જાણો દાગીના મોંઘા થવાનું અસલ કારણ, મેકિંગ ચાર્જ ઝીરો બતાવીને ગ્રાહકોને છેતરવાનો કારસો
Hidden Tricks Behind Expensive Jewellery in India : ભારતમાં તહેવારો વખતે સોના-ચાંદીના દાગીનાની માંગમાં ભારે વધારો થતો હોય છે. આ બજારમાં સ્પર્ધા પણ ખૂબ હોવાથી ઘણાં જ્વેલર્સ ગ્રાહકોને આકર્ષવા ‘ઝીરો મેકિંગ ચાર્જ’ જેવી ઓફર આપે છે, જેની લાલચમાં ગ્રાહકો એવા જ્વેલર્સ પાસે દોડી જાય છે. પરંતુ, આવા પ્રલોભન પાછળ ઘણાં છુપા ખર્ચ સામેલ હોય છે, જેના કારણે સરવાળે દાગીનાની અંતિમ કિંમત નોંધપાત્ર રીતે વધી જાય છે.
છુપાયેલા ખર્ચનું રહસ્ય
નિષ્ણાતો કહે છે કે, 0% મેકિંગ ચાર્જની ઓફર ઘણીવાર ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાની એક યુક્તિ છે. આ એક એવી સોગાત છે જેની સાચી કિંમત ઘણા ગ્રાહક સમજી નથી શકતા અને પરિણામે વધારે પૈસા ચૂકવી દે છે.
જ્વેલર્સ દ્વારા વસૂલાતા આવા પાંચ પ્રકારના છુપા ચાર્જ નીચે મુજબ છે.
1. સોનાના ભાવમાં છુપો વધારો
ઘણાં જ્વેલર્સ સોનાના વર્તમાન ભાવ કરતાં વધુ ભાવ લેતા હોય છે. ઉદાહરણ તરીકે, જો જ્વેલર્સ બજાર ભાવ કરતાં પ્રતિ ગ્રામ ₹200 વધારે લે તો ગ્રાહકે 50 ગ્રામના દાગીના પર વધારાના ₹10,000 ચૂકવવા પડતા હોય છે. આ વધારો એક પ્રકારનો છુપો ચાર્જ જ ગણાય.
2. રત્નોની કિંમત વાસ્તવિક મૂલ્ય કરતા વધુ
શૂન્ય મેકિંગ ચાર્જવાળા ઘરેણાંમાં ઘણી વાર હીરા, રત્નો અથવા અન્ય સજાવટી તત્વો જોડવામાં આવે છે. આ વસ્તુઓની કિંમત તેમના વાસ્તવિક મૂલ્ય કરતાં ઘણી વધારે નક્કી કરવામાં આવે છે. ગ્રાહકને અપાયેલા શૂન્ય મેકિંગ ચાર્જની ભરપાઈ જ્વેલર્સ આ રીતે કરી લેતા હોય છે.
3. બાયબેક ઓફરમાં છુપાયેલી શરતો
કેટલાક જ્વેલર્સ જૂનું ઘરેણું વેચતી વખતે તેના સોનાના મૂલ્યના 90% જેટલી રકમ આપવાનું વચન આપે છે. પરંતુ ગ્રાહકો ઝીરો મેકિંગ ચાર્જવાળા દાગીના ખરીદે છે, ત્યારે આ બાયબેક વેલ્યુ ઘટાડીને 70-80% કરી દેવાય છે. તેનાથી ગ્રાહકને ભવિષ્યમાં નુકસાનનો સામનો કરવો પડે છે.
4. વેસ્ટેજ ચાર્જની પણ અસ્પષ્ટ ગણતરી
દાગીના બનાવવામાં સોનાનો જે ભાગ નષ્ટ થાય છે તેના પર વેસ્ટેજ ચાર્જ લાગુ પડે છે. આ ચાર્જનો સામાન્ય દર 2-3% જેટલો હોવો જોઈએ. પરંતુ જ્વેલર્સ ઘણી વાર જટિલ ડિઝાઇન હોવાથી વધારે બગાડ થશે એવું બહાનું આપીને 5% અથવા તો વધુ ચાર્જ કરે છે. આ ચાર્જની ગણતરી સોનાના વર્તમાન ભાવ પર થાય છે, દાગીના બનાવ્યા હોય ત્યારના સોનાના મૂળ ભાવ પર નહીં.
5. જથ્થાબંધ ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકને નહીં
જ્વેલર્સ એકસાથે મોટા પ્રમાણમાં સોનું ખરીદતા હોવાથી તેમને જથ્થાબંધ ડિસ્કાઉન્ટ મળે છે. પરંતુ એ ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને મળતો નથી.
શુદ્ધતા ચકાસવા માટે HUID કોડ જુઓ
નિષ્ણાતો એક મહત્ત્વપૂર્ણ સલાહ આપે છે કે, કોઈ પણ દાગીના ખરીદતા પહેલાં, BIS (ભારતીય માનક બ્યુરો)ની 'કેર' એપ્લિકેશન પર તેનો HUID (હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન) નંબર તપાસો. આ કોડ દાગીનાની શુદ્ધતા અને ગુણવત્તા દર્શાવે છે, જેથી ગ્રાહકો છેતરપિંડીથી બચી શકે છે.