Get The App

સિનેમેજિક - અજિત પોપટ

મદન મોહન અને લતાજીએ આપેલાં યાદગાર રોમાન્સરંગી ગીતોની ઝલક

રાજ કપૂર જેવા તેવા સંગીતકારને ચલાવી લે નહીં, પછી ભલે ફિલ્મ બીજા કોઈ બેનરની હોય

Updated: Aug 3rd, 2018

GS TEAM

Google News
Google News
સિનેમેજિક - અજિત પોપટ 1 - image

કેટલાક ટોચના કલાકારોએે જાણીને કે અજાણતાંમાં કરેલા પક્ષપાતની વાતો આપણે અગાઉ કરી હતી. દાખલા તરીકે 'હમ દોનાંે' નું સંગીત સુપરહિટ હતું છતાં નવકેતને (અથવા કહો કે આનંદ ભાઇઓએ) જયદેવને ત્યારબાદ રિપિટ ન કર્યા. 'જાગતે રહો'નું સંગીત સુપરહિટ નીવડયું છતાં રાજ કપૂરે સલિલ ચૌધરીને કદી તક ન આપી. એવો એક દાખલો મદન મોહનનો લઇ શકાય. રાજ કપૂર અને નર્ગિસની જોડી સુપરહિટ ગણાતી હતી અને બંને વચ્ચે કૂણા સંબંધો હોવાની વાતો થતી હતી ત્યારે, ૧૯૫૨માં ફિલ્મ 'આશિયાના' આવેલી.

નિર્માતા બી સ્વીન્દર સિંઘ સભરવાલ અને ડાયરેક્ટર બી. ત્રિલોચનની ફિલ્મ 'આશિયાના'માં રાજિન્દર કૃષ્ણનાં ગીતો હતાં અને મદન મોહનનંુ સંગીત હતું. રાજ કપૂર જેવા તેવા સંગીતકારને ચલાવી લે નહીં, પછી ભલે ફિલ્મ બીજા કોઇ બેનરની હોય. પોતે હીરો હોય એેવી ફિલ્મના સંગીત પર પણ રાજ કપૂરની બાજનજર રહેતી એ હકીકત સૌ કોઇ જાણે છે. 'ફિર સુબહ હોગી'નાં ગીતો માટે રાજ કપૂરે સંગીતકાર ખય્યામ સાથે બેઠક કરીને ગીતો સાંભળેલા એ જગજાહેર હકીકત છે.

'આશિયાના' ફિલ્મનાં આમ તો બધાં ગીતો સરસ હતાં. એમાંય તલત મહેમૂદે એકવાર સોલો તરીકે અને બીજી વાર લતાજી સાથે ગાયેલું આ ગીત યાદ કરો-  'મેરા કરાર લે જા, મુઝે બેકરાર કર જા, દમ ભર તો પ્યાર કર જા...' અહીં કાવ્યતત્ત્વની દ્રષ્ટિએ 'દમ ભર તો..' શબ્દો વિચારવા જેવા છે. દમ ભર એટલે એક શ્વાસ જેટલો, આંખના પલકારા જેટલો.. યુ ટયુબ પર કે ગાના ડૉટ કોમ પર તક મળે તો આ ગીત સાંભળો.

મદને કેવી બારીકાઇથી કામ લીધું છે એનો ખ્યાલ આવશે. આમ તો આ ફિલ્મ મદનની કારકિર્દીની આરંભની ફિલ્મ કહેવાય. પરંતુ રાજ કપૂર અને નર્ગિસ જેવા કલાકારોએ જે ગીતોને બિરદાવ્યાં હોય એનું સંગીત કેવું હોય એ કહેવાની જરૃર ખરી ?

આ ફિલ્મમાં મદન મોહને એેક પ્રયોગ રૃપે કે પછી અનાયાસે એ સમયના ટોચના ગાયકોને સમાવી લીધા હતા. લતાજી, તલત મહેમૂદ, શમસાદ બેગમ અને કિશોર કુમાર. કિશોર કુમારે છેડછાડનું એક સરસ ગીત અહીં ગાયું હતું. સ્થળ સંકોચની મર્યાદા ન હોત તો આ ફિલ્મનાં અન્ય ગીતોની વાત પણ આપણે કરી શક્યાં હોત. કારકિર્દીના આરંભે પણ મદન મોહને કેટલા આત્મવિશ્વાસથી કામ કર્યું એનો આ જીવંત પુરાવો છે.

પરંતુ અગાઉ જણાવ્યું એમ  રાજ કપૂરે પણ મદન મોહનના માત્ર 'મૌખિક વખાણ' કર્યા. પોતે કદી મદન મોહનને તક ન આપી કે ન તો બીજા ટોચના ફિલ્મ સર્જકોને એની ભલામણ કરી. જો કે મદન કોઇની ખુશામત કરે એેવા નહોતા. પોતાનંુ કામ કરીને એ આશિયાના ફિલ્મને ભૂલી ગયા. ફિલ્મ પૂરી થઇ અને રિલિઝ થઇ એટલે વાત પૂરી.

આ ફિલ્મ અને ગીત મદન મોહનની કારકિર્દીના આરંભનાં હતા. એ જ રીતે તેમની કારકિર્દી અસ્તાચળે જવાની તૈયારીમાં હતી એે સમયગાળાના એેક ગીતની વાત કરીએ. 'આશિયાના' ૧૯૫૨-૫૩ની ફિલ્મ હતી તો અજોડ ફિલ્મ સર્જક-ગીતકાર ગુલઝારની ૧૯૭૫ની ફિલ્મ હતી 'મૌસમ'. એમાં ભરયુવાન વયે રજતકેશી બની જતા અદ્વિતીય અભિનેતા સંજીવ કુમાર સાથે તનના સોદા કરતી વેશ્યાના રોલમાં શર્મિલા ટાગોર ચમકી હતી.
 મૌસમના લતાજીએે ગાયેલા એક ગીતની વાત કરીએ. ગુલઝારનાં ગીતોની ખૂબીનો પરિચય તમને  હોય તો અહીં પ્રગટ થતા વિરામ અને ગતિની ત્વરિત વાત તમને સમજાશે. મુખડું છે 'રુકે રુકે સે કદમ, રુક કે બાર બાર ચલે, કરાર લે કે તેરે દર સે, બેકરાર ચલે...'

'આશિયાના' ફિલ્મના ગીતમાં પણ આ જ અર્થમાં 'કરાર' શબ્દ વપરાયો હતો. અહીં કોઇ કાગળ-પત્ર કે દસ્તાવેજની વાત નથી. મનની શાંતિ કે ચેનની વાત છે. પહેલા ગીતમાં 'મેરા કરાર લે જા' હતું, અહીં એક અજંપ વ્યક્તિને-બેકરારને ચેન મળ્યાની વાત છે. મુખડામાં 'રુકે રુકે..' બે વાર કહીને ગુલઝારે થંભી જવાની વાત કરી અને એ વિશે વિચાર કરો ત્યાં તરત રુક કે 'બાર બાર ચલે...' દ્વારા ગતિશીલ બની રહ્યા.

મદન મોહન વિશેના પુસ્તકમાં ગુલઝારે મદનની ગ્રહણશક્તિને બિરદાવતાં લખ્યું છે, કેટલીકવાર તમે ગીતનું અડધું ચરણ જણાવો ત્યાં મદન મોહન આખે આખું આપોઆપ સમજી જતા. આ એમની એક વિરલ ગુણગ્રાહી શક્તિ હતી. આ ગીત પણ તમે યુ ટયૂબ કે ગાના ડૉટ કોમ પર માણી શકો. બે ગીત વચ્ચે આમ જુઓ તો લગભગ અઢી દાયકાનો સમયગાળો વીતી ચૂક્યો છે પરંતુ મદન મોહનની સર્જનકલા એવી ને એવી સદાબહાર રહી છે એ હકીકત તમે ગીતની તર્જ માણો એટલે સમજાઇ જાય.

Tags :