ફિરોઝ ખાનની 'કુરબાની' ફિલ્મના સંગીતે તહલકો મચાવ્યો

Updated: Apr 22nd, 2022


- સિનેમેજિક-અજિત પોપટ

'અપરાધ' અને 'ધર્માત્મા'ની સફળતા પછી અભિનેતા ફિલ્મ સર્જક ફિરોઝ ખાનનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચ્યો. ૧૯૭૧-૭૨માં રજૂ થયેલી અને હિટ નીવડેલી એક ઇટાલિયન ફિલમ 'ધ માસ્ટર ટચ'નું 'કુંરબાની' નામે ભારતીયકરણ કરાવ્યું. ફિરોઝે એ સમયની સોંઘવારીમાં દોઢ કરોડના ખર્ચે આ ફિલ્મ બનાવી. એ દિવસોમાં આ ફિલ્મ ખાસ્સી ખર્ચાળ ગણાયેલી. દોસ્તી, પ્રણય ત્રિકોણ, અંધારી આલમ વગેરે મસાલો ભરીને એમણે જબરદસ્ત મનોરંજક ફિલ્મ બનાવી. ફિલ્મ ધાર્યા કરતાં વધુ સફળ નીવડી અને ફિરોઝ ખાનને ૧૨ કરોડની કમાણી થઇ. ચોખ્ખો નફો છ કરોડનો થયો.

અંધારી આલમને સચોટ રીતે દર્શાવવા એણે ત્રણેક તો વિલન ભેગા કર્યા હતા. અમરીશ પુરી, શક્તિ કપૂર અને કાદર ખાન. અપવાદ રૂપે 'શોલે'ના ગબ્બર એટલે કે અમજદ ખાનને પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ આપ્યો હતો. પોતાના મિત્ર તરીકેનો રોલ અમિતાભ બચ્ચનને ઓફર કરેલો, પરંતુ એ સમયે અમિતાભ ફ્રી નહોતા. એમણે છ માસ પછી ડેટ આપવાની તૈયારી દાખવી એટલે વિનોદ ખન્નાને દોસ્તના રોલમાં લઇ લીધા.આ ફિલ્મ એના સંગીત માટે ખૂબ ગાજી. ગીતકાર ફારુખ કૈસરે લખેલું એક ગીત મૂળ બેંગલોરના પણ લંડનમાં વસતા સંગીતકાર બીડ્ડુએ તૈયાર કરેલું. એને પાકિસ્તાની ગાયિકા નાઝિયા હસને ગાયું હતું. 'આપ જૈસા કોઇ મેરી જિંદગી મેં આયે તો બાત બન જાયે..' આ ગીતથી બોલિવૂડમાં ડિસ્કો યુગ શરૂ થયો.

બીડ્ડુની એન્ટ્રીનો કલ્યાણજી આણંદજીએે શરૂમાં વિરોધ કરેલો. મ્યુઝિક ડાયરેક્ટર્સ એસોસિયેશને પણ ફિરોઝ ખાનને વારેલા કે બહારના સંગીતકારને અહીં ન લાવો. ફિરોઝે પોતાનું વલણ મક્કમ રાખતાં કલ્યાણજી-આણંદજીએ પડકાર ઝીલી લીધો. પોતે બીડ્ડુ કરતાં જરાય ઊતરતાં સર્જક નથી એ તેમણે પોતાની રીતે પુરવાર કરી બતાવ્યું.ફારુખ કૈસરે રચેલી એક કવ્વાલીને કલ્યાણજી આણંદજીએે ડિસ્કો ટાઇપની તર્જમાં સ્વરબદ્ધ કરી. ભૈરવી રાગિણીમાં અને આઠ માત્રાના કહરવા તાલમાં આ કવ્વાલીને કિશોર કુમાર, અનવર અને મશહૂર કવ્વાલ (ઝૂમ બરાબર ઝૂમ શરાબી ફેમ) અઝીઝ નાઝાંએ અફલાતુન રીતે જમાવી.

આ કવ્વાલી ફિલ્મનું ટાઇટલ ગીત અને અનેરું આકર્ષણ બની રહી અને એની પાંચ લાખ રેકર્ડ વેચાઇ. ફારુખ કૈસરને પ્લેટીનમ ડિસ્કની ગીફ્ટ મળી. સંગીતકાર કલ્યાણજી-આણંદજીને 'મોસ્ટ એેમેઝિંગ એવરગ્રીન સોંગ'નો ખાસ એવોર્ડ એનાયત થયો. આમ એક તરફ આપ જૈસા કોઇ મેરી જિંદગીમેં આયે... અને બીજી તરફ 'કુરબાની કુરબાની' કવ્વાલીએ રીતસર ધૂમ મચાવી.

'હમ તુમ્હેં ચાહતે હૈં ઐસે, મરનેવાલા કોઇ જિંદગી ચાહતા હૈ જૈસે...' ઇન્દિવરની આ રચનાને મનહર ઉધાસ, કંચન અને આનંદ કુમારનો કંઠ સાંપડયો છે. આ ગીતમાં સંગીતકારોએ પ્રાતઃકાલીન રાગ અહીર ભૈરવ અને ભૈરવના મિશ્રણથી ગીતને અનેરો રોમાન્ટિક રંગ બક્ષ્યો છે. વાત આટલેથી પૂરી થતી નથી. કલ્યાણજી આણંદજીએ ફારુખ કૈસરના ઔર એક ગીત લૈલા મૈં 'લૈલા, ઐસી હું લૈલા, હર કોઇ ચાહે મિલને મુઝ સે અકેલા...'ને પણ એવી રીતે સ્વરબદ્ધ કર્યું કે એ સમયની યુવા પેઢી એની પાછળ ઘેલી થઇ ગયેલી. આજે જીવન સંધ્યા માણી રહેલા સંગીતરસિકોને એ ગીત જરૂર યાદ હશે.

ઇન્દિવરે લખેલા 'ક્યા દેખતે હો ક્યા દેખતે હો, સુરત તુમ્હારી, ક્યા ચાહતે હો, ચાહત તુમ્હારી...' જેવા સંવાદાત્મક ગીતને મુહમ્મદ રફી અને આશા ભોંસલેએ ગાયું હતું. આ ગીત રાગ નટભૈરવમાં સ્વરબદ્ધ કરીને શબ્દોને અનુરૂપ સંવેદન સર્જવામાં કલ્યાણજી-આણંદજીએ કમાલ કરી હતી.લૈલા મૈં લૈલા અને આ ગીત ફિરોઝ ખાનના દસ યાદગાર ગીતોમા સ્થાન પામ્યાં છે.

આ ફિલ્મે બોક્સ ઓફિસ છલકાવવાની સાથોસાથ સુવર્ણ જયંતી ઊજવી. અમિતાભની ચાર (જંજિર, મુકદ્દર કા સિકંદર, ડોન અને લાવારિસ)ની તુલનાએ ફિરોઝ ખાનની આ પહેલી ફિલ્મે ગોલ્ડન જ્યુબિલી ઊજવી. કલ્યાણજી -આણંદજીએ ત્રીસ બત્રીસ વર્ષની કારકિર્દીમાં કુલ ૧૧ ગોલ્ડન જ્યુબિલી ફિલ્મો આપી. એ જેવી તેવી સિદ્ધિ નથી.

    Sports

    RECENT NEWS