ફિલ્મ સંગીતની સાથોસાથ ભારતીય સંગીતના ઇતિહાસમાં આવો અજોડ પ્રયોગ કોઇએ કર્યો નથી
સિનેમેજિક - અજિત પોપટ
બીટલ્સ ગ્રુપનો જ્યોર્જ હેરિસન પંડિત રવિશંકરના પરિચયમાં આવ્યો અને પંડિતજીનો શિષ્ય બની ગયો
બસંત બહારની વાત પૂરી કર્યા બાદ શંકર જયકિસનનાં અન્ય રાગ રાગિણી આધારિત ગીતોની વાત કરવાની ઇચ્છા હતી. પરંતુ એ પહેલાં અન્ય એક એવા પ્રયોગની વાત યાદ આવી ગઇ જેના વિશે છેલ્લાં સાઠ સિત્તેર વર્ષમાં આજ સુધી ભાગ્યે જ વિગતે લખાયું છે. એ વિશે લખવાનો આગ્રહ ફિલ્મ સંગીતના અભ્યાસી ચંદ્રશેખર વૈદ્યે કર્યો કારણ કે એ વિશે ભારતીય ભાષાઓમાં જવલ્લેજ એ વિશે વિગતવાર લખ્યું છે ગુજરાતી ભાષામાં કંઇ લખાયું હોય એવી માહિતી મળી નથી. એ મુદ્દા પર આવતાં પહેલાં થોડું બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી ગણાય.
૧૯૩૧માં પહેલી બોલતી ફિલ્મ આવી- અરદેશર ઇરાનીની આલમ આરા. ૧૯૩૫માં પહેલીવાર પ્લેબેક સિંગિંગ શરૂ થયું. ત્યારથી તે છેક આજ સુધી આવો પ્રયોગ માત્ર શંકર જયકિસને કર્યો. બીજા કોઇ કહેતાં કોઇ સંગીતકારને કેમ આ વિચાર નહીં આવ્યો હોય ? એવો સવાલ મારી જેમ તમને પણ થશે. ૧૯૫૦ના દાયકાની આખરે પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાન અને ઉસ્તાદ અલ્લા રખ્ખા કાયમને માટે ફિલ્મ સંગીત છોડીને શાસ્ત્રીય સંગીતના પ્રચાર માટે વિશ્વ પ્રવાસે નીકળી પડયા.
૧૯૬૦ના દાયકામાં જગવિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેન્યુહીન પંડિત રવિશંકરના સિતારવાદન તરફ અને એના દ્વારા ભારતીય સંગીત તરફ આકર્ષાયા. ૧૯૬૫-૬૬માં બંને મહાન કલાકારોની જુગલબંદી થઇ. વેસ્ટ મીટ્સ ઇસ્ટ નામે ૧૯૬૭માં રેકર્ડ બહાર પડી જેને ગ્રેમી એવોર્ડ પણ મળ્યો. યહૂદી મેન્યુહીને ભારતીય સંગીતને પ્રશાંત મહાસાગર કરતાં પણ ગહન ગણાવ્યું અને પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે સંગીતની આધ્યાત્મિક શક્તિ માણવી હોય તો પહેલાં ભારતીય સંગીત શીખો. ( બાય ધ વે, પ્રશાંત મહાસાગર કેટલાક સ્થળે ૧૨ હજાર ફૂટ ઊંડો છે. યહૂદી મેન્યુહીન એના કરતાં પણ ભારતીય સંગીતને ગહન કહે છે. એમણે એમ પણ કહ્યું કે અમે બીજાએ સર્જેલું અને કાગળમાં લખેલું વાંચીને વગાડીએ છીએ. ભારતીય કલાકારો કલ્પનાથી સ્વરોને જીવંત કરે છે.
અમારું સંગીત જૂથ માટે છે, તમારા સંગીતમાં ઉસ્તાદ બિસ્મીલ્લા ખાન કે અમીર ખાન જેવો એક કલાકાર કલાકો સુધી હજારો લોકોને ડોલાવે છે. ભારતીય સંગીત દિવ્ય છે અને અધ્યાત્મ માર્ગે જવા ઇચ્છતા લોકો માટે વરદાન રૂપ છે.)
લગભગ આ જ અરસામાં એટલે કે ૧૯૬૬-૬૭ની આસપાસ યૂરોપ-અમેરિકાની યુવા પેઢીને ગાંડા કરનારા બીટલ્સ ગ્રુપનો જ્યોર્જ હેરિસન પંડિત રવિશંકરના પરિચયમાં આવ્યો અને પંડિતજીનો શિષ્ય બની ગયો. જીવનની અંતિમ ક્ષણો સુધી પંડિતજીનો શિષ્ય બની રહ્યો. ત્યારપછીનો ઇતિહાસ ગઇ કાલની વાત છે.
પંડિતજી અને ઉસ્તાદ અલી અકબર ખાન પછી અમેરિકામાં જ રહી પડયા અને ત્યાં ભારતીય સંગીત શીખવવાની સંસ્થાઓ સ્થાપી. પછી તો અન્ય ભારતીય કલાકારો માટે પણ યૂરોપ અમેરિકાનાં દ્વાર ખુલી ગયાં. અનેક વિદેશીઓ ભારતીય સંગીતની તાલીમ લેતાં થઇ ગયા.
આટલી પૂર્વભૂમિકા પછી ફિલ્મ સંગીત પર પાછાં ફરીએ. શંકર જયકિસન આવ્યા ત્યારે નૌશાદ, સી રામચંદ્ર, સજ્જાદ હુસૈન વગેરે ડઝનબંધ જામેલા સંગીતકારો હતા. ૧૯૬૦ના દાયકામાં શંકર જયકિસન સાથે સ્પર્ધા કરવા લક્ષ્મીકાંત પ્યારેલાલ અને આરડી બર્મન જેવા યુવાન સંગીતકારો પણ મેદાનમાં હતા. પરંતુ શંકર જયકિસનનો આત્મવિશ્વાસ એવો તો પ્રચંડ હતો કે એમણે એક જોખમી પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો. આજ સુધી અજોડ રહેલા એ અજોડ પ્રયોગની વાત આવતા શુક્રવારે. ત્યાં સુધી ધીરજ રાખજો પ્લીઝ...