ચાલો, શંકર જયકિસનના રાગદારી આધારિત ફિલ્મગીતોના ખજાનામાં મારીએ એક લટાર...
સિનેમેજિક - અજિત પોપટ
એક માણસ માત્ર એક રાગિણીમાં 69 ગીતો આપે તો એણે એ રાગિણીને કેટલી હદે આત્મસાત કરી હશે !
વાત ફિલ્મ સંગીતની હોય કે સુગમ સંગીતની, એક વાત યોગ્ય રીતે સમજી લેવી જરુરી છે. તમે એટલે કે સંગીતકાર એક રાગ પર આધારિત ડઝનેક ગીતો ત્યારેજ આપી શકે જ્યારે એ રાગને એણે પોતે એકસો ટકા પચાવ્યો હોય. સંગીતકાર નૌશાદને પૂછેલું કે 'ઇન્દ્રસભા' (ઘણું કરીને ૧૯૨૫-૨૬માં રજૂ થઇ હતી) નામની ફિલ્મમાં બદ્ધેબદ્ધાં એટલે કે ૬૯ હતાં અને બધાં ગીતો ભૈરવીમાં હતાં એવું સાંભળ્યું છે. આ વાત સાચી છે ? નૌશાદ સાહેબે સવાલનો સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.
પરંતુ એટલું જરુર કહ્યું હતું કે તમે કલ્પના તો કરો. એક માણસ માત્ર એક રાગિણીમાં ૬૯ ગીતો આપે તો એણે એ રાગિણીને કેટલી હદે આત્મસાત કરી હશે ! ? વાત વિચારવા જેવી તો ખરી. તમે એક જ રાગ પંડિત ભીમસેન જોશી કે પંડિત જસરાજને જુદા જુદા પ્રસંગે ગાતાં સાંભળો તો દરેક વખતે રાગનું નવું સ્વરુપ પ્રગટ થતું લાગે એવી આ વાત છે.
આ જ વાત શંકર જયકિસનને પણ એટલી જ લાગુ પડે છે. આ બંનેએ ભેૈરવી અને શિવરંજનીનો અક્ષરસઃ કસ કાઢ્યો છે. એનો એક અર્થ એ થાય છે કે આ બે રાગિણી એમની રગેરગમાં રક્તની સાથે વહેતી હતી. આજે વાતનો આરંભ ભૈરવીથી જ કરીએ. આમ તો આ શ્રેણી શરુ કરી ત્યારે બે ગીતોની વાત કરેલી. બરસાત મેં હમ સે મિલે તુમ સજન... અને છોડ ગયે બાલમ...શૃંગારનાં બે સ્વરુપો મિલન અને વિરહ આ ગીતોમાં છે એવી વાત આપણે કરેલી. હવે આગળ વધીએ.
અંગ્રેજ કવિ શેલીનું એક ચિરંજીવ કાવ્ય છે- ‘our sweetest songs are those, that tell of saddest thought...' શંકર જયકિસનના અને આપણા સૌના માનીતા ગીતકાર શૈલેન્દ્રે આ કાવ્યના મુખડાનો સરળ છતાં હૃદયસ્પર્શી ભાવાનુવાદ કર્યો છે, 'હૈ સબ સે મધુર વો ગીત જિન્હેં હમ દર્દ કે સૂર મેં ગાતે હૈં..' ફિલ્મ 'પતિતા' માટે આ ગીત તલત મહેમૂદે ગાયું છે.
વાત ભૈરવી રાગિણીનાં ગીતોની છે. વિરહ શૃંગારનંુ ફિલ્મ દાગનું સદાબહાર આ ગીત યાદ કરો. એ પણ તલત મહેમૂદ અને બીજીવાર લતાજીના કંઠમાં છે- 'અય મેરે દિલ કહીં ઔર ચલ, ગમ કી દુનિયા સે દિલ ભર ગયા...' આ જ વિપ્રલંભ શૃંગારમાં હવે આ બંદિશો તાજી કરો- 'દિલ અપના ઔર પ્રીત પરાયી, કિસ ને હૈ યહ પ્રીત બનાઇ...', 'તેરા જાના, દિલ કે અરમાનાંે કા લૂટ જાના, કોઇ દેખે...' ગમગીનીનાં આવાં બીજાં ગીતોના મુખડાં લઇ શકાય. લેકિન યહ તો સિર્ફ એક ઝલક પેશ કી હૈ આપ કે સામને... એમાંય આ ત્રણે ગીતોનંુ ઓરકેસ્ટ્રેશન માણો, ક્યા બાત હૈ... એ વિશે આખો લેખ કરીએ તોય ઓછું ગણાય.
એનો અર્થ એવો પણ નહીં કે ભૈરવીમાં માત્ર ગમગીની જ આ બંનેએ રજૂ કરી. નો સર. આ ગીતો જુઓ- 'એપ્રિલ ફૂલ બનાયા, તો ઉન કો ગુસ્સા આયા, તો મેરા ક્યા કસૂર, જમાને કા કસૂર જિસને દસ્તૂર બનાયા...' અથવા 'તુમ્હેં ઔર ક્યા દૂં મૈં દિલ કે સિવા, તુમ કો હમારી ઉમર લગ જાય...' (આયી મિલન કી બેલા), અથવા આ ગીત માણો 'રમૈયા વસ્તા વૈયા, રમૈયા વસ્તા વૈયા...' આ છેલ્લા ગીતની ખૂબી તો એવી છે કે જેમ નવરાત્રિનું ઢોલ ઢબૂકે અને રંગરસિયાના પગ થીરકવા માંડે એમ આ ગીત શરુ થાય એ સાથે રોમે રોમમાં હર્ષની લાગણી ફરી વળે, પગ થીરકવા માંડે...આવાંજ હર્ષમઢ્યાં બીજાં પણ ગીતો ભૈરવીમાં છે.
યાદ કરો તો શંકર જયકિસને ભૈરવીમાં રચેલાં સોથી સવાસો મુખડાં મળી આવે. દરેકની બંદિશ નોખી, દરેકનો તાલ નોખો. એક તાલમાં એક કરતાં વધુ ગીત હોય તો પણ એની છટા નિરાલી રહેવાની. રમૈયા વસ્તા વૈયા ઉપરાંત યહ હરિયાલી ઔર યહ રાસ્તા કે તુમ્હેં ઔર ક્યા દૂં મૈં દિલ કે સિવા..નો તાલ ભલે સરખો હોય.. છતાં એ મોનોટોનસ (એકસરખું) લાગતું નથી.
એજ રીતે તમામ ભૈરવી ગીતો એકબીજાથી જુદાં પડે છે. હા, એવું બને કે એક ગીતનું મુખડું બીજા ગીતના ઇન્ટરલ્યૂડ રુપે વપરાયું હોય અથવા એક ગીતનો અંતરો બીજા ગીતના ઉપાડ રુપે વપરાયો હોય. એ સિવાય ક્યાંય ભૈરવી ગીતો એકબીજાની નકલ જેવાં લાગતાં નથી. દરેક ગીતની પોતાની એક આગવી ઓળખ બની રહે છે. ભૈરવી વિશે હજુ એકાદ એપિસોડમાં વાત કરીશું.