For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ કપૂરની ફિલ્મને સંગીતથી સજાવવાની સોનેરી તક

Updated: Aug 13th, 2021

Article Content Image

- સિનેમેજિક-અજિત પોપટ

- રાજ કપૂર સંઘર્ષશીલ ગાયકના રોલમાં હોવાથી બે ત્રણ ગીતોમાં પરદા પર ઓરકેસ્ટ્રા પણ રજૂ કર્યું છે

સુભાષ દેસાઇ અને મનમોહન દેસાઇની છલિયામાં કલ્યાણજી આણંદજીનું સંગીત હિટ નીવડયું એ વાત આપણે કરી ગયા. રાજ કપૂર પણ આ કચ્છી બંધુઓની પ્રતિભાથી પ્રભાવિત થયા. એ અરસામાં રવીન્દ્ર દવેએ રાજ કપૂર અને સાધનાને લઇને એક ફિલ્મ બનાવી- દૂલ્હા દૂલ્હન. એમાં પણ કલ્યાણજી આણંદજીને સંગીત પીરસવાની તક મળી. આ ફિલ્મના સંગીતની વાત કરવા અગાઉ એક આડવાત જરૂરી જણાય છે. દૂલ્હા દૂલ્હનની સ્ટોરીલાઇન થોડી નબળી હતી.

એક સંઘર્ષશીલ ગાયક યુવાન, કોઇ સંગીતકારના સહાયક તરીકે કામ કરતો અન્ય યુવાન, આ બંને વાંઢા રહેતાં હોય એવા ઘરમાં યાદદાસ્ત ગુમાવી ચૂકેલી એક યુવતીનો પ્રવેશ થાય.  બે અપરિણિત યુવાનો વચ્ચે એક સુંદર યુવતી આવે એટલે આડોશી પાડોશીના ભવાં તંગ થાય.

એમનાં મહેણાંટોણાંથી ત્રાસીને પેલી યુવતી આપઘાત કરવા જાય. ગાયક એને બચાવે. બંને પરણવાનું વિચારે ત્યાં નવો ફણગો ફૂટે. આ યુવતીની યાદશક્તિ કેવી રીતે ગુમાઇ હતી એ વાત આવે... હિન્દી ફિલ્મોમાં બને એમ અહીં પણ સુખાંત લાવવામાં આવ્યો. ફિલ્મમાં ચારેક ગીતકારો હતા- આનંદ બક્ષી, ઇન્દિવર, ગુલશન બાવરા અને હારુન.  યાદગાર ગીતોની માત્ર ઝલક જોઇએ તો લાયન્સ શેર (સિંહફાળો) મૂકેશનો હતો. રાજ કપૂર હીરો હોય એટલે એ મૂકેશ અનિવાર્ય ગણાય. ગાયિકાઓમાં લતા મંગેશકર, કમલ બારોટ અને સુધા મલ્હોત્રા વચ્ચે ગીતો વહેંચાઇ ગયાં હતાં. 

મૂકેશનાં ગીતો વધુ યાદગાર બન્યાં એ પણ સ્વાભાવિક હતું. રાજ કપૂર સંઘર્ષશીલ ગાયકના રોલમાં હોવાથી બે ત્રણ ગીતોમાં પરદા પર ઓરકેસ્ટ્રા પણ રજૂ કર્યું છે. ગઝલ જેવું એક સરસ વિરહગીત મૂકેશના કંઠે રજૂ થયું છે- 'જો પ્યાર તુને મુઝ કો દિયા થા, વો પ્યાર તેરા મૈં લૌટા રહા હું, અબ કોઇ તુઝ કો શિકવા ન હોગા, તેરી જિંદગી સે ચલા જા રહા હું...' રાજ કપૂરની શૈલીના આ ગીતને સંગીતકારોએ છ માત્રાના દાદરા તાલમાં નિબદ્ધ કર્યું છે.સ્ટેજ પ્રોગ્રામ જેવા એક દ્રશ્યમાં ઠીક ઠીક ફાસ્ટ કહેરવામાં રાજ કપૂર અને સાધના ડાન્સ કરી રહ્યાં હોય એવા દ્રશ્યમાં આનંદ બક્ષીનું એક ગીત મૂકેશ અને લતાના કંઠે રજૂ થયું છે-'બને તો બન જાયે જમાના દુશ્મન, મૈં તેરા દૂલ્હા, તું મેરી દૂલ્હન...' આ ગીતમાં જે લચકદાર કહેરવો સંગીતકારોએ વાપર્યો છે એ સંગીત નહીં જાણનારા દર્શકને પણ પગથી તાલ આપવા પ્રેરે એવો છે.

આ ફિલ્મનું સૌથી યાદગાર ગીત આ છે. સુધા મલ્હોત્રા અને મૂકેશના કંઠે ગવાયેલા આ ગીતનો આરંભ પરદા પર જુદી રીતે થાય છે. બે અપરિણિત યુવાનો વચ્ચે એક યુવતી રહેવા આવે એ સામે સહાયક સંગીતકાર (અભિનેતા આગા) નારાજ થાય છે ત્યારે એેને મનાવવા માટે ગવાતું હોય એ રીતે ગીત શરૂ થાય છે. પછી જો કે દ્રશ્ય બદલાય છે. 

ગુલશન બાવરાના શબ્દો થોડા તાલમેલિયા લાગે એવા છે. તમે જ નક્કી કરજો. મુખડું છે-'મુઝે કહતે હૈં કલ્લુ કવ્વાલ, તેરા મેરા સાથ રહેગા...'  જવાબમાં નાયિકા કહે છે-'મૈં હું ઠુમરી તો તૂ હૈ ખયાલ, તેરા મેરા સાથ રહેગા...' ઠુમરી અને ખયાલ બંને શાીય સંગીતના શબ્દો છે.

મસ્ત ખેમટા તાલમાં અને ભૈરવી રાગિણીમાં નિબદ્ધ આ ગીત સૌને આકર્ષે એવું બન્યું છે. એવુંજ યાદગાર એક ગીત ઇન્દિવરનું છે. પહેલીવાર મૂકેશના અને બીજીવાર લતાના કંઠે રજૂ થયું છે. તર્જ-લયના કારણે ગીત યાદગાર બન્યું છે. તમને પણ અચૂક યાદ હશે-'હમને તુઝ કો પ્યાર કિયા હૈ જિતના, કૌન કરેગા ઇતના...' 

અંતરામાં કથાનાયક પોતાના દિલની વેદના રજૂ કરે છે-'રોયે ભી તો દિલ હી દિલ મેં, મહફિલ મેં મુસકાયે, તુઝ સે હી ગમ તેરા યે ગમ, બરસોં રહે છૂપાયે, પ્યાર મેં તેરે ચૂપકે ચૂપકે જલત રહે હમ જિતના, કૌન કરેગા ઇતના...'    

ફરી પરદા પર  ઓરકેસ્ટ્રા અને સંઘર્ષશીલ ગાયક રાજ કુમાર (રાજ કપૂરના પાત્રનું પરદા પરનું નામ છે)નો વલોપાત. ઇન્દિવરની રચના છે-'તુમ સિતમ ઔર કરો, તૂટા નહીં દિલ યે અભી, હમ ભી ક્યા યાદ કરેંગે, ચાહા થા તુઝે કભી...' મૂકેશના ચાહકો માટે આ બધાં ગીતો સંઘરી રાખવા જેવાં બન્યાં. 

૧૯૬૪માં આમ તો કલ્યાણજી આણંદજીના સંગીતથી સજેલી ચાર ફિલ્મો રજૂ થઇ હતી. એમાંની એક આ દૂલ્હા દૂલ્હન. રાજ કપૂર અને સાધના બંને સેલેબલ કલાકારો હતો એેટલે ફિલ્મ સર્જકે જોખમ લીધું હોય એમ બને. ફિલ્મ સુપરહિટ નહોતી પરંતુ સંગીત સારું એવું ગાજ્યું હતું.

Gujarat