ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુની મુશ્કેલીઓ વધી, અમેરિકન કોર્ટનો પત્ની માટે 15,300 કરોડનો બોન્ડ ભરવાનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Zoho Founder Sridhar Vembu Divorce Case : ભારતની દિગ્ગજ આઈટી કંપની 'ઝોહો' (Zoho) ના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રીધર વેમ્બુ હાલમાં પત્ની પ્રમિલા શ્રીનિવાસન સાથેના હાઈ-પ્રોફાઈલ છૂટાછેડાના કેસમાં બરાબરના ફસાઈ ગયા છે. કેલિફોર્નિયાની એક કોર્ટે અત્યંત કડક વલણ અપનાવતા વેમ્બુને $1.7 બિલિયન (અંદાજે રૂ. 15,300 કરોડ)નો બોન્ડ જમા કરાવવા આદેશ આપ્યો છે. અમેરિકાના ઈતિહાસમાં પણ છૂટાછેડાના કેસમાં આ ખૂબ મોટી રકમ માનવામાં આવે છે. કોર્ટે આ આદેશ તેમની પત્ની પ્રમિલા શ્રીનિવાસનના હિતોની રક્ષા માટે કર્યો છે.
શું છે આ વિવાદનું મુખ્ય કારણ?
શ્રીધર વેમ્બુ અને પ્રમિલાના લગ્ન 1993માં થયા હતા. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે શ્રીધરે 2021માં છૂટાછેડા માટે અરજી કરી. પ્રમિલાનો ગંભીર આરોપ છે કે શ્રીધરે જાણીજોઈને 'ઝોહો'માં તેમનો હિસ્સો ઘટાડવા માટે કંપનીના શેર અને મિલકતો પત્નીની જાણ બહાર પોતાના સંબંધીઓના નામે ટ્રાન્સફર કરી દીધી છે. કેલિફોર્નિયાના કાયદા મુજબ લગ્ન પછી વસાવેલી મિલકતમાં પત્નીનો 50% હક હોય છે, પરંતુ શ્રીધરે આ મિલકતો સગેવગે કરી હોવાનો દાવો કરાયો છે. શ્રીધર અને પ્રમિલાને એક પુત્ર છે, જે ઓટિઝમથી પીડિત છે. પ્રમિલાએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે, શ્રીધરે તેમને અને તેમના બીમાર પુત્રને અધવચ્ચે છોડી દીધા છે.
તો કોર્ટે આટલો મોટો બોન્ડ કેમ માંગ્યો?
કેલિફોર્નિયા કોર્ટના મતે, શ્રીધર વેમ્બુએ આર્થિક વિગતો છુપાવવાનો પ્રયાસ કર્યો છે અને પત્નીના કાયદેસરના હિસ્સાને જોખમમાં મૂક્યો છે. જો કેસના અંતે શ્રીધરે પત્નીને મોટી રકમ ચૂકવવાની થાય, તો તે રકમ સુરક્ષિત રહે તે હેતુથી આ 'સિક્યોરિટી બોન્ડ' માંગવામાં આવ્યો છે. જો તેઓ આ બોન્ડ નહીં ભરે તો કોર્ટ તેમની અન્ય મિલકતો પર પણ રોક લગાવી શકે છે.
આ પણ વાંચો : પુતિનના ઘર પર ડ્રોન હુમલાનો બદલો! રશિયાએ ઓરેશ્નિક મિસાઈલ છોડી યુક્રેનમાં તબાહી મચાવી
વેમ્બુ નાનકડા ગામમાંથી ગ્લોબલ કંપની ચલાવે છે
શ્રીધર વેમ્બુ અને પ્રમિલા શ્રીનિવાસને 1993માં લગ્ન કર્યા હતા. તેઓ વર્ષો સુધી અમેરિકામાં રહ્યા હતા. 2019માં શ્રીધર વેમ્બુ ભારત પરત ફર્યા અને તમિલનાડુના એક ગામમાં રહેવા લાગ્યા. ત્યારબાદ 2021માં તેમણે છૂટાછેડા માટે અરજી કરી હતી. શ્રીધર વેમ્બુ બિલિયોનેર હોવા છતાં અત્યંત સાદું જીવન જીવે છે. તેઓ તમિલનાડુના તેનકાસી જિલ્લાના એક નાનકડા ગામમાં રહે છે અને ત્યાંથી જ પોતાની ગ્લોબલ કંપની ચલાવે છે. સામાન્ય રીતે આઈટી કંપનીઓ બેંગલુરુ કે હૈદરાબાદમાં હોય છે, પણ શ્રીધર વેમ્બુએ ભારતભરના અનેક ગામડાંમાં ઝોહોની ઓફિસ ખોલી છે, જેથી ગ્રામીણ પ્રતિભાઓને ત્યાં જ રોજગારી મળી શકે.
ઝોહો સંપૂર્ણપણે પ્રોફિટ પર ચાલતી કંપની છે
ઝોહો દુનિયાની એવી જૂજ મોટી ટેક કંપનીઓમાંથી એક છે જેણે ક્યારેય બહારના રોકાણકારો (VCs) પાસેથી પૈસા લીધા નથી. તે સંપૂર્ણપણે પ્રોફિટ પર ચાલતી કંપની છે. નોંધનીય છે કે, ભારત સરકારે શ્રીધર વેમ્બુને 2021માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મશ્રી' થી નવાજ્યા હતા.









