Get The App

સુવર્ણ જયંતી કરનારી ફિલ્મ ડોનનું સંગીત દુનિયાભરમાં ગૂંજ્યું...

Updated: Mar 18th, 2022

GS TEAM

Google News
Google News
સુવર્ણ જયંતી કરનારી ફિલ્મ ડોનનું સંગીત દુનિયાભરમાં ગૂંજ્યું... 1 - image


- સિનેમેજિક-અજિત પોપટ

યોગાનુયોગ પણ કેવા ચમત્કારો કરે છે એ સમજવા માટે અમિતાભ બચ્ચન અને સંગીતકાર કલ્યાણજી આણંદજીની કારકિર્દી પર નજર કરવા જેવી છે.૧૯૭૮માં અમિતાભની બે ફિલ્મો આવી. બંનેમાં કલ્યાણજી આણંદજીનું સંગીત હતું. બંને ફિલ્મો એક્શન થ્રીલર ટાઇપની હતી. બંને ફિલ્મોએે એના સર્જકોને ધૂમ કમાણી કરાવી અને બંને ફિલ્મોએ સુવર્ણ જયંતી ઊજવી. એવી પહેલી ફિલ્મ મુકદ્દર કા સિકંદરની વાત ગયા શુક્રવારે કરેલી. 

આજે ડોનની વાત કરીએ. કલ્યાણજીભાઇના વિમલા મહાલ ખાતેના મ્યુઝિક રૂમ પર અમિતાભ બચ્ચન અને ચંદ્રા બારોટની ઓળખાણ થયેલી. પાછળથી ચંદ્રા બારોટે અમિતાભને લઇને ડોન બનાવી. ૧૯૭૮ના વર્ષમાં ડોન ફિલ્મે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ સર્જ્યો. આ ફિલ્મના સંગીતે પણ એક નવો વિક્રમ સ્થાપ્યો. 

કલ્યાણજી આણંદજીએ આ ફિલ્મ માટે રચેલા થીમ મ્યુઝિકે અમેરિકામાં પણ તહલકો મચાવ્યો. ટીઅરજર્કર નામની સિરિયલના 'અમેરિકન ડેડ' એપિસોડમાં ડોનના થીમ મ્યુઝિકને (આગોતરી પરવાનગી મેળવીને) રજૂ કરાયું. અમેરિકી પ્રજાને પણ એ ગમ્યું. ડોનના મેરા દિલ ગીત પરથી અમેરિકી હીપ હોપ મ્યુઝિકલ ગ્રુપ 'બ્લેક આઇ્ડ પીઝ'એ એક ગીત પણ બનાવ્યું. આ ગીત માટે આશા ભોંસલેને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો. આમ ડોનનું સંગીત દેશ ઉપરાંત આંતરરાષ્ટ્રીય લેવલે ગૂંજ્યું અને ગાજ્યું. 

ડોન ફિલ્મનાં બે ત્રણ ગીતોનો આસ્વાદ આજે અહીં લઇએ. મેરા દિલ યાર કા દિવાના એક ગીત સિવાયનાં બાકીનાં ગીતો અંજાનનાં હતાં. પોલીસ કમિશનરના સૂચનથી એક સામાન્ય માણસ અંધારી આલમનો બોસ બને છે એવી કથા હતી. એક તરફ બોસની માનીતી ઉપનાયિકા હેલન યે મેરા દિલ દિવાના.. દ્વારા ડોનને રીઝવવા અને એની અસલિયત ચકાસવા આ ક્લબ સોંગ છેડે છે. 

બીજી બાજુ કથાની નાયિકા ઝીનત અમાનને ડોન સામે બદલો લેવો છે એટલે એ એક પાર્ટી સોંગ છેડે છે. આ માણસ અસલી બોસ નથી એની ઝીનતને જાણ નથી. ગીતના શબ્દો સરસ છે. 'જિસ કા મુઝે થા ઇંતેજાર, જિસ કે લિયે દિલ થા બેકરાર, વો ઘડી આ ગઇ, આ ગઇ, આજ પ્યાર મેં હદ સે ગુજર જાના હૈ, માર દેના હૈ તુઝ કો યા મર જાના હૈ...'  આ ગીત લતા અને કિશોર કુમારના કંઠમાં છે.

ફિલ્મનાં જે બે ગીતોએ અક્ષરસઃ ધૂમ મચાવી એ આ રહ્યાં- બંને ગીતો કિશોર કુમારના કંઠમાં હતાં. પહેલું ગીત એટલે અરે દિવાનો, મુઝ કો પહચાનો, મૈં હું ડોન... અને બીજું ગીત એટલે ખઇ કે પાન બનારસવાલા... અમિતાભ બચ્ચને પોતાની વિશિષ્ટ ડાન્સ શૈલી અને અભિનય દ્વારા બંને ગીતોને જીવંત કર્યાં હતાં. બંને ગીતો યાદગાર બની ગયાં.

ઔર એક ગીત થોડું હળવું કહેવાય એવું છે. કિશોર કુમારના કંઠે રજૂ થયું છે. દેશભરના યુવાનોને જે મહાનગરનું ઘેલું લાગે છે અને ખાસ તો મનોરંજનની માયાવી દુનિયામાં નસીબ અજમાવવા રોજ સેંકડો યુવાનો મુંબઇ આવે છે એ મુંબઇનું વર્ણન કરતું એ  ગીત એટલે આ- જય હો રાધેશ્યામ કી, જય હો સીતારામ કી, ઔર જય હો બમ્બઇધામ કી... ગીતના એક અંતરામાં સરસ વાત કરી છે- લોગ દૂર દૂર સે આતે હૈં યહાં દાવ લગાને, દેશ-ગાંવ છોડ કે પ્રીત પ્યાર તોડ કે, સોયા સોયા નસીબ જગાને...

કલ્યાણજી આણંદજી સાથે અમિતાબ બચ્ચને દુનિયાભરમાં જે સ્ટેજ પ્રોગ્રામ્સ કર્યા ત્યાં લગભગ દરેક સ્થળે આ બે ગીતોની ફર્માયેશ થતી હતી એવું આણંદજીભાઇએ કહ્યું.

સૌથી વધુ મહત્ત્વની વાત એ બની કે ડોન ફિલ્મ ત્યારપછી એક ફ્રેન્ચાઇઝી બની રહી. મૂળ ડોન સલીમ જાવેદની કથા પર આધારિત હતી. એ સુપરહિટ થતાં જાવેદ અખ્તરના પુત્ર ફરહાન અખ્તરે શાહરુખ ખાનને લઇને ડોનની ફ્રેન્ચાઇઝી બનાવી. જો કે એ મૂળ ડોન જેટલી સફળ કે કમાઉ ન બની એ જુદી વાત છે.  

Tags :