Get The App

સિનેમેજિક - અજિત પોપટ

મદન મોહનનાં અન્ય યાદગાર ગીતોની સુરીલી ઝલક

Updated: Aug 10th, 2018

GS TEAM

Google News
Google News
સિનેમેજિક - અજિત પોપટ 1 - image

એક પીઢ સંગીતકારે સરસ સૂચન કર્યું, તમે જે તે ગીતના મૂળ રાગની ચર્ચામાં પડવાને બદલે ગીતને રાગ આધારિત કહેવાનું રાખો. જેને ગીત માણવું છે એ આવી ટેક્નિકલ બાબતમાં નહીં પડે. સૂચન સર આંખો પર.  લતાજીનંુ એક ગીત બહુ સરસ છે. બે યુવાન હૈયાંના સમસંવેદનની વાત આ ગીતમાં સરસ રીતે વણી લેવામાં આવી છે. અર્ધશાસ્ત્રીય રચના કહી શકાય એવું આ ગીત સાંભળનારા ઘણા લાગણીશીલ લોકોની આંખો આજે પણ ભીની થાય છે. છેક ૧૯૬૪-૬૫માં આવેલી રહસ્ય ફિલ્મનું ગીત છે.

એટલે કે લગભગ ત્રેપન ચોપ્પન વર્ષ પહેલાંનું ગીત છે. આજે પણ તમને ગળે ડૂમો ભરાઇ આવે એવી એની તર્જ મદન મોહને બાંધી છે. ફિલ્મ હતી વો કૌન થી ? પાછળથી ઉપકાર જેવી ફિલ્મો દ્વારા દેશભક્તિનાં વાઘાં પહેરીને મિસ્ટર ભારતના નામથી ગાજેલા મનોજ કુમારની આ ફિલ્મમાં એ સમયની સુંદર અભિનેત્રી સાધનાએ મુખ્ય રોલ ભજવ્યો હતો. એની હેરસ્ટાઇલે હજ્જારો યુવતીઓને ઘેલું લગાડયું હતું. ખેર, આપણે ગીતની વાત કરીએ.

રાજા મહેંદી અલી ખાનના શબ્દોને મદને જે લાડ લડાવ્યા છે એ કાબિલ-એ-દાદ છે. કોઇ એક રાગને વળગી રહેવાને બદલે શબ્દોને અનુરૃપ સૂરાવલિ બાંધી છે. 'જો હમને દાસ્તાં અપની સુનાયી, આપ ક્યૂં રોયે ? તબાહી તો હમારે દિલ પે આયી, આપ ક્યૂં રોયે ?...'  ઉત્કટ પ્રણયની સંવેદના પ્રેમી હૃદયના કંઠે કેવી અદ્ભુત વાત કરે છે એ આ ગીતના છેલ્લા અંતરામાં વર્ણવાયું છે, 'ન યહ આંસુ રુકે તો દેખિયે, હમ ભી રો દેંગે, હમ અપને આંસુઓં મેં ચાંદ તારોં કો ડૂબો દેંગે, ફના હો જાયેગી સારી ખુદાઇ, આપ ક્યૂં રોયે, જો હમ ને દાસ્તાં અપની સુનાયી, આપ ક્યૂં રોયે ?...  યોગાનુયોગે આવીજ ઉદાત્ત ભાવના ઔર એક ગીતમાં અનુભવી શકાશે. ધ્યાન આપજો. એ પણ રહસ્ય ફિલ્મ હતી. માત્ર હીરો બદલાયો હતો. મનોજ કુમારના સ્થાને સુનીલ દત્ત આવ્યા હતા. હીરોઇન તો સાધના જ રહી હતી.

'વો કૌન થી' રજૂ થઇ એના બરાબર દાઢ બે વર્ષ બાદ આ ફિલ્મ આવેલી: 'મેરા સાયા' અહીં પણ ગીતકાર રાજા મહેંદી અલી ખાન હતા. સંગીતકાર મદન મોહન હતા. લતાજીને બદલે અહીં મુહમ્મદ રફી આવ્યા. એમના ભાગે જે ગીત આવ્યું એ પણ ગમગીન કરી દે એવું બની રહ્યું. બ્રિટિશ કવિ પર્સી શેલીએ સરસ કહ્યું છે, 'અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ, ધેટ ટેલ ઑફ સેડેસ્ટ થૉટ...' આપણા ગુજરાતી કવિના શબ્દોમાં કહીએ તો ( છંદ વસંતતિલકા) 'આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે...'

ફિલ્મ મેરા સાયામાં જરા જુદી રીતે સંવેદના રજૂ કરાઇ હતી. અહીં હીરોના કંઠે રાજા મહેંદી અલી ખાને કહેવડાવ્યું, 'આપ કે પહલૂ મેં આકર રો દિયે, દાસ્તાં-એ-ગમ સુનાકર રો દિયે...' પહેલા ગીતમાં નારી કહે છે કે સંવેદનશીલ તો સ્ત્રીઓ હોય. મેં મારી આપવીતી સંભળાવી એમાં તમે શા માટે આંસુ વહાવ્યાં ? અહીં કથાનાયક કહે છે કે મારી દુ:ખભરી કહાણી સંભળાવતાં સંભળાવતાંં તમારા સહવાસમાં હું રડી પડયો.... બંને ગીતોનો સ્થાયી ભાવ એકસરખો છે. કહેવાની રીત અને શબ્દોની સજાવટ કરવટ બદલી ચૂકી છે.

ગીતકાર એકજ, સંગીતકાર એકજ, સંવેદનાનું બીજ એકજ, માત્ર કહેનાર વ્યક્તિ બદલાણી. એકમાં નાયિકા કહે છે તો બીજામાં નાયકના કંઠે વાત રજૂ થઇ છે. લતાજીના કંઠે રજૂ થયેલા ગીતમાં એકદમ વિલંબિત પણ નહીં અને એકદમ દ્રુત (ફાસ્ટ ) પણ નહીં, એવો આઠ માત્રાનો કહેરવો ગીતને વહેતું કરે છે. અહીં આપ કે પહલૂ મેં આકર રો દિયે...માં છ માત્રાના દાદરા તાલમાં ગીત વહેતું થાય છે. બંને ગીતમાં મદન મોહનની સૂરાવલિ તમારા હૈયાને ઢંઢોળે છે.

ક્યારેક એવું લાગે છે કે અન્ય સંગીતકારોની તુલનાએ સંખ્યાની દ્રષ્ટિએ ઓછી ફિલ્મો કરનારા સંગીતકારો નૌશાદ, મદન મોહન, જયદેવ વગેરેના દરેક ગીતની વિગતવાર ચર્ચા કરવી જોઇએ. પરંતુ સ્થળસંકોચ અને કેટલીક વાર જે તે ગીતની પૂરતી માહિતી ઉપલબ્ધ નહીં હોવાથી મન મારીને જતું કરવું પડે છે. સંખ્યાની દ્રષ્ટિએ ભલે સાવ ઓછું, પરંતુ સત્ત્વની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ પ્રદાન કરનારા સંગીતકારો વિશે જેટલું કહીએ તેટલું ઓછું. તેમના કામથી ધરવ થાય નહીં, ખરું કે નહીં ?

Tags :