Get The App

કેવી રીતે વધાવીશું એમને ? નટખટ ટાબરિયાં માટેનાં કે પ્રાસંગિક ગીતો તરીકે ?

સિનેમેજિક - અજિત પોપટ

Updated: Nov 7th, 2019

GS TEAM

Google News
Google News

પોતાની આગવી ગીત અને ફિલ્મ સર્જનની શૈલી ધરાવતા ગુલઝારે એકવાર કહેલું કે બાળકો માટે રચાતી ફિલ્મો, ગીતો યા સાહિત્ય રચનારા તો પુખ્તવયના લોકો હોય છે, એટલે ઘણીવાર બાળકો પર ધારી અસર થતી નથી..  ફિલ્મ સંગીતના સુવર્ણયુગના મોટા ભાગનાં સંગીતકારોએ બાળકોને ગમે તેવાં યાદગાર હાલરડાં કે પ્રાસંગિક ગીતો રચ્યાં છે. ગુલઝારનું આ અવલોકન પણ સાચું છે. સાથોસાથ એ પણ સ્વીકારવું રહ્યું કે પુખ્ત વયના ગીતકારો-સંગીતકારોએ બાળકો માટે ઘણાં સુંદર ગીતો આપ્યાં. 

ફિલ્મોમાં પણ બાળકો પર ફિલ્માવાયેલાં કે બાળકો માટે રચ્યાં હોય એવાં ઘણાં યાદગાર ગીતો આવ્યાં. શંકર જયકિસને પણ એવાં ઘણાં યાદગાર ગીતો આપ્યાં. નવા વર્ષના આરંભે પેશ-એ-ખિદમત છે એવાં કેટલાંક ગીતોની ઝલક. શંકર જયકિસનને આપેલાં આ ગીતો રમતિયાળ અને હલકાં ફૂલકાં હોવાની સાથોસાથ યાદગાર બન્યાં છે. બે'ક એપિસોડમાં એવાં ગીતોની ઝલક તેમજ આસ્વાદ લઇએ.  

રાજ કપૂરે બનાવી હોય પરંતુ રાજ કપૂરે નિર્દેશન કે મુખ્ય ભૂમિકા ન કર્યાં હોય એવી ૧૯૫૦ના દાયકાની પહેલી ફિલ્મ એટલે બૂટ પોલીશ. એમાં બાળ કલાકારો સાથે ડેવિડ અબ્રાહમે એક સરસ રોલ કર્યો હતો. એનાં મોટા ભાગનાં ગીતો હિટ હતાં. એવું એેક ગીત દાયકાઓથી સતત લોકપ્રિય રહ્યું છે. તમને પણ અચૂક યાદ હશે- 'નન્હેં મુન્ને બચ્ચે તેરી મૂઠ્ઠી મેં ક્યા હૈ, મૂઠ્ઠી મેં હૈં તકદીર હમારી, હમને કિસ્મત કો બસ મેં કિયા હૈ...' આશા ભોંસલે, મુહમ્મદ રફી અને કોરસના સ્વરમાં રજૂ થયેલા આ ગીતનાં તર્જ અને લય  બંને સાંભળનારને અનેરા ઉત્સાહથી ભરી દે એવાં છે.

આ  ગીતમાં દત્તારામે સંગીતકાર શંકર સાથે મળીને જે લયવાદ્યોનો ઉપયોગ કર્યો છે એના જેટલા વખાણ કરીએ એટલા ઓછા... આ ગીતની હારોહાર એવંુજ પોઝિટિવ મેસેજ ધરાવતું ગીત એટલે 'જ્હૉન ચાચા તુમ કિતને અચ્છે તુમ્હેં પ્યાર કરતે સબ બચ્ચે..' આ ગીતની બંદિશમાં જાણકારોનેે એક જાણીતા વિદેશી ગીતનો પ્રભાવ દેખાય તો નવાઇ નહીં.

પરંતુ આ ગીતની તર્જ પહેલાં તૈયાર હતી અને ગીત પાછળથી લખાયું એવી ગોસિપને ખુદ જયકિસને એક ઇન્ટરવ્યૂમાં નકારી કાઢી હતી. આ  જ ફિલ્મના 'તુમ્હારે હૈં તુમ સે દયા માગતે હૈ , તેરે લાડલાં કી દુઆ માગતે હૈં ...' ગીતને સાંભળો તો ગમગીન થઇ જવાય. એવી સૂરાવલિ છે. બંને ગીતના રચનાકાર એક છે, ગાયકો એજ છે, સંગીતકારો એજ છે, પરદા પરના કલાકારો પણ લગભગ એજ છે. પરંતુ એક ગીત તરવરાટથી લથબથ છે જ્યારે બીજું કરુણ ભાવ પ્રગટાવે છે. 

શૈલેન્દ્ર જાણે પોતાનું હૈયું ઠાલવી દે છે. શબ્દોની તાકાત જુઓ. મુખડામાં 'તુમ્હારે' શબ્દ છે અને તરતની પંક્તિમાં 'તેરે' શબ્દ છે. બંને શબ્દો સમાજની સાથોસાથ પરમાત્માને લાગુ પડે છે. સમાજને કહે છે કે અમે તમારામાંના એક છીએ (પરંતુ નિરાધાર કે અનાથ છીએ) બીજી પંક્તિ સમાજને તેમજ  ભગવાનને બંનેને સમાન રીતે લાગુ પડે છે.

પરમાત્માને કહે છે કે તેં જેને માતાપિતા-ભાઇબહેન બધુંં આપ્યું છે એવા તારા લાડકા (નસીબદાર ) બાળકો માટે અમે દુઆ માગીએ છીએ. એ જ ભાવ સમાજમાં વસતા સુખી લોકોને પણ લાગુ પાડી શકાય. શૈલેન્દ્રે કમાલ કરી છે. આ ફિલ્મનું કવિ સરસ્વતી કુમાર દીપકે રચેલું 'રાતી ગયી ઔૈર દિન આતા હૈ...' ગીત પણ પ્રેરક બની શકે એવા શબ્દો અને તર્જથી સજેલું હતું.  

હકીકત એ છે કે બૂટ પોલિશ બાળકોની, ખાસ તો અનાથ-યતીમ ગણાતાં બાળકોની દુનિયા રજૂ કરતી ફિલ્મ હતી. શંકર જયકિસને એને એક પડકાર તરીકે સ્વીકારી હતી. એ પડકાર એટલે કૂમળી વયનાં બાળ-ફિલ્મ રસિકોને જકડી રાખે એેવા સંગીતનો હતો. તમે જોયું હશે કેટલાંક ગીતો મોટેરાં ગણગણતાં થાય એ પહેલાં બાળકો ગણગણવા માંડે છે.

એજ સંગીતકારોની મહેનતને સાર્થક બનાવે છે. કારકિર્દીના આરંભનાં વરસોમાં શંકર જયકિસને યુવાનો અને પ્રૌઢો ઉપરાંત બાળકોને પણ આકર્ષે એવું સંગીત બૂટ પોલિશમાં પીરસ્યું. આ જેવો તેવો પડકાર નથી. ગુલઝારે જે વાત કરી એના સંદર્ભમાં આટલી પૂર્વભૂમિકા રજૂ કરવી પડી. બરસાત, આવારા કે શ્રી ૪૨૦ જેવી ફિલ્મો કરતાં બૂટ પોલિશનું સંગીત તદ્દન જુદી ભાત પાડે છે એ તમે પણ નોંધ્યું હશે. 

Tags :