Get The App

બસંત બહારનું એ બીજું ગીત એટલે ભક્તહૃદયની આર્જવયુક્ત પ્રાર્થના- 'ભયભંજના વંદના સુન હમારી...'

Updated: Feb 14th, 2020

GS TEAM

Google News
Google News
બસંત બહારનું એ બીજું ગીત એટલે ભક્તહૃદયની આર્જવયુક્ત પ્રાર્થના- 'ભયભંજના વંદના સુન હમારી...' 1 - image


સિનેમેજિક - અજિત પોપટ

ફિલ્મ બસંત બહારના જે ગીતની વાત ગયા શુક્રવારે અધૂરી રહી જવા પામી એની વાત આજે પૂરી કરીએ. આમ તો આજે 14મી ફેબુ્રઆરી એટલે કે વેલેન્ટાઇન ડે છે. પરંતુ બસંત બહાર સાથેનું આપણી વાતોનું સાતત્ય ખંડિત ન થાય એટલા માટે એ જ વાત આગળ વધારીએ.

હેડિંગમાં એ ગીતનો અણસાર આપી દીધો છે. આ ગીતને બે રીતે માણવું છે. પહેલાં એની સાથે સંકળાયેલા રાગની વાત કરીએ. અંગ્રેજોના શાસન તળે દોઢસો વર્ષ રહ્યા એટલે આપણાં બાળકોને એવું ભણાવાય છે કે ઋતુઓ ત્રણ છે- શિયાળો, ઉનાળો અને ચોમાસું. હકીકતમાં ભારતીય પરંપરા મુજબ છ ઋતુ છે- વસંત (તાજેતરમાં વસંત પંચમી ગઇ), ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર.

ભારતીય સંગીતનાં શાસ્ત્રકારોએ જે કેટલાક મોસમી રાગોની છણાવટ કરી છે એમાં એક છે મલ્હાર. સંસ્કૃતમાં કહ્યું, મલ હારયતિ ઇતિ મલ્હાર. ઉનાળામાં સડકો પર જે ગંદકી ફેલાઇ હોય તે હરી લેનાર, ધોઇ નાખનાર તે મલ્હાર એટલે કે વરસાદ. અહીં ફરી એક રાગ તાનસેનના નામે રજૂ થાય છે મિયાં મલ્હાર. (યાદ છે ને ગુડ્ડી, બોલે રે પપીહરા...). મલ્હારના બીજા પણ કેટલાક પ્રકારો શાસ્ત્રકારો વર્ણવે છે- મેઘ મલ્હાર, ગૌડ મલ્હાર, રામદાસી મલ્હાર, મીરાંબાઇ કો મલ્હાર વગેરે વગેરે. એ જ રીતે નવધા ભક્તિમાં શ્રવણં કીર્તનં વિષ્ણો... વર્ણવતાં વર્ણવતાં આત્મનિવેદન અને સંપૂર્ણ શરણાગતની ભાવના પણ શાસ્ત્રોમાં નિરુપાઇ છે. શૈલેન્દ્રના જે ગીતની વાત કરીએ છીએ એને આત્મનિવેદન કે સંપૂર્ણ શરણાગતિ તરીકે મૂકી શકીએ.

શૈલેન્દ્ર રચિત આ ભક્તિગીતને શંકર જયકિસને રાગ મિયાં મલ્હારમાં સ્વરબદ્ધ કર્યું છે. શબ્દોમાં જે શરણાગત ભાવ છે એ સ્વરોમાં યથાર્થ રુપે ઊતરી આવે એવો પુરુષાર્થ બંનેએ કર્યો છે. એ પુરુષાર્થ લેખે લાગ્યો છે એ મુદ્દે તો તમે પણ સંમત થશો. જો કે ગીતના બીજા અંતરામાં ભાવવિશ્વ થોડું બદલાય છે પરંતુ તેથી ગીતના કેન્દ્રીય ભાવને હાનિ પહોંચતી નથી એ મહત્ત્વનું છે. 'ભયભંજના વંદના સુન હમારી, દરસ તેરે માગે યે તેરા પૂજારી...' 

અહીં પહેલો જ શબ્દ કેટલો સમજપૂર્વક રચાયો છે એ જુઓ. ભયભંજના. ભક્તને સંપૂર્ણપણે ભયમુક્ત કરે, નિર્ભય કરે એવા સર્વશક્તિમાન પરમાત્માને વીનવે છે. એ માટે કંઇક અર્પણ પણ કરે છે- 'ગીતોં કે ફૂલોં કી માલા બનાકર, લાયા હું દિલ આરતી મેં સજાકર, યે સાંસોં કી સરગમ કરું તેરે અર્પણ...' પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરવાની ભાવના દર્શાવતી આ પંક્તિ ખરેખર અજોડ છે- સાંસો કી સરગમ કરું તેરે અર્પણ...' શ્વાસોચ્છવાસ પર ટકી રહેલું જીવન સમર્પી દેવાની તૈયારી છે અહીં. આ ભાવના વ્યક્ત કરતી વેળા ભક્તની આંખો સ્વાભાવિક રીતેજ ભીની હોવાની. આંસુથી છલોછલ હોવાની. એ સંદર્ભમાં વર્ષાના પ્રતીક સમો રાગ મિયાં મલ્હાર કેટલો બધો સુસંગત બની રહે એ વિચારી જુઓ. સ્વરો પર ગાયકનો પૂરો કાબુ ન હોય તો બે નિષાદને ન્યાય આપી શકે નહીં.શંકર જયકિસનની સૂઝબૂઝનો આ વિરલ પુરાવો છે. 

બૈજુ બાવરાની સફળતાની વાત કરતાં નૌશાદ સાહેબે કહેલું કે મેં કથાના પ્રવાહમાં ધીમે ધીમે શાસ્ત્રીયતાનો ડૉઝ ઉમેર્યો હતો. એકદમ અધીરાઇથી ગંભીર રાગ છેડયો નહોતો. અહીં તમે જુઓ. એ જ કાર્ય શંકર જયકિસને સાવ સહજતાથી કર્યું છે. નવ ગીતોમાં બે ગીત પીલુમાં અને બે સદા સર્વદા સુખદાયિની (એમની માનીતી ) ભૈરવીમાં. બાકીની બંદિશો ગીતના કેન્દ્રવર્તી ભાવને અનુરુપ બની રહે એ માટેની તેમની સજગતા અહીં અનુભવાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે આ ગીત પણ સૂર ના સજે ક્યા ગાઉં મૈં...ની જેમ મન્ના ડેના કંઠમાં છે. અહીં પણ દસ માત્રાના ઝપતાલનો ઉપયોગ કરાયો છે. તાલની માત્રાઓનું વજન શબ્દોના મહત્ત્વને અખંડ રાખેે એ રીતે સેટ કરાયો છે. બસંત બહારનાં છેલ્લાં બે-ત્રણ ગીતોની વાત આવતા સપ્તાહે પૂરી કરીશું.

Tags :