Business

રેલવેને 10 વર્ષમાં કેમ સૌથી ઓછી આવક મળી છે ?

By GS Team
6 Dec 20192 mins read
This article was originally published on 6 Dec 2019
રેલવેને 10 વર્ષમાં કેમ સૌથી ઓછી આવક મળી છે ?

વિશાળ જનસંખ્યા અને વિસ્તાર ધરાવતા દેશમાં રેલવેએ લાઇફલાઇન છે. અંતરદેશિય પરીવહનમાં રેલવે ખૂબજ મોટું માધ્યમ છે. મહા લેખા પરીક્ષક (કેગ)ના અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતીય રેલવેની કમાણી છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી નિચલા સ્તરે પહોંચી ગઇ છે. રેલવેનો ઓપરેટિંગ રેશિયો વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૮.૪૪ ટકા સુધી આવ્યો છે. એનો સીધો મતલબ એવો થાય કે રેલવે ૧૦૦ રુપિયા આવક મેળવવા માટે ૯૮.૪૪ રુપિયા ખર્ચ કરે છે.

 રેલમંત્રી પીયુષ ગોયલના જણાવ્યા અનુસાર સાતમા પગાર પંચનો અમલ, પેન્શન દરમાં વધારો અને સોશિયલ રિસ્પોન્સિબિલિટીના કારણે પૈસા વધુ વપરાઇ રહયા છે. સાતમા પગાર પંચનો અમલ થવાથી ૨૨ હજાર કરોડ રુપિયા વધુ ખર્ચ થયો છે જેનાથી આર્થિક સ્થિતિ બગડી છે આ ઉપરાંત નવી લાઇનોના નિર્માણ અને ખોટ ખમવી પડે તેવા વિસ્તારમાં પણ જન જવાબદારીના ભાગરુપે દોડાવવામાં આવતા રુટો છે. આમાં રેલવે બજેટનો મોટો હિસ્સો ખર્ચાય છે. ઓપેરેટિંગ લૉસ ઉપરાંત રેલવેમાં સ્વચ્છતાના માપદંડોના પાલન અને પાટા બદલવામાં પણ ખર્ચ વધી રહયો છે.આ તમામની અસર રેલવેની આવક પર થઇ  છે.



ભારતીય રેલવે એશિયાનું બીજા ક્રમનું અને સરકાર દ્વારા સંચાલિત વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટુ નેટવર્ક છે. જેમાં ૧૬ લાખથી પણ વધુ કર્મચારીઓ નોકરી કરે છે . ભારતમાં રેલવે બજેટમાં રેલવેની સુધારણાની વાતો થાય છે પરંતુ તેનો લાભ આમ આદમીને મળતો નથી.રેલવેની રિઝર્વેશન વિના મુસાફરી આજે પણ હાડમારીનું પ્રતિક બની ગઇ છે. લાંબા અંતર કાપવા લોકો ઘણી વાર ન છુટકે રેલવેમાં મુસાફરી પસંદ કરે છે. દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જનરલ કોચમાં સુવિધાનો અભાવ હોય છે. આવા સંજોગોમાં રેલવે ઓપરેટિંગ ખર્ચમાં વધારો થતા તેનો બોજ કયાંક ભાડા વધારા સ્વરુપ ગરીબ અને મધ્યમ વર્ગે ભોગવવો પડે તો પણ નવાઇ નથી.