Get The App

ઘર આયા...ના રેકોર્ડિંગમાં હાજર રહેલા સૌ માટે એ યાદગાર પ્રસંગ બની રહ્યો

સિનેમેજિક - અજિત પોપટ

સાવ પાંખી ટેક્નોલોજી વચ્ચે આ ગીતનું જે લાજવાબ રેકોર્ડિંગ થયું છે એ આજે પણ તાજગીપૂર્ણ લાગે છે

Updated: May 2nd, 2019

GS TEAM

Google News
Google News

ફિલ્મ સંગીતના સુવર્ણ યુગને જીવંત કરતાં ઘણાં પુસ્તકો લખાયાં છે. એ સમયગાળાના દરેક સંગીતકાર વિશે, ગીતકાર વિશે પુસ્તકો લખાયાં, દરેક પાર્શ્વગાયક વિશે પુસ્તકો લખાયાં. પરંતુ સમગ્ર યુગને તાદ્રશ કરતાં જે થોડાં પુસ્તકો લખાયાં અને દસ્તાવેજી ફિલ્મો બની એ દરેકમાં આવારાના આ ગીતનો વિશેષ ઉલ્લેખ કરાયો છે. 

સંગીતકાર તરીકે શંકર જયકિસન કેવા ગુણગ્રાહી હતા એ પણ આ ગીત સાંભળતાં તરત સમજાય છે. માસ્ટર ભગવાન અને સી રામચંદ્રે 'ભોલી સૂરત દિલ કે ખોટે...'માં મુંબઇના મઝગાંવ વિસ્તારના જે કલાકાર પાસે ઢોલક વગડાવ્યું એ કલાકારનું આજે ક્યાંય નામનિશાન નથી. ગીત રેકોર્ડ થયું, પેલા ઢોલકવાદકને મહેનતાણું ચૂકવાયું એટલે ધી એન્ડ. વાત પૂરી.

એની તુલનાએ આવારાના 'ઘર આયા મેરા પરદેશી..' ગીતને મૂકીએ ત્યારે ખ્યાલ આવે કે શંકર જયકિસન માણસ તરીકે કેવા હતા. આ ગીત રેકોર્ડ થઇ ગયું એટલે લાલા ગંગાવણેને પૂણે પાછાં મોકલી દીધા ? ના જી. અને ત્યાંજ આ બંનેમાં રહેલી માનવતા અને ગુણગ્રાહિતા નજરે પડે છે.

મેંડોલીનવાદક કિશોર દેસાઇએ સૂચક રીતે કહ્યું, 'શંકરે પોતાના રિધમ વિભાગના સાથીદારોને આંખનો ઇશારો કરી દીધો, આ મૂલ્યવાન હીરો અહીંથી જવો ન જોઇએ...' દત્તારામ, સત્તાર, અબ્દુલ કરીમ અને એકોર્ડિયન તેમજ પિયાનોવાદક કેરસી લોર્ડેે લાલાને સમજાવી લીધા કે તમે અહીં રહી જાઓ. તમારી સાચી કદર અહીં મુંબઇમાં થશે. તમાશા તમે બહુ વગાડયા. લાલા માની ગયા.

ત્યારબાદ લાલા જીવ્યા ત્યાં સુધી મુંબઇમાં રહ્યા અને એક કરતાં વધુ સંગીતકારો સાથે વગાડતા રહ્યા. બાકી તમને જાણીને વિસ્મય થશેે કે સી રામચંદ્રે અને એસડી બર્મને પણ લાલાને મુંબઇ આવી જવા વીનવેલા પરંતુ એ સમયે લાલા માન્યા નહોતા. મરાઠી લોકસંગીતના તમાશાના પ્રોગ્રામ્સમાં તો એમને ચણા મમરા જેટલુંય મહેનતાણું મળતું હતું. વળી, ભદ્ર સમાજમાં તમાશાના કલાકારોની પ્રતિષ્ઠા પણ સારી નહોતી.  

ઘર આયા મેરા પરદેશી ગીતમાં ઔર એક ખૂબી છે. લાલા ગંગાવણેની ઢોલકી અને ડેવિડના મેંડોલીને જાણે 'ફક્ત પાંચ સાત સેકંડ'ની અથવા કહો કે 'આંખના પલકારા જેટલી' જુગલબંદી આ ગીતના પ્રિલ્યૂડમાં અને અંતરામાં કરી છે. ગીતનો આરંભ જ મેેંડોલીનની સૂરાવલિથી થાય છે. એ જોઇને જાણે લાલાને પાનો ચડયો હોય તેમ મુખડામાં તેમજ અંતરામાં લાલો અને ડેવિડ પોતપોતાના સાજ પર સામસામી છતાં એકમેકને પૂરક હરકતો કરેે છે. 

તમે ગીતનો અંતરો ફરી ફરીને સાંભળો. જરાય કંટાળો નહીં આવે 'તૂ મેરે મન કા મોતી હૈ...' તરત ઢોલકી અને મેંડોલીન ઘુમાવદાર ટુકડા છેડે છે, 'ઇન નૈનન કી જ્યોતિ હૈ...' ફરી એજ ઢોલકી અને મેંડોલીનની ફેરફુદરડી જેવી હરકતો. ત્યારબાદ અંતરો પૂરો થાય છે, કલાકારો મુખડા તરફ પાછાં આવે છે- 'યાદ હૈ મેરે બચપન કી, ઘર આયા મેરા પરદેશી...  સાવ પાંખી ટેક્નોલોજી વચ્ચે આ ગીતનું જે લાજવાબ રેકોર્ડિંગ થયું છે એ આજે પણ તાજગીપૂર્ણ લાગે છે અને સાંભળનારને મુગ્ધ કરી દે છે.

એક કરતાં વધુ પેઢીના કરોડો સંગીત રસિકોને લાલાની આ ઢોલકીએ ડોલાવ્યાં છે. લાલાએ આ ગીતને એવરગ્રીન બનાવી દીધું. અહીં મેંડોલીનવાદક ડેવિડને જરા જુદી રીતે પણ યાદ કરવા ઘટે. એમના મેંડોલીન વાદનમાં જે મધુરતા હતી એ આ ગીતમાં આપણે સૌ માણતાં આવ્યા છીએ.

ગરવા ગુજરાતી મેંડોલીનવાદક કિશોર દેસાઇએ વાતવાતમાં કહેલું કે મેં જયકિસનની મદદથી ડેવિડ સાહેબને વિનંતી કરેલી કે તમારી વગાડવાની શૈલી અમને શીખવોે...પરંતુ એમણે એ વાતમાં રસ લીધો નહીં. એમને કદાચ ડર લાગ્યો હશે કે મારા પેટ પર લાત પડશે...તમારી વાત તો સાચી, કિશોરભાઇ...

વ્યવસાયે બેંક મેનેજર એવા આપણા એક ટોચના સાહિત્યકારને દક્ષિણ ગુજરાતમાં પોસ્ટીંગ મળ્યું અનેે વાતવાતમાં જાણ થઇ કે શંકર જયકિસન ફેમ જયકિસન પંચાલ વાંસદામાં રહેતા હતા, ત્યારે આ સંગીતપ્રેમી સાહિત્યકારથી રહેવાયું નહીં.  જયકિસનનું પગેરું પકડવા આ સાહિત્યકારે ગાંઠના ખર્ચે  સતત ત્રણ દિવસ રઝળપાટ કરી એની વાત આવતા શુક્રવારે કરીશું.

Tags :