Get The App

સિનેમેજિક - અજિત પોપટ

વિરલ પ્રયોગ માટે મદન મોહનને સો સો સલામ કરવી પડે, બોસ !

૧૯૬૦ના દાયકામાં એક મહેફિલમાં મદને આ રાગ નંદ સાંભળ્યો

Updated: Mar 16th, 2018

GS TEAM

Google News
Google News

શાસ્ત્રીય રાગ-રાગિણી આધારિત ગીતોની વાત કરતી વેળા આપણે એક રસપ્રદ પ્રસંગ મમળાવ્યો હતો.  ઉસ્તાદ અમીર ખાંને ફિલ્મ સંગીત માટે ખાસ માન હતું. એ કહેતાં કે અમે વરસોના રિયાઝ પછી પણ ઘણીવાર મહેફિલમાં કેટલાક રાગ અડધો પોણો કલાક ગાવા છતાં ક્યારેક રાગની ધારેલી હવા બંધાતી નથી, જ્યારે આ ફિલ્મ સંગીતકારો માત્ર અઢી ત્રણ મિનિટમાં આખો રાગ તમારી ખડો કરી દે છે. રાગની હવા તરત બંધાઇ જાય છે. અમીર ખાં સાહેબ ઘણીવાર જુદા જુદા ફિલ્મ સંગીતકારો સાથે આવી અનૌપચારિક ચર્ચા કરતા.

એમાં એકવાર રાગ કેદાર વિશે બોલતાં એમણે આ રાગ ભક્તિપ્રધાન હોવાનો શાસ્ત્રશુદ્ધ અભિપ્રાય રજૂ કરેલો. ભારતીય સંગીતના પ્રાચીન ગ્રંથોમાં અને વિદ્વાનોને લેખોમાં જે તે રાગના સ્વરૃપ વર્ણવાયા છે એને આધારે આવી ચર્ચા થતી રહે છે. ઉસ્તાદજીના આ અભિપ્રાયને ચેલેંજ રૃપ ગણીને સંગીતકાર ઓ પી નય્યરે રાગ કેદારમાં એક પ્રણય- પ્રધાન બંદિશ તૈયાર કરીને અમીર ખાંને સાંભળવા બોલાવેલા. ફિલ્મ એક મુસાફિર એક હસીનાનંુ કેદાર આધારિત એ ગીત એટલે આ- 'આપ યૂં હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એેક દિન પ્યાર હો જાયેગા...' રાગ કેદાર અહીં કેવો મીઠ્ઠો લાગે છે !

હાલ આપણે મદન મોહનના સંગીતની વાત શરૃ કરી છે. મદને એક વિરલ રાગ કયા ગવૈયા કે સાજિંદાની મહેફિલમાં એક વિરલ રાગ સાંભળ્યો આ વિશે કદાચ તેમના પુત્ર સંજીવ કોહલી પ્રકાશ પાડી શકે.

જો કે વિશ્વાસ નેરુરકરના મદન મોહન વિશેના પુસ્તકમાં ઉસ્તાદ અમીર ખાં સાથે મદન મોહનનો એક વિલક્ષણ ફોટોગ્રાફ છે. કદાચ ઉસ્તાદ અમીર ખાંના કંઠે મદન મોહને આ રાગ સાંભળ્યો હશે. અન્ય પ્રાચીન રાગોની તુલનાએ આ રાગ નવો છે. છેલ્લાં સો સવાસો વર્ષમાં જે કેટલાક રાગો પ્રચારમાં આવ્યા તેમાંનો આ એક રાગ. બિહાગ માત્ર શુદ્ધ મધ્યમ સાથે ગવાતો. આજે બંને મધ્યમ સાથે ગવાય છે. એ જ રીતે મારુ બિહાગ રાગ પણ સો સવાસો વર્ષ જૂનો છે. હેમંત રાગ સૌ પ્રથમ પંડિત રવિશંકરે રજૂ કરેલો અને એમની શોધ કે ઉન્મેષ ગણાય છે.

એવોજ એક અત્યંત મધુર રાગ આનંદી કલ્યાણ, આનંદ કલ્યાણ કે નંદના ટૂંકા નામે ઓળખાય છે. આ રાગ પણ છેલ્લાં સોએક વર્ષથી વધુ ગવાતો-વગડાતો થયો છે. એની પહેલવહેલી રજૂઆત ૧૯૨૧માં આફતાબ-એ-મૌસિકી ઉસ્તાદ ફૈયાઝ ખાંના સસરા તાનરસ ખાંએ કરેલી એમ કહેવાય છે. એટલે કે ૨૦૨૧માં રાગ નંદ એકસો વર્ષનો થશે.

યમન કલ્યાણની જેમ એમાં પણ બંને મધ્યમ (શુદ્ધ અને તીવ્ર) લગાડાય છે. ગ-મ-ધ-પ, રે-સા સ્વર સમૂહ એમાં વારંવાર સાંભળવા મળે. ગંધાર (ગ) પર વિન્યાસ છે. આ રાગમાં છેલ્લાં ૬૦-૭૦ વર્ષમાં માત્ર એક ગીત મળ્યું છે. (ભૂલચૂક લેવી દેવી.)  અને એ ગીત સંગીતકાર મદન મોહનનું છે.  નિર્માતા પ્રેમજી માટે ફિલ્મ સર્જક રાજ ખોસલા એક ફિલ્મ બનાવતા હતા.

આરંભે એનું ટાઇટલ સાયા રાખેલું. સાયા એટલે પડછાયો. આપણે છાયા કહીએ છીએ. એ અરસામાં એટલે કે ૧૯૬૦ના દાયકામાં કોઇ મહેફિલમાં મદને આ રાગ નંદ સાંભળ્યો. એમના ચિત્તમાં આ રાગ એટલી હદે ઘર કરી ગયો કે એ સતત નંદમય રહેવા માંડયા. એમના અર્ધજાગ્રત મન (સબ-કોન્શ્યસ)માં આ રાગ સતત ગૂંજતો થયો.  

રાજ ખોસલાની ફિલ્મ માટે એમણે રાગ નંદમાં એક સરસ ગીત સ્વરબદ્ધ કર્યું. રાજા મહેંદી અલી ખાન રચિત આ ગીત રાજ ખોસલાએ સાંભળ્યંુ ત્યારે એ પણ ગીતના પ્રેમમાં પડી ગયા. એમણે ફિલ્મનું ટાઇટલ સાયાને બદલે 'મેરા સાયા' કરી નાખ્યું. લતાજીના કંઠમાં રજૂ થયેલું એ યાદગાર ગીત એટલે 'તૂ જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા..'  આમ તો ફિલ્મનાં બધાં ગીતો કર્ણમંજુલ એટલે કે મેલોડી સભર હતાં.

પરંતુ આ ગીત વધુ આકર્ષક હતું અને મેરા સાયા પહેલાં કે ત્યારપછી કોઇ સંગીતકારે રાગ નંદનો આટલો અદ્ભુત ઉપયોગ કર્યો હોવાનું ધ્યાનમાં નથી. ઠીક ઠીક રેર (દુર્લભ ) કહી શકાય એવા રાગમાં યાદગાર ગીત બનાવવું એ પણ એક ચેલેંજિંગ કામ હતું જેમાં મદન મોહને ધીંગી સફળતા મેળવી અને ઉસ્તાદ અમીર ખાં જેવા દાદુ કલાકારની શાબાશી પણ મેળવી. યુ ટયુબ પર આ રાગમાં ઉસ્તાદ અમીર ખાં, પંડિત ડીવી પળુસ્કર,પંડિત રાજન સાજન મિશ્ર, કિશોરી આમોનકર વગેરેના કંઠે તમે આ રાગ માણી શકો. ઉસ્તાદ અમીર ખાંએ ગાયેલા નંદની તો સીડી પણ ઉપલબ્ધ હતી. હાલ એ સીડી મળતી નથી. પણ યુ ટયુબ પર તમે માણી શકો.

મદન મોહને બીજાં ઘણાં ગીતો વિવિધ રાગ-રાગિણીમાં સ્વરબદ્ધ કર્યાં છે જેની વાત આપણે હવે પછી કરવાના છીએ. પરંતુ રાગ નંદમાં આ એક ગીત માટે મદન મોહનને સો સો સલામ કરવી પડે. સાચું કે નહીં ?
 

Tags :