સિનેમેજિક - અજિત પોપટ
'મારે તો ફિલ્મ સંગીતકાર બનવુંજ નહોતું, પરંતુ દેવ ડીએ મારું જીવન પલટી નાખ્યું...'
'મારે ફિલ્મ સંગીતકાર બનવું જ નહોતું. હું બોલિવૂડની ફિલ્મો માટે સંગીત પીરસી શકું એવું મને કદી લાગ્યું નહોતું... પરંતુ દેવ ડી ફિલ્મે મારું જીવન પલટી નાખ્યું' યુવાન સંગીતકાર અમિત ત્રિવેદી કહે છે.
આજે મહિનાનો છેલ્લો શુક્રવાર એટલે ટીનેજર્સને ગમતાં ગીતો અને સંગીતની વાત કરવાની. છેલ્લા બે એપિસોડથી આપણે અમિત ત્રિવેદીની વાત માંડી છે.
એને મળેલી પહેલી ફિલ્મ આમિરને બોક્સ ઑફિસ પર ધાર્યો પ્રતિસાદ મળ્યો નહોતો. આમ છતાં અમિતના સંગીતની નોંધ લેવાઇ એ વાત આપણે કરી ગયા. હવે વાત કરીએ અમિતની બીજી ફિલ્મની.
આ ફિલ્મનુંં ગીત-સંગીત હિટ નીવડયું એટલું જ નહીં પણ અમિતને નેશનલ એવોર્ડ પણ મળ્યો એટલે એણે ઇન્ટરવ્યૂમાં કહ્યું એમ એના જીવનનો નકશો બદલાઇ ગયો. એને સંગીત ક્ષેત્રમાં કંઇક કરવું હતું પરંતુ ફિલ્મ સંગીત એની પ્રાયોરિટી નહોતી. દેવ ડી પછી વિચારોમાં પરિવર્તન આવ્યું અને એને ફિલ્મ સંગીતમાં રસ જાગ્યો. શું હતું દેવ ડીમાં ?
બંગાળી ભાષાના અમર કહી શકાય એવા નવલકથાકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય (શરદબાબુ)ની જગપ્રસિદ્ધ કથા દેવદાસ પરથી અગાઉ પી સી બરુઆ, બિમલ રૉય અને સંજય લીલા ભણસાલી ફિલ્મો બનાવી ચૂક્યા હતા જેમાં અનુક્રમે કે એલ સાયગલ, દિલીપ કુમાર અને શાહરુખ ખાન ચમક્યા હતા. અનુરાગ કશ્યપે એને એક બ્લેક કોેમેડી તરીકે રજૂ કરવાની હામ ભીડી અને દેવદાસનું નામ દેવ ડી કરીને ફિલ્મ બનાવી જેમાં સાંપ્રત કાળના પંજાબ અને દિલ્હીની કથા હતી.
પિતૃપ્રધાન પરિવારોમાં પિતા જ સંતાનના લગ્ન નક્કી કરે, એમાં સંતાનને પૂછવાનું હોય જ નહીં એવી વડીલહઠની વાત હતી. ટોચના કહેવાય એવા કલાકારો પણ એમાં નહોતા. અભય દેઓલ, માહી ગીલ અને કલ્કી કોચલીન જેવા કલાકારો હતાં. પરંતુ ફિલ્મ લોકોને ગમી અને એનું સંગીત પણ હિટ સાબિત થયું.
આ ફિલ્મે અમિતને એક બે નહીં પણ ત્રણ એવોર્ડ અપાવ્યા- બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો નેશનલ એવોર્ડ, બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ફિલ્મ ફેર એવોર્ડ અને નવોદિત સંગીતકારને અપાતો આર ડી બર્મન એવોર્ડ. આમ દેવ ડીએ એને એવોર્ડની હેટટ્રીકનો અહેસાસ કરાવ્યો. આપણે પણ એનાં ગીતોની વાત થોડી માંડીને કરીએ.
સહેલાઇથી માનવામાં ન આવે પરંતુ આ ફિલ્મમાં સત્તરથી અઢાર ગીતો હતાં. ચાર ગીતકારો હતા- અમિતાભ ભટ્ટાચાર્ય, શેલી, અનુષા મણી અને શ્રુતિ પાઠક.
એક અભિપ્રાય મુજબ આ ગીતો તૈયાર કરવામાં સંગીતકાર અમિતે પંજાબી લોકસંગીત, હરિયાણવી લોકસંગીત, રૉક મ્યુઝિક, વૈશ્વિક સંગીત,કેટલેક અંશે ૧૯૭૦-'૮૦ ના દાયકાના પોપ મ્યુઝિકનો સ્પર્શ ધરાતી તર્જો અને એક અવધી લોકસંગીત આધારિત ગીત હતું. અખબારી દૈનિકોના સંગીત સમીક્ષકોએ દેવ ડીના સંગીતને મુક્ત કંઠે બિરદાવ્યું હતું.
તમેજ વિચારો, પંજાબ, હરિયાણા, અવધ ઉપરાંત રૉક અને પોપ મ્યુઝિક- આમ સંગીતની જુદી જુદી શાખાને કેન્દ્રમાં રાખીને આધુનિક દેવદાસનું સંગીત તૈયાર કરવા માટે અમિતે કેટલી બધી પૂર્વતૈયારી કરી હશે ! પચાસથી પંચોતેર એંસી વર્ષના સંગીત રસિકોને પણ આ આલ્બમ સાંભળવામાં કંટાળો કે અણગમો નહીં જાગે એ અમિતનો પ્લસ પોઇન્ટ કહેવાય.
અગાઉના દાયકાઓમાં રાજ કપૂર, દેવ આનંદ, સુભાષ ઘાઇ કે યશ ચોપરા જેવા સંગીતના 'કાનસેન' ફિલ્મ સર્જકો હતા જે સંગીતકારો પાસે પોતાની અપેક્ષા મુજબનું કામ લઇ શકતા હતા. દેવ ડીના સંગીતમાં અનુરાગ કશ્યપની કેટલી સૂઝ બૂઝ કામે લાગી હતી એ આપણે જાણતા નથી. એટલે આ સમગ્ર સર્જનને અમિતની પ્રતિભાનો પુરાવો ગણવો રહ્યો.
રહી વાત ગાયકોની. અઢાર ગીતોમાં ચાર ગીતો અમિતના સોલો છે, એક ગીતમાં અમિત સાથે ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય જોડાયા છે, બાકીનાં ગીતો વિવિધ ગાયકો વચ્ચે વહેંચાયેલા છે. યહ જવાની હૈ દિવાની ફેમ તોચી રાયનાને ફાળે એક ગીત આવ્યું છે તો અમદાવાદની શ્રુતિ પાઠકે પોતે રચેલું ગીત પોતાના કંઠે એક ગીત ગાયું છે.
ત્રણેક ગીતો લાભ જાંજુઆએ ગાયાં છે તો એકાદ ગીત અદિતિ સિંઘ શર્માએ ગાયું છે. એક એક ગીત અનુક્રમે શિલ્પા રાવ, ક્ષિતિજ તારે, જોય બરુઆ, અનુષા મણી અને બોની ચક્રવર્તીને ફાળે આવ્યાં છે. હવે પછી એકાદ બે એપિસોડમાં આ ફિલ્મનાં થોડાંક ગીતોની વાત કરીશું.