Get The App

શંકર જયકિસનના સો સાજિંદા- એમાંના કેટલાક પાછળથી ટોચના સંગીતકાર બની ગયા

સિનેમેજિક - અજિત પોપટ

કયા વાદ્યનો ક્યાં, કેટલો અને કેવો ઉપયોગ કરવો એની કોઠાસૂઝ પણ આ બંનેમાં અજોડ હતી

Updated: Feb 14th, 2019

GS TEAM

Google News
Google News
શંકર જયકિસનના સો સાજિંદા- એમાંના કેટલાક પાછળથી ટોચના સંગીતકાર બની ગયા 1 - image



શંકર જયકિસનના સર્જનની વાતનો આરંભ એક ગુજરાતી લેખકના પ્રદાનથી કરીએ. દેશની કોઇ પણ ભાષાના એક પણ લેખકે શંકર જયકિસનના એ સો સાજિંદા કયા અને એ લોકો કયાં વાજિંત્રો વગાડતાં એ જાણવાની દરકાર કરી નહોતી.

ઇસરો સાથે સંકળાયેલા   ડૉક્ટર પદ્મનાભ જોશી ખાંખાખોળા કરીને એ સો સાજિંદા અને એ દરેક સાજિંદો કયું સાજ વગાડતો એની વિગતો લઇ આવ્યા. એ માટે ડૉક્ટર જોશીને સો સલામ ! ડૉક્ટર જોશીએ શંકર જયકિસન વિશે પુસ્તક લખ્યું છે જે ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં છે.

તાક્ ધીના ધીન્ પ્રસંગની વિગતો પણ એમણે સરસ રીતે ઉલ્લેખી છે. આ સો વાદ્યકારોમાં કેટલાંક નામ એવાં છે જે પાછળથી પોતે ટોચના સંગીતકાર બની રહ્યા. દાખલા તરીકે કલ્યાણજીભાઇ (કલ્યાણજી આનંદજી) અને લક્ષ્મીકાંત (પ્યારેલાલ). એનો અર્થ એવો પણ થાય છે કે શંકર જયકિસનની સાથે રહીને આ લોકો લોકપ્રિય સંગીત કોને કહેવાય અને એ કેવી રીતે તૈયાર કરવું એની કલા શીખ્યા. 

આમ શંકર જયકિસન બંને પછીની પેઢીના સંગીતકારોના ઉસ્તાદ (ગુરુ) પણ બની રહ્યા. 

આ રહ્યા સાજ અને સાજિંદાના એવાં કેટલાંક નામો- કલ્યાણજી વીરજી શાહ અને વિપિન રેશમિયા (ક્લે વાયલિન), દત્તારામ (સહાયક સંગીતકાર અને ઢોલકવાદન), કેરસી અને બીઝી લોર્ડ (વાઇબ્રોફોન), કાવસ લોર્ડ (બોંગો કોંગો), ડેવિડ, લક્ષ્મીકાંત, મહેન્દ્ર ભાવસાર અને કિશોર દેસાઇ (મંેડોલીન), શિવકુમાર શર્મા (સંતુર), વી (વિસ્તાસ્પ) બલસારા, એનોક ડેનિયલ્સ અને ગુડી સિરવાઇ (એકોર્ડિયન), રામસિંઘ શર્મા અને મનોહારી સિંઘ (સેક્સોફોન અને ટ્રમ્પેટ), પન્નાલાલ ઘોષ, હરિપ્રસાદ ચૌરસિયા અને સુમંત રાજ (વાંસળી).... અહીં સ્થળસંકોચના કારણે બધાં નામો લીધાં નથી.

માત્ર આંકડા કહું તો ચાલીસથી વધુ વાયોલિનવાદકો, પોણો ડઝન ઢોલક-તબલાં અને મટકી વાદકો, આશરે પોણો ડઝન સિતાર અને સરોદવાદકો, અડધો ડઝન હાર્મોનિયમ, પિયાનો અને એકોર્ડિયનવાદકો... આમ એકસો સાજિંદા શરૂથી પોતાની સાથે રાખેલા.

દરેક સાજિંદાની જે તે વાજિંત્ર વગાડવામાં કઇ વિશેષતા અને ખૂબી છે એની શંકર જયકિસન બંનેને જાણ હતી. કોની ક્યારે કયા ગીતમાં જરૂર પડશે એની પાક્કી સૂઝબૂઝ આ બંનેમાં હતી. જો કે શિવકુમાર શર્મા ૧૯૫૫-૫૬માં મુંબઇ આવ્યા અને પાછળથી આ ટીમમાં જોડાયા.

ઔર એક વાત. કિશોર દેસાઇ અને બીઝી (બરજોર ) લોર્ડના કહેવા મુજબ આ બંને એવા તો 'પાક્કા કાન'ના હતા કે ચાલીસ પિસ્તાલીસ વાયોલિન એક સાથે વાગતાં હોય, એમાં એકાદ વાયોલિનવાદકની ભૂલ થાય તો તરત વાદ્યવૃન્દને અટકાવીને ભૂલ કરનાર તરફ આંગળી કરીને જયકિસન કહેતો, 'જરા ફિર સે બજાઓ દેખું... કુછ ગડબડ લગતી હૈ...' આવા સોએ સો કિસ્સામાં જયકિસન સાચો પડતો.

સાજિંદાને અપમાન ન લાગે એ રીતે સૌમ્ય ભાષામાં કહેતો, જરા નોટેશન એક બાર ચેક કર લો, ગલત તો નહીં લીખા હૈ ન ?  કયા વાદ્યનો ક્યાં, કેટલો અને કેવો ઉપયોગ કરવો એની કોઠાસૂઝ પણ આ બંનેમાં અજોડ હતી. એવું એમની સાથે કામ કરી ચૂકેલા સિનિયર સાજિંદા કહે છે.  કુદરત ક્યારે કેવી કમાલ સર્જે છે એ જોવાનું છે. ભારતનો નકશો જુઓ. ક્યાં પંજાબ, ક્યાં હૈદરાબાદ અને ક્યાં મુંબઇ. 

પંજાબમાં જન્મીને કૂમળી વયે પોતાના પરિવાર સાથે આજના આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાંં વસી ગયેલા શંકર રઘુવંશીએ હૈદરાબાદમાં તબલાંની અને કેટલેક અંશે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી, એક નૃત્ય મંડળી સાથે થોડો સમય કામ કરીને કથક નૃત્યની બારીકીઓ તેમજ લયકારી સમજી લીધી. એ પછી મુંબઇ આવીને પહેલાં હુશ્નલાલ ભગતરામ સાથે અને પછી પૃથ્વી થિયેટરમાં કામ કરતાં કરતાં કેટલાંક વાજિંત્રો પર સારો એવો કાબુ મેળવ્યો. તબલાંવાદક તરીકે કારકિર્દીના શ્રીગણેશ માંડયા. (ક્રમશ:)

Tags :