For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'તેરી ગલી સે બહુત બેકરાર હો કે ચલે... ' મખમલી ગાયક તલત મહેમૂદે પણ કેટલાંક યાદગાર ગીતો આપ્યાં

સિનેમેજિક - અજિત પોપટ

Updated: Oct 19th, 2018

Article Content Image'તેરી ગલી સે બહુત, બેકરાર હો કે ચલે, શિકાર કરને કો આયે થે, શિકાર હો કે ચલે...'  જો તમે મખમલી મુલાયમ કંઠ ધરાવતા પ્લેબેક સિંગર તલત મહેમૂદનાં ગીતોનાં  ચાહક હો તો આ ગીત તમને જરૂર યાદ હશે.

ઘણીવાર એેવું બને છે કે આપણને ગીતનાં શબ્દો અને તર્જ યાદ રહી જાય પરંતુ ગીત કઇ ફિલ્મનું હતું અને કયા સંગીતકારે બનાવ્યંુ હતું એ સાંભરે નહીં.

ફિલ્મ સંગીતના અભ્યાસીઓ કે ઇતિહાસકારો માટે આ બધી વિગતો પણ મહત્ત્વની હોય છે. સંગીતકાર નૌશાદને ફિલ્મ 'રતન' વખતે જેની સાથે કડવો અનુભવ થયો હતો એ અભિનેતા-ફિલ્મ સર્જક કરણ દિવાન, યશોધરા કાત્જુ, (૧૯૬૦ના દાયકામાં મિસ્ટર ભારત મનોજ કુમારની માતાના રોલથી ઓળખાતી) અભિનેત્રી કામિની કૌશલ અને પ્રાણને ચમકાવતી એક ફિલ્મ ૧૯૪૯માં આવેલી- ફિલ્મ 'રાખી'. એમાં હુશ્નલાલ ભગતરામનું સંગીત હતું. 

તલત મહેમૂદના કંઠે આ ગીત એમાં રજૂ થયું હતું. ગીતના શબ્દોમાં જે વેદના ટપકતી હતી એ હુશ્નલાલ ભગતરામ તલતના કંઠે ટપકતી કરી શકેલા એ હકીકત આ ગીત સાંભળતાં તમે પણ અનુભવી શકો. આમ તો દર્દીલાં ગીતો માટે મૂકેશને વધુ યશ મળ્યો છે. પરંતુ તલત મહેમૂદને પણ દર્દીલાં ગીતો માટે ઓછા માર્ક આપી શકાય નહીં. 'રાખી' ફિલ્મમાં તલતના ફાળે માત્ર આ એક ગીત આવ્યું. ત્યારબાદ તલત સાથે આ સંગીતકારો ફરી ભેગા થયા અદલ-એ-જહાંગીર ફિલ્મમાં. 

 લગભગ ૧૯૫૪-૫૫માં રજૂ થયેલી આ ફિલ્મથી પ્રસિદ્ધ ફિલ્મ સર્જક જી પી સિપ્પી ડાયરેક્ટર બન્યા. એક ઐતિહાસિક ગણાતા પ્રસંગ પર આ ફિલ્મની કથા આધારિત હતી. જહાંગીરી ઇન્સાફ જગપ્રસિદ્ધ શબ્દો છે. મુઘલ બાદશાહ જહાંગીરની બેગમ શિકાર કરવા નીકળે છે અને અજાણતાંમાં એક ધોબીને ઠાર કરે છે ત્યારે ધોબણ જઇને જચહાંગીરને ફરિયાદ કરે છે એ ઘટના પર આધારિત કથામાં જહાંગીર તરીકે રજવાડી પ્રતિભા ધરાવતા પ્રદીપ કુમાર અને પાછળથી ટ્રેજેડી ક્વીન ગણાયેલી મીના કુમારી સાથે દુર્ગા ખોટે અને સપ્રુ ચમક્યાં હતા. આ ફિલ્મનાં ગીતો કમર જલાલાબાદીએ રચ્યાં હતાં. 

આ ફિલ્મમાં પણ તલતના ફાળે એક ટ્રેજિક ગીત આવ્યંુ હતું. તલતે ગીતને સજીવન કરી બતાવ્યું હતું. આજે પણ આ ગીત સાંભળનારા સંગીત રસિકો તલતના કંઠ પર ઓવારી જાય છે. 

ગીતના શબ્દો આ રહ્યા- 'અય મેરી જિંદગી તુથે ઢૂંઢૂં કહાં, ના તો મિલ કે ગયે, ના છોડા નિશાં...' ગીતના એક અંતરામાં કમર જલાલાબાદીએ પણ કમાલ કરી છે. આકાશના તારા જોઇને નાયક કહે છે- 'યહ સિતારે નહીં, ગમ કે આંસુ હૈ યહ, રો રહા હૈ મેરે, હાલ પે આસમાં, હાલ પે આસમાં, અય મેરી જિંદગી...' ત્રણેક અંતરામાં વિસ્તરતા આ ગીતના શબ્દોને અનુરૂપ તર્જ બાંધવામાં હુશ્નલાલ ભગતરામને કેવી સફળતા મળી છે એ તો તમે યુ ટયુબ કે ગાના ડૉટ કોમ પર આ ગીત સાંભળો ત્યારે ખ્યાલ આવે.

કેટલાક સંગીત સમીક્ષકોની દ્રષ્ટિએ ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં આ બંને ભાઇઓનાં કેટલાંક ગીતોનો સમાવેશ અનિવાર્યપણે કરવો જોઇએ. બીજી બાજુ કેટલાક લેખકો આ સંગીતકારોને બહુ આદરની નજરે જોતાં નથી. એમના મનમાં કદાચ બીજી વાત છે. 

એની વિગતે વાત આપણે પાછળથી કરીશું. વાતનો સાર એટલો હતો કે પાછળથી ફિલ્મ સંગીતમાં ધરખમ ક્રાન્તિ કરનારા શંકર જયકિસન સાથે હુશ્નલાલે વાયોલિન વગાડવાના દિવસો આવ્યા હતા. સમય સમય બલવાન હૈ. એમ તો મધર ઇન્ડિયાના એક ગીત વખતે સંગીતકાર નૌશાદ કોરસ વૃન્દમાં એેક સમયની ટોચની ગાયિકા અભિનેત્રી રાજકુમારીને જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. સમય કોઇની સાડીબાર રાખતો નથી એટલો જ આ વાતનો સાર છે.  ગોલ્ડન એજની ગણતરીમાં આ બંને ભાઇઓનો સમાવેશ કરવામાં કશું ખોટું નથી.

આવતો શુક્રવાર મહિનાનો છેલ્લો શુક્રવાર છે એટલે ટીનેજર્સને ગમતાં ગીતોની વાત કરવાની છે. પછીના શુક્રવારે આ સંગીતકારોનાં અન્ય ગીતોનો આસ્વાદ માણીશું.

Gujarat