ઘર આયા મેરા પરદેશી...ના ચિરંજીવ જાદુ પાછળની રસપ્રદ વાત
સિનેમેજિક - અજિત પોપટ
લાલા ઢોલકી પર બેઠા અને ફક્ત ચાર માત્રાના કહેરવા તાલની એક થાપ મારી તો રાજ સાહેબ ઉત્તેજનામાં સફાળા ઊભા થઇ ગયા
રાજ કપૂરના 'આવારા' ફિલ્મના ડ્રીમ સોંગની વાત આપણે ગયા શુક્રવારે કરતાં હતા. આ ગીત-ડયુએટ તેરે બિના આગ યે જિંદગી અને ઉત્તરાર્ધમાં વધુ રસપ્રદ કિસ્સો 'ઘર આયા મેરા પરદેશી'..નો છે. એની વિગતોમાં ઊતરતાં પહેલાં એક વાત સમજી લઇએ. દરેક સંગીતકાર પોતાના મનમાં ગીતની જે કલ્પના કરે એ સાકાર કરવા નિર્દેશક સાથે વાટાઘાટ કરીને ક્યારેક બહારથી પણ સાજિંદાને તેડાવે. એ સાજિંદો ફિલ્મ સંગીત સાથે સંકળાયેલો ન પણ હોય.
આ કટારમાં માસ્ટર ભગવાનની ફિલ્મ 'અલબેલા'ના ગીત ભોલી સૂરત દિલ કે ખોટે.. ની વાત કરેલી. ૧૯૫૦ના દાયકામાં આ ગીત પરદા પર રજૂ થાય ત્યારે દર્શકો ઉત્સાહમાં આવી જઇને પરદા પર આની બે આની કે પાવલીના સિક્કા ફેંકતા. ભોલી સૂરત દિલ કે ખોટે... ગીત માટે માસ્ટર ભગવાન અને સંગીતકાર સી. રામચંદ્રે મુંબઇના મઝગાંવ વિસ્તારના હરિજનવાસમાં રહેતા ઢોલીને તેડાવેલો. એ વાત આપણે કરેલી.
'આવારા'માં શું બનેલું એની રસપ્રદ વાતનાં બે વર્ઝન (રૂપાંતર) છે- એક રૂપાંતર દત્તુ ઠેકાથી જાણીતા થયેલા અને પાછળથી અબ દિલ્લી દૂર નહીં, પરવરિશ, કાલા આદમી વગેરે ફિલ્મોમાં સ્વતંત્ર સંગીત આપનારા દત્તારામનું છે. બીજું વર્ઝન શંકર જયકિસન વિશે પુસ્તક લખનારા ડૉક્ટર પદ્મનાભ જોશીનું છે. બંને વર્ઝનમાં બહુ મામુલી ફરક છે. પદ્મનાભભાઇના કહેવા મુજબ સંગીતકાર શંકરે આ વાત કરેલી.
'ઘર આયા મેરા પરદેશી' ગીતમાં ઢોલકીના ઠેકાથી રાજ કપૂર સંતુષ્ટ નહોતા એટલે કંટાળીને તે રાત્રે ઘર આયા મેરા પરદેશીનું રેકોર્ડિંગ રદ કર્યું. રાજ સાહેબને પોતે મરાઠી લોકસંગીતના એક પ્રોગ્રામમાં લાલા ગંગાવણેએ વગાડેલી ઢોલકીની થાપ યાદ આવી. તેમણે સોંઘવારીના એ જમાનામાં લાલાના નિવાસસ્થાને ખાસ ટેક્સી પૂણે મોકલીને લાલાને તેડાવ્યા. તેમને ગીતની તર્જ સંભળાવી અને લાલાએ ગીતમાં ઢોલકી વગાડી. ગીતનું રેકોર્ડિંગ થયું જે આપણે સૌએ સાંભળ્યું છે.
બીજું વર્ઝન ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં દત્તુ ઠેકાથી જાણીતા થયેલા રિધમ પ્લેયર દત્તારામનંુ છે. આ દત્તારામે પાછળથી અબ દિલ્હી દૂર નહીં, પરવરિશ, કાલા આદમી વગેરે ફિલ્મોમાં સ્વતંત્ર સંગીત પીરસનારા રિધમ પ્લેયર દત્તારામનંુ છે. દત્તારામ શંકર જયકિસનના સહાયક તરીકે કામ કરતા હતા. ડોક્યુમેન્ટરી મેકર અશોક રાણેએ દત્તારામ વિશે બનાવેલી દસ્તાવેજી ફિલ્મ 'મસ્તી ભરા હૈ સમા'માં દત્તારામે આ ગીતની વાત કરી છે.
દત્તારામના જ શબ્દોમાં પ્રસ્તુત છેઃ 'શંકરજી, અબ્દુલ કરીમ, મેં એમ હાજર રહેલા લગભગ દરેક રિધમ પ્લેયરે ઠેકો આપ્યો પરંતુ રાજ સાહેબને સંતોષ થતો નહોતો. સિગારેટ પર સિગારેટ ફૂંક્યે જતા હતા. વાતાવરણમાં એક પ્રકારનંુ ટેન્શન વધી રહ્યું હતું. હિંમત કરીને શંકર જયકિસનના બાંસુરીવાદક સુમંત રાજે 'તમાશા' તરીકે ઓળખાતા મરાઠી લોકસંગીતમાં ઢોલકી વગાડતા લાલા ગંગાવણેની વાત કરી.
'રાજસાહેબે સુમંતને ટેક્સીમાં દોડાવ્યો અને લાલાને તેડાવ્યા. એક ઊંચી હેડીના શામળા અને પરસેવે લથબથ આદમીને લઇને સુમન થોડા સમય બાદ આવ્યો. અમે સૌ આશાભરી નજરે લાલાને જોઇ રહ્યા. અમે મનોમન વિચારતા હતા કે આ માણસ શું કરી શકશેે ? બાહ્ય વ્યક્તિત્વ પરથી અંદાજ આવવો મુશ્કેલ હતો.
પરંતુ લાલા ઢોલકી પર બેઠા અને ફક્ત ચાર માત્રાના કહેરવા તાલની એક થાપ મારી તો રાજ સાહેબ ઉત્તેજનામાં સફાળા ઊભા થઇ ગયા. 'બહોત ખૂબ.. યહી ચાહિયે મુઝે...' કહ્યું અને અધૂરું રહેલા એ ગીત 'ઘર આયા મેરા પરદેશી...'નું કામ આગળ ચાલ્યું. લાલાના હાથ પર અમે સૌ આફરીન થઇ ગયા અને લાલા શંકર જયકિસનના વાદ્યવૃન્દમાં કાયમી સાજિંદા બની ગયા...'
આપણે સૌએ દત્તારામને કહેવું જોઇએ કે ભાઇ દત્તારામ માત્ર રાજ સાહેબ અને તમે નહીં, અમારા જેવા લાખ્ખો સંગીતરસિયા પણ એ ગીતની રિધમના ઘાયલ છીએ. આ ગીતની બાકી રહેતી થોડી વાતો આવતા શુક્રવારે કરીને આગળ વધીશું. શુક્રિયા લાલા ગંગાવણે...