mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કલ્યાણજી-આણંદજીની છેલ્લી ગોલ્ડન જ્યુબિલી ફિલ્મ દાતાએ ઉત્તર ભારતમાં ધૂમ મચાવી

Updated: May 13th, 2022

કલ્યાણજી-આણંદજીની છેલ્લી ગોલ્ડન જ્યુબિલી ફિલ્મ દાતાએ ઉત્તર ભારતમાં ધૂમ મચાવી 1 - image


- સિનેમેજિક-અજિત પોપટ

દહેજ વધુ માગવાની સામા પક્ષની હઠીલી માગણીના પગલે એક યુવતીનાં લગ્ન ઠેલાઇ જાય. આ યુવતીના પિતાનું હૃદયરોગના હુમલાથી મરણ નીપજે. પોતાનાં લગ્ન ફોક થતાં વ્યથિત થયેલી યુવતી આપઘાત કરે. એથી ગુસ્સે થઇને યુવતીનો ભાઇ બહારવટે ચડે એવી કથા ધરાવતી સુલતાન અહમદની ફિલ્મ 'દાતા' ૧૯૮૯માં રજૂ થઇ. કથા સચોટ નહીં હોવાથી ગીતોની સંખ્યા વધુ છે અને ગીત-સંગીત પર ફિલ્મ આગળ ધપે છે. મુંબઇ મદ્રાસ જેવાં મોટાં શહેરોની તુલનાએ નાનાં નાનાં નગરો અને ઉત્તર ભારતમાં આ ફિલ્મે ધૂમ મચાવી. ગરીબ ફિલ્મ સર્જકોનો અમિતાભ બચ્ચન ગણાયેલો મિથુન ચક્રવર્તી આ ફિલ્મનો હીરો હતો.૧૯૮૯ના વર્ષમાં સૌથી વધુ આવક આ ફિલ્મે કરી અને સંગીત હિટ નીવડતાં ફિલ્મ પચાસ સપ્તાહ ચાલી. સંગીતકાર કલ્યાણજી-આણંદજીની આ છેલ્લી સુવર્ણ જયંતી ફિલ્મ. 

આ ફિલ્મમાં ત્રણ ગીતકાર હતા-  અસદ ભોપાલી, અંજાન અને ઇન્દિવર. ત્રણે ગીતકારોનાં ગીતો ગાજ્યાં. અસદ ભોપાલીની એક રચના મનહર ઉધાસ, મહેન્દ્ર કપૂર અને સાધના સરગમના કંઠમાં રજૂ થઇ છે. એમાં સર્વશક્તિમાન પરમાત્માની સાથોસાથ પ્યારનો મહિમા કરાયો છે- 'પ્યાર હૈ મંદિર, પ્યાર હૈ મસ્જિદ, પ્યાર હૈ તીરથધામ, પ્યાર કે ઇસ મંદિર મેં હર પલ ગૂંજે તેરા નામ, દાતા તેરે કઇ નામ દાતા તેરે કઇ નામ...' સંગીતકારોએ અગાઉ આપેલાં ભક્તિગીતોની જેમ અહીં પણ ભૈરવીનો આધાર લીધો છે અને કહરવા તાલમાં ભજનને અનુરૂપ ઓરકેસ્ટ્રેશન થયું છે. 

ફિલ્મ 'સચ્ચા જૂઠા'નું 'મેરી પ્યારી બહનિયાં બનેગી દૂલ્હનિયા...' તથા ફિલ્મ 'જ્હોની મેરા નામ'નું 'ઓ બાબુલ પ્યારે..' બંને ગીતો યાદ આવે એવી એક તર્જ અલકા યાજ્ઞિાક અને કિશોરકુમારે ગાયેલાં પારિવારિક ગીતમાં છે. અંજાનની આ રચનાનું મુખડું છે, 'બાબુલ કા યે ઘર બહના, કુછ દિન કા ઠિકાના હૈ...' બહેનનાં લગ્ન સમયે આ ગીત પહેલીવાર સુખદ તર્જમાં ગવાય છે. આ તર્જમાં જે લચકદાર કહેરવો બજે છે એ દરેકને ડોલાવે એવો છે.  

હિન્દુ-મુસ્લિમ વચ્ચેની દોસ્તીનું ગૌરવ કરતી એક રચના અંજાને લખી છે. સુરેશ વાડકર અને મુહમ્મદ અઝીઝના કંઠે આ ગીત ફરી એકવાર ભૈરવી પર આધારિત તર્જમાં નિબદ્ધ છે - 'તેરે મેરી યારી, યે દોસ્તી હમારી, ભગવાન કો પસંદ હૈ, અલ્લાહ કો હૈ પ્યારી...' આ ગીતમાં વચ્ચે વચ્ચે અરબી સંગીતની અસર ભૈરવીમાં સરસ રીતે મિક્સ કરી દીધી છે. 

કથાનાયક બહારવટે ચડયા પછી સરખેસરખા સાથીઓ જોડે એક ગીત છેડે છે. આ ગીતની વિશેષતા એ છે કે નાયક શરાબ પીએ ત્યારે નાયિકા (પદ્મિની કોલ્હાપુરે) એને અટકાવે છે. 'રોના ધોના છોડ દે, હમ સે નાતા જોડ દે...' આ ગીત ખટકદાર ખેમટા તાલમાં છે. નાયક નાયિકા વચ્ચેના સંવાદ જેવું અંજાને લખેલું આ ગીત કિશોરકુમાર અને અલકા યાજ્ઞિાકના કંઠમાં છે. 

 ડાકુઓેથી ઘેરાયેલા પ્રેમ ચોપરાને વચ્ચે રાખીને વ્યંડળો તેમજ ડાકુઓ હોળી ગીત રજૂ કરે છે. આ ગીત સપના મુખરજી અને નલિન દવેએ ગાયું છે. આ ગીતમાં પણ પગથી તાલ આપવાનું તાન ચડે એવો ખેમટો તાલ સંગીતકારોએ જમાવ્યો છે. અંજાનની આ રચનાનું મુખડું જાણીતા હોરી ગીત જેવું છે - 'હોરી ખેલે નંદલાલ, લાલ ખેલે હોલી, ઓ કાન્હા ને મારી ઐસી પિચકારી ભીગ ગઇ સારી...'

તવાયફના કોઠામાં રણજિત અને અન્યો બેઠા છે ત્યારે પદ્મિની કોલ્હાપુરે ડાન્સ કરતાં કરતાં ઇન્દિવરની રચના પેશ કરે છે. આ ગીત આશા ભોસલેના કંઠમાં છે. શબ્દો જોડકણા જેવા છે - 'મેરી જાન મેરી જાન મેરી જાન પ્યાર હી પ્યાર કરો, પ્યારે પ્યાર, પ્યાર હી પ્યાર કરો પ્યારે...' ફરી એકવાર ભૈરવી આધારિત આ રચના પણ  ખેમટા તાલમાં છે અને ખાસ્સી જમાવટ કરે છે.  આ ફિલ્મ મિથુનની લોકપ્રિયતા અને સંગીત પર જ ચાલેલી.

Gujarat