Get The App

મધુરતાની સાથોસાથ ભાવસભર ભક્તિગીતોની ઝલક-2

સિનેમેજિક - અજિત પોપટ

દરેક ભક્તિગીત મહામૂલા મોતી જેવું પાણીદાર બન્યું છે

Updated: Nov 1st, 2019

GS TEAM

Google News
Google News
મધુરતાની સાથોસાથ ભાવસભર ભક્તિગીતોની ઝલક-2 1 - image


ગયા શુક્રવારે આપણે શંકર જયકિસને સર્જેલાં ભક્તિગીતોની વાતનો આરંભ કર્યો હતો. આજે એ ઝલકનો ઉત્તરાર્ધ જોઇને આગળ વધીએ. .આજના એપિસોડમાં રજૂ થયેલાં બધાં ગીતો શૈલેન્દ્રનાં છે એ યોગાનુયોગ છે. કયા ગીતને પ્રાયોરિટી આપવી એ મીઠ્ઠી મૂંઝવણ છે. પણ ચાલો, આ ગીતથી શરુઆત કરીએ. 

ફિલ્મ તીસરી કસમ, ગાયક મૂકેશ અને શબ્દોમાં તમામ ધર્મોના નિચોડ રુપ ભાવ- 'સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ, ન હાથી હૈ ન ઘોડા હૈ, વહાં પૈદલ હી જાના હૈ...' કોઇ પણ ધર્મના ઉપદેશો જુઓ તો આ ગીતમાં એનો સાર હશે. તીસરી કસમ માટે શૈલેન્દ્રે લખેલું આ ગીત શબ્દોની સાદગી સાથે સાથે ઊંડાણભર્યા ચિંતન માટે પણ યાદગાર બન્યું છે. આ ગીતની તર્જમાં પણ  શંકર જયકિસને ખૂબ ઓછાં સાજ દ્વારા ધારી અસર ઉપજાવી છે. કહેવાની જરુર ખરી કે આ પણ ભૈરવીની મસ્તી છે.

ઔર એક સચોટ ભક્તિગીત એટલે આ- 'કબ લોગે ખબર મોરે રામ બડી દેર ભયી બડી દેર ભયી...' ફિલ્મ બસંતબહાર. આ ફિલ્મ ના સંગીતની વિગતે વાત કરવાની છે એટલે આ ગીતની વધુ ચર્ચા અહીં ટાળી છે. અહીં જે વીનવણીનો ભાવ તર્જમાં ઊતરી આવ્યો છે એ ધ્યાન આપવા જેવો છે. તમે ભક્ત કવિ સૂરદાસનાં ભજનોના શૉખીન હો તો એમનાં પદોમાં 'અબ તો દેર ક્યૂં ભયી પ્રભુ નંદ કે દૂલારે...' જેવા શબ્દો એક કરતાં વધુ ભજનમાં આવે છે. પ્રભુના સાક્ષાત્કારનો જે તલસાટ છે, જે વલવલાટ છે એ આવા શબ્દોમાં અનુભવાય છે. રફી સાહેબે તર્જને પોતાની આગવી સ્ટાઇલથી બહેલાવી છે.

એ જ બસંતબહાર ફિલ્મનું એક ઔર ભજન પણ નોંધવા જેવું છે 'ભય ભંજના વંદના સુન હમારી, દરસ તેરા માગે યે તેરા પૂજારી.. નવધા ભક્તિમાં જે આત્મનિવેદનનો કે આત્મસમર્પણનો ઉલ્લેખ છે એ ભાવ આ ભક્તિગીતમાં છે. દસ માત્રાના ઝપતાલમાં બદ્ધ આ ગીતની વધુ વાત  પણ ફિલ્મની વાત સાથે વણી લઇશું.  ફિલ્મ બસંત બહારનંુ વધુ એક ભક્તિગીત એટલે ફરી રફીના કંઠમાં રજૂ થયેલું 'દુનિયા ન ભાયે મોંહે અબ તો બુલા લે, ચરણોં મેં ચરણોં મેં...'

અહીં એક રસપ્રદ મુદ્દો નોંધવા જેવો લાગે છે. એક તરફ સજન રે જૂઠ મત બોલો... જેવી કોમન મેનને તરત ગળે ઊતરી જાય અને સાથેે ગણગણવા માંડે એવી સરળ તર્જ છે. તો બીજી બાજુ બસંત બહારનાં ત્રણે ભક્તિગીતો શુદ્ધ શાસ્ત્રીય સંગીત પર આધારિત છે.

આમ માસ (આમ આદમીનો સમૂહ ) અને ક્લાસ (શાસ્ત્રીય સંગીત માણી શકે એવા સંગીત રસિકો) બંનેને શંકર જયકિસન સચોટ અસર કરે છે. ફરી એકવાર નૌશાદ સાહેબને ટાંકું. એમનાં સંભારણાં 'આજ ગાવત મન મેરો' લખાઇ રહ્યાં હતાં ત્યારે એમણે એકવાર કહેલું, કોઇ કુશળ વૈદ્યની જેમ લોકનાડ પારખવાની આ બંનેમાં જન્મજાત શક્તિ હતી... નૌશાદ જેવા સમકાલીન અને ટોચના ગણાતા સંગીતકારનો આ અનુભવસિદ્ધ અભિપ્રાય કેટલો બધો યથાર્થ ગણાય ! 

આપણે શંકર જયકિસનનાં સંગીત સર્જનની વાતનો આરંભ કર્યો ત્યારે કહેલું કે માનવ જીવનનાં લગભગ બધાં ક્ષેત્રોને એમના સંગીતનો સોનેરી સ્પર્શ થયો હતો. માત્ર શૃંગાર કે સામાજિક પ્રસંગો પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. શંકર જયકિસને આપેલાં ભક્તિગીતો સંખ્યાની દ્રષ્ટિએ ભલે થોડાંક હોય, પરંતુ દરેક ભક્તિગીત મહામૂલા મોતી જેવું પાણીદાર બન્યું છે.

દરેક ભક્તિગીત માટે જે પાર્શ્વ ગાયકને પસંદ કર્યા છે એ દરેક ગાયકે પણ પોતાના ફાળે આવેલાં ગીતને સદાબહાર બનાવવાનોે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. ગીતકારને, ફિલ્મ સર્જકને, જે તે કલાકારને અને બેશક, ઓડિયન્સને- આમ સૌને સંતોષ થાય એ રીતે ભક્તિગીતને આ બેલડીએ રજૂ કર્યાં. એ રીતે જુઓ તો એમનું સંગીત સર્વજનહિતાય અને સર્વજનસુખાય જેવું બની રહ્યું.  ગીત બેકગ્રાઉન્ડમાં વાગવાનું હોય કે કોઇ અદાકાર પર ફિલ્માવાયું હોય, એનો ઓવર-ઓલ ઇમ્પેક્ટ સંગીત રસિકને ડોલાવી દે છે. 

Tags :