પાવીજેતપુર તા.3 ફેબ્રુઆરી 2020 સાેમવાર
છોટાઉદેપુર જીલ્લો આદીવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. તેની ભૌગોલીક રચના ખૂબ સુંદર છે અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર જોવા મળે છે. જીલ્લામાં 80% કરતા વધુ આદીવાસીઓ વસે છે. જેઓ પ્રકૃતીપૂજક છે.
છોટા ઉદેપુર જીલ્લામાં વસતા આદીવાસીઓ અને તેમાય મોટેભાગે રાઠવા સમુદાયના સૌથી મોટા ઇષ્ટદેવ પીઠોરા દેવ છે. આ પીઠોરા દેવની પૂજા અહીના આદીવાસીઓ કરે છે. અહીના આદીવાસીઓ આ પીઠોરાને ભીતચીત્ર નહી પણ પ્રાચીન સમયની એક લીપી માને છે. ચિત્રોના સ્વરૂપમાં આ પીઠોરો વાંચવામાં આવે છે. જો કે આ પ્રાચીન લીપીને ગણ્યા ગાંઠયા લોકો જ વાંચી શક્યા છે.
આદીવાસીઓ પ્રકૃતી પૂજક હોવાથી આ પીઠોરામાં પ્રકૃતીને આવરી લેવામાં આવી છે. આ પીઠોરામાં આદીવાસીઓનું જીવન કથન વણાયેલું જોવા મળે છે. બાબા પીઠોરા દેવના ચિત્રોમાં પીઠોરા દેવના આખા પરીવારના ઘોડાને પહેલા દોરવામાં આવે છે. પછી આદીવાસી સમાજના જીવન વર્ણનને લખવામાં આવે છે. અને દરેક ચિત્રો એક ફિલોસોફી સાથે જોડાયેલી છે. પીઠોરામાં રાત અને દીવસના પ્રતીક રૃપે સૂર્ય અને ચંદ્રને પણ દર્શાવવામાં આવે છે.
આ પીઠોરા ચિત્રમાં ઉપર જીવતા જાગતા સૂર્ય ચંદ્રને દોરવામાં આવે છે. સૂર્યની નીચે દીવસ દરમિયાન થતી પ્રવૃત્તીઓનું વર્ણન જોવા મળે છે. જ્યારે ચંદ્ર તરફ રાત્રી દરમીયાન થતી પ્રવૃત્તીનું વર્ણન જોવા મળે છે.આમ આ પીઠોરા ચિત્રમાં આદીવાસી સમુદાયનું જીવન વર્ણન ચિત્રો વડે દર્શાવવામાં આવે છે.
ગુજરાત રાજ્યના અતિ પછાત ગણાતા કવાંટ તાલુકામાં મોટેભાગે આદીવાસી સમાજ જોવા મળે છે કે જેઓ સંપૂર્ણ પણે પ્રાકૃતીક જીવન જીવે છે. આવા નાખલ ગામના કેટલાક આદીવાસીઓ પોતે ભગત હોવા છતાય પીઠોરા દેવને આહુતી આપે છે.અને પોતાનું આરોગ્ય સારું રહે, સુખ શાંતી જળવાઈ રહે તે માટે પીઠોરા દેવની પૂજા કરે છે. અને પોતાના દેવ જીવતા જાગતા છે અને તેઓ પર સંપૂર્ણ શ્રધ્ધા હોવાનું માની રહયા છે.
એક સમયે પ્રત્યેક આદીવાસીઓના પીઠોરા દેવ ઘેર ઘેર જોવા મળતા હતા. પરંતુ ધીમે ધીમે ધામક પરીવર્તન થતાં લોકો જુદા જુદા ધર્મોમાં માનતા થયા ત્યારથી આ પ્રાચીન પરંપરા લુપ્ત થઈ રહી છે. ત્યારે જીલ્લાના અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ઇંદ, પાનગુ, જુવારીયો ઇંદ, કરોળીયો ઇંદ, પેઢી બદલવાનો ઇંદ, જેવા પ્રાચીન પર્ણપરા મુજબના ઇંદ ઉજવાઇ છે.
પીઠોરા લિપી ૫ હજાર વર્ષ જૂની છે. જ્યારે ભાષાઓનું અસ્તિત્વ ન હતું. લખાણ શોધાયું ન હતું. તે સમયે વનમાં વસતા આદીવાસીઓ પીઠોરાનો ઉપયોગ કરતાં હતા.હાલમાં પુરાતન કાળની સંસ્કૃતીની જાળવણી કરતાં આદીવાસી સમાજના લોકો પોતાના ઘરની દીવાલ પર પીઠોરા લખાણ લખે છે. આદીવાસીઓના ઇષ્ટદેવ આ પરિભાષા સમજી લે છે.
ભીંતચીત્રોનું આલેખન કરનાર અમે લખારા તરીકે ઓળખે છે. બીજા ધર્મો જેવા કે હીંદૂ ધર્મમાં ભગવદ ગીતા, મુસ્લીમ ધર્મમાં કુરાન, ખ્રીસ્તી ધર્મમાં બાઇબલ તેવી જ રીતે અમારા આદીવાસી રાઠવા સમાજમાં જ્યારે આદી અનાદી કાળથી વસતા રાઠવા સમુદાય અભણ હતા ત્યારથી આ પીઠોરા લિપી લખતા હતા અને તેમાં ચિત્રાત્મક રજૂઆત વર્ણવેલી છે.બાબા પીઠોરા દેવ રાઠવા આદીવાસી સમાજના ઇષ્ટદેવ છે. પરંતુ સમાજના ઘણાખરા લોકો આની પંથમાં વહેચાઈ જવાથી સંસ્કૃતિ ભુલાઈ રહી છે.
પણ આજે છોટા ઉદેપુર જીલ્લાના અંતરીયાળ ગામોમાં બાબા પીઠોરા દેવને પરંપરાગત લખાવીને તેનું પૂજન કરી સંસ્કૃતી બચાવી રાખી છે. તેથી સમાજ અને વિસ્તાર બચી રહ્યો છે.


