ડિજિટલ પેમેન્ટસમાં વધારાની સાથે રોકડ હાથમાં રાખવાની વૃત્તિ ઊંચી
- ગત નાણાં વર્ષમાં એટીએમ દીઠ રૂ.૧.૩૦ કરોડ ઉપાડવામાં આવ્યા
મુંબઈ : દેશમાં ડિજિટલ પેમેન્ટસ પદ્ધતિમાં વધારાની સાથોસાથ રોકડ હાથમાં રાખવાની વૃત્તિ પણ હજુ ચાલુ રહ્યાનું જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫માં દેશમાં બેન્ક ખાતેદારોએ એક એટીએમ દીઠ સરેરાશ રૂપિયા ૧.૩૦ કરોડ કાઢયા હતા.
એટીએમમાંથી સૌથી વધુ નાણાં ઉત્તર ભારતના રાજ્યોમાં વિથડ્રો થયાનું પ્રાપ્ત માહિતીમાં જણાવાયું છે. ગત નાણાં વર્ષમાં બિહાર, નવી દિલ્હી તથા ઉત્તર પ્રદેશ આ ત્રણ રાજ્યોમાં એટીએમમાંથી સૌથી વધુ નાણાં કઢાવાયા હતા.
એટીએેમમાંથી નાણાં કઢાવવામાં વધારો થવાનો અર્થ દેશમાં લોકો હજુપણ રોકડા રૂપિયા માટેનું આકર્ષણ જળવાઈ રહ્યું છે. રિટેલ, નાના વેપાર વ્યવહાર તથા રોજબરોજની ખરીદ પ્રવૃત્તિ માટે મોટી સંખ્યાના લોકો આજેપણ રોકડમાં ચૂકવણી કરવાનું પસંદ કરે છે.
નાણાં વર્ષ ૨૦૧૭માં એટીએમ દીઠ વાર્ષિક સરેરાશ રૂપિયા ૧.૦૨ કરોડ કઢાવાયા હતા જે આંક હવે વધી રૂપિયા ૧.૩૦ કરોડ પહોંચી ગયો છે. એટીએમમાંથી નાણાં કઢાવવામાં આઠ ટકા સાથે ગત નાણાં વર્ષમાં સૌથી વધુ વાર્ષિક વૃદ્ધિ બિહારમાં થઈ છે. ૪ ટકા સાથે બીજા ક્રમે નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશ રહ્યા છે જ્યારે હિમાચલ પ્રદેશમાં ૩ ટકા અને છત્તીસગઢમાં બે ટકા વધારો જોવા મળ્યો છે.
૨૦૧૪ થી ૨૦૨૪ના દસ વર્ષમાં એટીએમની સંખ્યામાં ૩૨ ટકા વધારો થયો છે અને કરન્સી ઈન સર્ક્યુલેશન ૧૫૭ ટકા વધી હોવાનું રિઝર્વ બેન્કના ડેટામાં તાજેતરમાં જણાવાયું હતું.
દરમિયાન ગત નાણાં વર્ષમાં યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફત ૧૮૫૦૦ કરોડ વ્યવહાર પાર પડયા હતા જે વાર્ષિક ધોરણે ૪૧ ટકા વધુ હતા. મૂલ્યની દ્રષ્ટિએ કુલ રૂપિયા ૨૬૦ લાખ કરોડની ચૂકવણી યુપીઆઈ પ્લેટફોર્મ મારફત પાર પડી હતી હતી જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ ૩૦ ટકા વધુ છે.
આમછતાં દેશના અર્થતંત્રમાં રોકડ એક સંકલિત ભાગ બની રહ્યો છે અને હાથમાં રોકડ મેળવવા એટીએમ મહત્વના સ્રોત રહ્યા છે.