Get The App

Nursery rhymes રિઅસીજ જેવાં ગીતો પણ યાદગાર બનાવવાની સિદ્ધિ મેળવી શંકર જયકિસને !

સિનેમેજિક - અજિત પોપટ

સાંભળતાં વેંત બાળક ઉત્સાહમાં આવી જઇને સ્વયંભૂ ગણગણવા માંડે એ ગીત ઉત્તમ ગણાય

Updated: Nov 21st, 2019

GS TEAM

Google News
Google News
Nursery rhymes રિઅસીજ જેવાં ગીતો પણ યાદગાર બનાવવાની સિદ્ધિ મેળવી શંકર જયકિસને ! 1 - image

'મેં એક બિલાડી પાળી છે એ રંગે બહુ રુપાળી છે...'  કે 'કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય...' જેવાં હળવાં જોડકણાં બાળમંદિરમાં ભૂલકાંઓને શીખવવામાં આવે છે. હવે અંગ્રેજીની ઘેલછા છે એટલે આપણાં બાળકો 'વન ટુ થ્રી ફોર ફાઇવ, વન્સ આય કૉટ અ ફીશ અલાઇવ...' કે પછી 'બા બા બ્લેક શીપ...' જેવાં જોડકણાં ગણગણતા જોવા-સાંભળવા મળે છે. 

ફરી એકવાર ફિલ્મ સર્જક ગીતકાર ગુલઝારને યાદ કરીએ. સૌથી મુશ્કેલ કામ બાળકોને રીઝવવાનું હોય છે. સાંભળતાં વેંત બાળક ઉત્સાહમાં આવી જઇને સ્વયંભૂ  ગણગણવા માંડે એ ગીત ઉત્તમ ગણાય. ૧૯૮૦ના દાયકામાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પણ સંગીતકાર કલ્યાણજીભાઇના સૂચનથી થોડાંક બાળગીતો ગાયાં હતાં. એ ઇતિહાસ તો તાજો છે. 

વાસ્તવમાં તરત હોેઠે ચડી જાય એવાં બાળગીતોનો ટ્રેન્ડ શંકર જયકિસને શરુ કર્યો એવું કહેવામાં અતિશયોક્તિ નથી. છેલ્લા બે શુક્રવારથી આપણે એવાં ગીતોનો આસ્વાદ લઇ રહ્યા છીએ. ગયા શુક્રવારે અંદાજના એકાદ ગીતની વાત કરી હતી. અહીં જે ગીતની વાત આજે આપણે કરવાના છીએ એ નર્સરી કે કિન્ડરગાર્ટનમાં ભૂલકાંઓને હસતાં રમતાં શીખવાતાં જોડકણાં જેવું ગણી શકીએ. બાળકોને શીખવાતાં એ ગીતો દ્વારા તેમને અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો કે આંક શીખવવામાં આવે છે.

રમેશ સિપ્પીની ફિલ્મ અંદાજના જે ગીતની વાત આજે કરવી છે એ ગીત છે 'રે મામા રે મામા...' છે. સાવ રમતિયાળ  એવા આ ગીતમાં નિર્દોષ રમૂજ છે. હું તો બજારમાં બટાટા લેવા ગયો હતો, મારી પાછળ રીંછ પડી ગયું. (હમ તો ગયે બાજાર મેં લેને કો આલુ,  આલુ વાલુ કુછ ન મિલા પીછે પડા ભાલુ... ) રીસાઇ ગયેલા બાળકને રીઝવવા જે પ્રકારનાં જોડકણાં રજૂ કરવાની એક વણલખી પરંપરા માનવ સમાજમાં છે એવો આ એક પ્રયોગ છે. 

સૌથી રસપ્રદ વાત એ છે કે કારકિર્દીનો ઉત્તરાર્ધ હતો છતાં શંકર જયકિસન આવાં ઉત્તમ બાળગીતો આપી શક્યા. અગાઉ જણાવેલું એમ રમેશ સિપ્પીની અંદાજ રજૂ થઇ એના ત્રણ ચાર માસ પછી જયકિસનનો જીવનદીપ ઓલવાઇ ગયો હતો. આપણામાં કહે છે ને, રામ થતાં પહેલાં દીવો ખૂબ તેજસ્વી હોય છે એવી જ આ કંઇક વાત ગણી શકાય. એથી પણ મહત્ત્વની વાત એ કે અંદાજ રજૂ થઇ એ પહેલાં રાજેશ ખન્નાને સુપર સ્ટાર બનાવનારી આરાધના, સચ્ચા જૂઠા, સફર,  આન મિલો સજના વગેરે ફિલ્મો રજૂ થઇ ચૂકી હતી અને એમાં અન્ય સંગીતકારોએ ગીતો આપ્યાં હતાં.

અંદાજમાં જો કે રાજેશ ખન્નાનો ગેસ્ટ રોલ હતો અને હીરો તરીકે શમ્મી કપૂરની આ કદાચ છેલ્લી ફિલ્મ હતી. છતાં શંકર જયકિસને આપેલા સંગીતને શમ્મી કપૂર જેટલાજ ઉમળકાથી રાજેશ ખન્નાએ પણ બિરદાવ્યું હતું. ખાસ કરીને આ ફિલ્મનાં બાળગીતો અને ખુદ રાજેશ ખન્ના પર ફિલ્માવાયેલું જિંદગી એક સફર હૈ સુહાના... રાજેશ ખન્નાને ખૂબ ગમ્યાં હતાં.

શંકર જયકિસનની ખૂબી અહીં અનુભવાય છે. અંદાજ ફિલ્મમાં અભિનય કરનારાં બાળકો જેટલાં જ આ ગીતો ફિલ્મ જોનારાં બાળકોમાં પણ હિટ નીવડયાં હતાં. કારકિર્દીના ઉત્તરાર્ધમાં બહુ ઓછા સંગીતકારોને આવી કામિયાબી મળી છે. આપણે તો હજુ શંકર જયકિસનની ઘણી વાતો કરવાની છે. આ તો બાળગીતોની વાત કરતાં કરતાં ઉત્તરાર્ધનો અછડતો ઉલ્લેખ થઇ ગયો. આવાં બીજાં પણ કેટલાંક ગીતો આ જોડીએ આપેલાં. એક ગીત તો કથાનાં સંવેદનશીલ પ્રસંગોને સાર્થક કરનારું હતું.

જે બાળકી પર પોતાને પ્રેમ છે એ વિધવા માતાની પુત્રી છે. એની પણ કેન્સરની સારવાર ચાલી રહી છે. એ બાળકીનો બર્થ ડે હૉસ્પિટલમાં ઊજવાય છે ત્યારે ગવાતું ગીત ટ્રેજેડી ક્વીન મીનાકુમારી પર ફિલ્માવાયુ હતું. તમને અચૂક યાદ હશે- 'જૂહી કી કલી મેરી લાડલી...નાજોં કી પલી મેરી લાડલી...' પાંચ વર્ષના બાળકથી માંડીને પંચ્યાશી વર્ષના દાદા સુધી શંકર જયકિસનનું સંગીત પહોંચ્યું હતું એ આ અર્થમાં. હવે એમના સંગીતના અન્ય પાસાનો આસ્વાદ લઇશું.

Tags :