ ટ્રેક પર ચડાવીને ડાયરેક્ટ ફિલ્મની પટ્ટી સાથે ડાયરેક્ટ મિક્સીંગ કરી આપતા. અગાઉ કહ્યું એમ એમની કોઠાસૂઝ ધીંગી હતી. સંગીતકાર નૌશાદથી માંડીને એ સમયના તમામ સંગીતકારો ગીત રેકોર્ડ થઇ ગયા પછી પ્રશ્નસૂચક નજરે બાબા સામે જુએ. બાબા પહેલી અને બીજી આંગળી ઊંચી કરીને વિજયનો વી દેખાડે ત્યારેજ સંગીતકારને હાશ થાય.
૧૯૪૦થી ૧૯૯૪ એટલે કે પચાસ વર્ષથી પણ વધુ સમય સુધી બાબાએ ફેમસ સ્ટુડિયો સાથે કામ કર્યું. પાંચ પચીસ નહીં, પૂરાં તેર હજાર ગીતો આપણને આપ્યાં. રાજ કપૂર, શમ્મી કપૂર, દેવ આનંદ, દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમારથી માંડીને તમામ ટોચના કલાકારોના યાદગાર ગીતોનું રેકોડગ બાબાએ કર્યું. દરેક ગીત કોહિનૂર હીરા જેવું અલભ્ય. દરેક ગીત સદાબહાર અને એવરગ્રીન. મીનુ બાવા નિવૃત્ત થયા બાદ બાબાએ કામગીરી સંભાળી.
સુવર્ણયુગના તમામ સંગીતકારોનાં ગીતો બાબાએ રેકોર્ડ કર્યા. તમામ ટોચના બેનર્સની ફિલ્મો માટે કામ કર્યું. સુવર્ણયુગના અસંખ્ય સદાબહાર ગીતો એક ગુજરાતીએ આપણને આપ્યાં એ વાતે દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફૂલવી જોઇએ. જરાય અતિશયોક્તિ વિના કહી શકાય કે ડી.ઓ. ભણસાલીની વિદાયથી એક યુગનો અંત આવ્યો. તમને ગમતાં ગીતો સાંભળો ત્યારે બાબા ભણસાલીને જરૂર યાદ કરજો.