Get The App

ફૈઝ અહમદ ફૈઝની એક સદાબહાર કૃતિ પણ સ્વરાંકિત કરી અને યાદ કરો, ગાઇ કોેણે ?

સિનેમેજિક - અજિત પોપટ

Updated: Dec 13th, 2018

GS TEAM

Google News
Google News

કેટલાંક ગીતો-ગઝલો એવાં હોય છે જે તમે એેક કરતાં વધુ ગાયકોના કંઠે સાંભળ્યાં હોય અને છતાં ધરવ થાય નહીં. દાખલા તરીકે કે એલ સાયગલના કંઠે ગવાયેલી રચના 'બાબુલ મોરા નૈહર છૂટો જાય...' આ રચના બેગમ અખ્તર પણ ગાતાં અને શાસ્ત્રીય કલાકારો  પંડિત ભીમસેન જોશીથી માંડીને બેગમ પરવીન સુલતાના સહિત ડઝનબંધ ગાયકોના કંઠે આ રચના સાંભળવા મળી છે. એવું જ 'અય મુહબ્બત તેરે અંજામ પે રોના આયા...' ગઝલની બાબતમાં કહી શકાય.

યોગાનુયોગે એક ચિરંજીવ ગઝલ હુશ્નલાલ ભગતરામના ફાળે પણ આવેલી. જે ફિલ્મ માટે આ ગઝલનો ઉપયોગ કરેલો એ ફિલ્મ એક જગવિખ્યાત લોકકથા પર આધારિત છે અને દુનિયાની ઘણી ભાષાઓમાં આ લોકકથા જુદી જુદી રીતે રજૂ થઇ છે.

 જે ગઝલની વાત કરવી છે એ ફૈઝ અહમદ ફૈઝની યાદગાર રચના છે. ૧૯૪૬-૪૭માં રજૂ થયેલી ફિલ્મ સર્જક અખ્તર હુસૈનની ફિલ્મ રોમિયો જુલિયેટમાં આ ગઝલ રજૂ થઇ હતી. ગાયકો હતાં જોહરાબાઇ અંબાલેવાલી અને મુહમ્મદ ઝહુર ખય્યામ.

દિમાગમાં બત્તી કરો, બોસ. આ મુહમ્મદ ઝહુર ખય્યામ એટલે પાછળથી અલગારી સંગીતકાર તરીકે પ્રસિદ્ધ થયેલા ખય્યામ. સૌથી રસપ્રદ વાત એ છે કે શંકર જયકિસન ફેમ શંકર રઘુવંશીની જેમ ખય્યામ પણ એ દિવસોમાં હુશ્નલાલ ભગતરામના સહાયક સંગીતકાર હતા.

ફૈઝ સાહેબની જે ગઝલ આ બંનેના કંઠે રજૂ થઇ એ આ રહી- 'દોનોં જહાં તેરી મુહબ્બત મેં હાર કે, વો જા રહા હૈ કોઇ શબ-એ-ગમ ગુજાર કે...'  સાહિત્યની ભાષામાં વાત કરીએ તો શબ્દાર્થ અને ભાવાર્થ બંને દ્રષ્ટિએ આ રચના લાજવાબ છે. દોનો જહાં એટલે આ લોક અને પરલોક. શબ એ ગમ એટલે વિરહ કે છૂટાં પડયાંની રાત.... રોમિયો જુલિયેટમાં આપણાં શેણી વિજાણંદ કે સલીમ અનારકલીની જેમ કથામાં નાવિન્ય ભલે ન હોય, આ ગઝલ જેવાં બે ત્રણ ગીતો ફિલ્મમાં હોય તો સંગીત રસિકો માટે છપ્પન ભોગથી 

જરાય ઓછું નથી એમ કહીએ તો ચાલે.  ફૈઝ સાહેબની આ રચના પાછળથી મહેંદી હસન, બેગમ અખ્તર અને ગુલામ અલી સુદ્ધાંએ ગાઇ છે. તમે સાંભળી પણ હોઇ શકે. ખેર, વાત હુશ્નલાલ ભગતરામની ચાલે છે. એમણે પોતાના સહાયક ખય્યામના કંઠનો પણ ઉપયોગ કરી લીધો. 

સંગીતકાર તરીકે હુશ્નલાલ ભગતરામની વાત લતાજીના ઉલ્લેખ વિના પૂરી કરી શકાય નહીં. આ બે સંગીતકારોએ અને નૌશાદ સાહેબે લતાજીના કંઠનો સરસ ઉપયોગ કર્યો એટલે જ કદાચ શંકર રાજ કપૂરને પોતાનો દ્રષ્ટિકોણ ગળે ઊતારી શક્યા અને રાજ કપૂરે બરસાતમાં શરૂમાં ફક્ત એક ગીત માટે લતાજીને લેવાની હા પાડી હતી પરંતુ પછી ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો લતાજીને મળ્યાં.

એનો વધતો ઓછો યશ હુશ્નલાલ ભગતરામને આપવો પડે. લગભગ સાત આઠ વર્ષના ગાળામાં આ સંગીતકાર બેલડીએ લતાજીના કંઠે આશરે ૨૯ ફિલ્મોમાં સોથી વધુ ગીતો ગવડાવ્યાં અને લગભગ બધાં ગીતો સરસ બન્યાં એમ કહી શકાય. એવાં કેટલાંક ગીતોનાં મુખડાં આ રહ્યાં- ફિલ્મ રાખીન હળવુંફૂલ ગીત મોરી ભાભી કે ગાલ ગુલાબી (૧૯૪૯)..., 

સર્જનહારને ફરિયાદ કરતું ગીત લૂટ ગયી ઉમ્મીદોં કી દુનિયા...(ફિલ્મ જલતરંગ), ખુશિયોં કે દિન મનાયે જા... (ફિલ્મ અફસાના), આંખોં કા તારા... (આંસુ, ૧૯૫૩), એ જ ફિલ્મનં રાગ પહાડીની અસર ધરાવતું રોમાન્ટિક ગીત 'સુન મેરે સજના..', પ્રથમ પ્રેમનો ઉમળકો રજૂ કરતુંું ગીત 'આજ લયલા કો મજનુ કા પ્યાર મિલા...' (અદલ-એ-જહાંગીર, ૧૯૫૫), વગેરે.

 આમ તો આ બંને સંગીતકારોએ રાજિન્દ્ર કૃષ્ણ, મુલ્કરાજ ભાકરી અને મજરૂહ સુલતાનપુરી જેવા અડધો ડઝન ગીતકારો સાથે કામ કર્યું. જો કે સૌથી વધુ કામ તેમણે કમર જલાલાબાદી સાથે કર્યું. કોણ જાણે કેમ, પણ મૂકેશ કે કિશોર કુમાર યા મન્ના ડે સાથે આ સંગીતકાર બેલડીનાં ગીતો મળતાં નથી. કદાચ આ ગાયકો એમને રુચ્યાં નહીં હોય. 

બાકી પાછળથી આ ત્રણે ગાયકોએ રીતસર ધૂમ મચાવી હતી એ આપણે સૌ જાણીએ છીએ. ઓછા સમયગાળામાં, ઓછી ફિલ્મોમાં અને અન્ય સંગીતકારોની તુલનાએ ઓછો યશ મળ્યો આમ છતાં અગાઉ કહેલું તેમ હિન્દી ફિલ્મ સંગીતના સુુવર્ણ યુગની વાત નીકળે ત્યારે આ બંનેના ઉલ્લેખ વગર ઇતિહાસ અધૂરો રહેવાનો.

Tags :