For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કલ્યાણજી વીરજીના આ બે ગીતોએ ધૂમ મચાવી !

Updated: Jun 18th, 2021

Article Content Image

- સિનેમેજિક-અજિત પોપટ

ફિલ્મ સંગીતના બે ધુરંધરો (શંકર જયકિસન અને હેમંત કુમાર) સાથે કામ કરીને કલ્યાણજી વીરજીએ એક ખાસ ગુણ આત્મસાત કર્યો હતો. એ ગુણ એટલે કામ પ્રત્યેની નિષ્ઠા. ફિલ્મ કેવી છે, કોની છે, એના કલાકારો કોણ છે અને બેનર કેવુંક છે એની પરવા કરવી નહીં. પોતાને સોંપાયેલી જવાબદારી પૂરેપૂરી શક્તિ કામે લગાડીને પાર પાડવી. આ ગુણના કારણે જ ૧૯૫૯માં આવેલી ફિલ્મો પણ સંગીતની દ્રષ્ટિએ હિટ નીવડી.

એ વિશે વરસો પછી એક મુલાકાત દરમિયાન કલ્યાણજીભાઇએ અત્યંત કામિયાબ એક સમકાલીન તંત્રીનો અનુભવસિદ્ધ મંત્ર યાદ કર્યો હતો. એ કહેતા, પહેલા થોડો સમય તમારું કામ બોલે છે, પછી લાંબા સમય સુધી તમારું નામ બોલે છે. ૧૯૫૯માં રજૂ થયેલી બેદર્દ જમાના ક્યા જાને અને પોસ્ટ બોક્સ ૯૯૯ના સંગીતની વાત આપણે કરી. અન્ય ફ્લોપ ફિલ્મો એટલે ચંદ્રસેના, ઘર ઘર કી બાત, મદારી, ઓ તેરા ક્યા કહના અને સટ્ટા બાજાર. આમાંની મોટા ભાગની ફિલ્મનાં નામ આજે  ભાગ્યે જ કોઇને યાદ હશે. પરંતુ ગીતો ? લગભગ દરેક સંગીત રસિકોને હોઠે હશે.

લતાએ ગાયેલાં બે ગીત 'દિલ ઝૂમ ઝૂમ લહરાયે, દિલ ઝૂમ ઝૂમ લહરાયે' અને 'જરા સા મુસ્કુરાદું તો રાસ્તા ભૂલા દું...' (ફિલ્મ ચંદ્રસેના), 'યે સમા, યે ખુશી, કુછ બોલો જી' (મૂકેશ-લતા ફિલ્મ ઘર ઘર કી બાત) રસિકોને ગમી ગયાં હતાં. આ ગીતોમાં મેંડોલીનનો રણકાર અત્યંત અસરકારક રહ્યો. 

એથી પણ વધુ તો મદારી જેવી ફિલ્મનાં ગીતોએ લોકપ્રિયતાનું શિખર સર કર્યું હતું. આ ફિલ્માં ટોચના કોઇ કલાકારો નહોતા. છતાં મદારીનાં લગભગ બધાં ગીતો દરેક સંગીત રસિકને યાદ હશે. એમાં પણ ચારેક ગીતો આજે સાંભળીએ તો પણ તરોતાજાં લાગે છે.  મૂકેશ અને લતાએ ગાયેલા 'દિલ લૂટનેવાલે જાદુગર અબ મૈંને તુઝે પહચાના હૈ, નજરે તો ઊઠા કર દેખ જરા, તેરે સામને યે દિવાના હૈ..' ગીતે તો તહલકો મચાવ્યો હતો.

વિવિધ પ્રાદેશિક ભાષામાં આ બંદિશ પરથી ઘણાં ભજનો રચાયાં હતાં. આ તર્જ પર રચાયેલું એક ભજન તો આજે છ દાયકા પછી પણ મંદિરોમાં ગવાય છે- યહ પ્રેમ સદા ભરપુર રહે ભગવાન તુમ્હારે ચરણોં મેં... , બે ગીતો લતાના કંઠમાં હતાં- ભૈરવી પર આધારિત 'પ્યાર મેરા મજબૂર, પરદેશી સૈયાં...' અને 'કોઇ કહે રસિયા, કોઇ મન બસિયા..' એક ગીત લતા અને કમલ બારોટના કંઠમાં હતું, અકેલી મોંહે છોડ ન જાના, ઓ મેરા દિલ તોડ ન 

એવાં જ યાદગાર ગીતો ફિલ્મ સટ્ટાબાજારનાં હતાં. રવીન્દ્ર દવેની સટ્ટાબાજાર ફિલ્મમાં બે મુખ્ય કલાકારો હતાં- બલરાજ સાહની અને મીનાકુમારી. સટ્ટાબાજારનાં એક ગીતના ઇન્ટરલ્યૂડમાં મનોહારી સિંઘના સેક્સોફોને રીતસર જાદુ કર્યો હતો. એ ગીત એટલે 'તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે, મુહબ્બત કી રાહોં મેં હમ તુમ ચલે થે, ભૂલા દો મુહબ્બત મેં હમ તુમ મિલે થે, સપના હી સમજો કે મિલ કે ચલે થે...' આ ગીત હેમંત કુમાર અને લતાનાં કંઠમાં હતું. ભૈરવીની આ રચના અત્યંત કર્ણપ્રિય અને ખરા અર્થમાં યાદગાર બની.

આમ ફિલ્મો ચાલી કે ન ચાલી પરંતુ કલ્યાણજી વીરજી શાહનું સંગીત ચાલી નીકળ્યું. ગીતો મેલોડી આધારિત અને સહેલાઇથી ગણગણી શકાય એવાં હતાં.૧૯૫૮ અને ૧૯૫૯ બંને વર્ષમાં કલ્યાણજી વીરજીએ કરેલી મહેનત સફળ થઇ. ગીતો લોકજીભે ગવાતાં થયાં. બિનાકા ગીતમાલામાં એની સરસ નોંધ લેવાઇ. ખુદ લતાએે કલ્યાણજીભાઇને બિરદાવ્યા. મૂકેશ સાથેના સંબંધો વિકસ્યા, આત્મીય થયા અને કલ્યાણજી આણંદજીના મ્યુઝિક રૂમનું ઉદ્ધાટન પણ મૂકેશના હસ્તે થયું.  કલ્યાણજી વીરજીએ જે પરસેવો રેડયો એનું મધુર ફળ તરત પછીના વરસે મળ્યું જેની વાત હવે પછી આપણે કરવાના છીએ.

Gujarat