Get The App

'શિવરંજની રોમહર્ષિણી..'ને મન ભરીને માણવી હોય તો શંકર જયકિસનને અચૂક સાંભળવા રહ્યા...

સિનેમેજિક - અજિત પોપટ

Updated: Jan 2nd, 2020

GS TEAM

Google News
Google News
'શિવરંજની રોમહર્ષિણી..'ને  મન ભરીને માણવી હોય તો શંકર જયકિસનને અચૂક  સાંભળવા રહ્યા... 1 - image


છેલ્લા એકાદ વર્ષથી આપણે ફિલ્મ સંગીતની શહેનશાહ જેવી જોડી શંકર જયકિસનનાં સંગીતનો અતિ ટૂંકો આસ્વાદ માણી રહ્યા છીએ. વીતેલા વર્ષના અંતિમ દોઢ બે માસમાં આપણે આ સંગીતકારોનાં શાસ્ત્રીય રાગ આધારિત ગીતોની વાત કરતા હતા.

 એમાં સૌ પ્રથમ ભૈરવી આધારિત ગીતોની વાત કરી. ભૈરવીને 'સર્વદા સુખદાયિની' કહી છે. હવે જે રાગિણીની વાત કરવાના છીએ એને થોડાક શાસ્ત્રકારો 'શિવરંજની રોમહર્ષિણી' તરીકે ઓળખાવે છે. અજન્મા, સ્વયંભૂ પ્રગટેલા, સર્વોચ્ચ યોગી અને ભારતીય સંગીતના આદિ પ્રણેતા ભગવાન શિવને રીઝવે એ શિવરંજની એવી એક કલ્પના છે.

માત્ર શિવને નહીં, મારા તમારા જેવા માણસોને પણ આ રાગિણી મુગ્ધ કરે છે. માત્ર બે ચાર દાખલા જોઇતા હોય તો નોંધી લ્યો- 'જરા સામને તો આઓ છલિયે...'(જનમ જનમ કે ફેરે-એસ એન ત્રિપાઠી  ), 'કૈદ મેં હૈ બુલબુલ, સય્યાદ મુસ્કુરાયે...' (બેદર્દ જમાના ક્યા જાને-કલ્યાણજી વીરજી શાહ), 'સારી સારી રાત તેરી યાદ સતાવે..' (અજી બસ શુક્રિયા-રોશન), 'ગાયે જા ગીત મિલન કે...' (મેલા-નૌશાદ) અને 'લાગે ના મોરા જિયા...' (ઘુંઘટ-રવિ).

આ ઝલક જોતાં શંકર જયકિસનના સમકાલીન સંગીતકારોનો શિવરંજની પ્રેમ અનુભવી શકાય છે. બીજા અઢળક દાખલા આપી શકાય. આપણે તો બત્રીસ ભોજન અને તેત્રીસ પકવાનમાં ચટણી, અથાણાંની જેમ માત્ર ઝલક માણી રહ્યા છીએ. એટલે અહીં અટકીએ. સરળ ભાષામાં સમજાવતા- 'ભૂપાલીમાં સા, રે, ગ, પ, ધ- આ પાંચ સ્વરો છે ને ? એમાંના ગ (ગંધાર)ને કોમળ કરી નાખીએ.

 એટલે થઇ ગઇ શિવરંજની...' સ્થળ કાળનું ભાન ભૂલાવી દે. જો કે અહીં એક મુદ્દો યાદ રહે. શિવરંજનીનો સ્થાયી ભાવ કરુણ રસ છે. એને ઘુંટી-ઘુંટીને કરુણ બનાવવા માટે કેટલાક ફિલ્મ સંગીતકારો ખૂબીપૂર્વક બંને ગંધાર અજમાવે છે. એવો પ્રયોગ શંકર જયકિસને પણ કર્યોે. 

ગીતોની સંખ્યાની દ્રષ્ટિએ જુઓ તો શંકર જયકિસને ભૈરવીની તુલનાએ શિવરંજનીનો ઉપયોગ ઓછો કર્યો છે. ગીતો ઓછાં આપ્યાં પણ એવાં આપ્યાં કે રોમહર્ષિણીનો સાક્ષાત્કાર કરાવી દે. તમારાં રુંવાડાં ખડાં થઇ જાય. એનો  ઉત્તમ દાખલો આ રહ્યો, 'બહારોં ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ...' (ફિલ્મ સૂરજ). અહીં શહનાઇ વધુ અસરકારક રીતે બજી છે...ત્યારબાદ આ ગીત પણ નોંધી શકાય- 'દિલ કે ઝરોખેં મેં તુઝ કો બિઠાકર, યાદોં કો તેરી મૈં દૂલ્હન બનાકર...' (બ્રહ્મચારી). અહીં શમ્મી કપૂર પિયાનો છેડતો હોય એવું ફિલ્માંકન છે. ટેડી નજરે પ્રાણ સાહેબ નાયિકા રાજશ્રી તરફ નીરખી રહ્યા હોય એવું દ્રશ્ય છે અને રાજશ્રીની આંખો ભીની છે... 

ખરી મજા અહીં છે. એક ગીતમાં આનંદ-ઉલ્લાસ છે અને બીજીમાં ઉદાસી છે. રાગિણી એકજ, તાલ પણ એક જ- છ માત્રાનો દાદરો  પરંતુ સૂરાવલિ બે અલગ સંવેદનની. બંને સંવેદના હીરોની છે અને સૂરોની સજાવટમાં આબ્બાદ ઝીલાઇ છે. હીરોની સંવેદનાનો ઔર એક કિસ્સો ફિલ્મ 'સંગમ'નો છે. અહીં પણ રાજ કપૂર પિયાનો પર બેઠો છે અને પોતાના હૈયાનો વલવલાટ રજૂ કરે છે. 'દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા, જિંદગી હમેં તેરા ઐતબાર ના રહા...'

યોગાનુયોગે આ જ ફિલ્મમાં નાયિકાની મનોવેદના પણ જુદી રીતે રજૂ થઇ છે. 'ઓ મેરે સનમ, દો જિસ્મ મગર એક જાન હૈં હમ, એક દિલ કે દો અરમાન હૈં હમ..' પતિ પોતાને બેવફા માની બેઠો છે કારણ કે પત્નીના ઝવેરાતનો ડબ્બો વીંખતાં એના હાથમાં એક પ્રેમપત્ર આવી ગયો છે. 

દ્રશ્ય પાર્ટીનું છે પરંતુ ગીત મનોમન રીબાતી નાયિકાના મનોભાવને વ્યક્ત કરે છે. અહીં લય બદલાયો છે, મધ્યમ લય કહેવાય એવા કહેરવા તાલમાં આ ગીત રજૂ થયું છે.  

હીરો, એની પત્ની અને એનો દોસ્ત- આ ત્રણ જણ સિવાય સૌ કોઇ પાર્ટીની મોજ માણી રહ્યાં છે, ગીતની પાછળ રહેલી પીડાથી બેખબર છે સૌ કોઇ.... શહેરી જીવનની કરુણતા આડકતરી રીતે રજૂ થઇ છે. તમે તમારું જાણો, અમે તો પાર્ટી માણવા આવ્યાં છીએ એવો પરોક્ષ (આડકતરો) કટાક્ષ અહીં કશું બોલ્યા વિના રજૂ થયો છે. આ ગીતના શિવરંજનીમાં બે ગંધાર સ્પષ્ટ અનુભવાય છે. 

Tags :