880 ટન સોનું હોવા છતાં RBI કેમ સોનું ખરીદી રહી છે? સુવર્ણ ભંડારની બાબતમાં ભારત વિશ્વમાં સાતમા ક્રમે
Gold Reserves In India: 30મી એપ્રિલ 2025ના રોજ અક્ષય તૃતિયા હતી, એક એવો દિવસ જેને સોનું ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. ધનતેરસની જેમ અક્ષય તૃતિયાના દિવસે પણ ભારતના લોકો સોનું ખરીદતા હોય છે. ફક્ત ભારતીયોને જ શું કામ, ભારતની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને પણ સોનું ખરીદવામાં એટલો જ રસ છે. ભારત પાસે સોનાનો મબલખ ખજાનો હોવા છતાં RBI સોનાની ખરીદી કર્યે જ જાય છે. તો ચાલો જાણીએ કે એની પાછળનું કારણ શું છે.
સંકટ સમયની સાંકળ છે સોનું
આર્થિક સંકટના સમયે સોનું વેચીને નિર્વાહ ચલાવવાની ગણતરીએ ભારતીય કુટુંબોમાં સોનાના મૂળિયાં બહુ ઊંડા ઉતરી ચૂકેલા છે. કંઈક એવી જ ગણતરી વિશ્વભરની કેન્દ્રીય બેંકો પણ રાખે છે. સામાન્ય લોકોની જેમ બેંકો પણ સોનાને ‘સેફ હેવન એસેટ’ એટલે કે ‘આર્થિક સંકટના સમયની વિશ્વસનીય સંપત્તિ’ માને છે. કોરોના મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ, ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ અને ટ્રમ્પ વહીવટી તંત્રની ટેરિફ નીતિઓ જેવા પરિબળોને લીધે વૈશ્વિક આર્થિક સમીકરણો ખોરવાઈ જતા હોય છે ત્યારે આ પીળી ધાતુ જ કોઈપણ દેશને આર્થિક ઝંઝાવાતો સામે ટકાવી રાખે છે. તેથી જ RBI સહિત ઘણાં દેશોની કેન્દ્રીય બેંકો ઝડપથી સોનું ખરીદી રહી છે.
ભારત પાસે કેટલું સોનું છે?
નાણાકીય વર્ષ 2024-25માં RBI એ 57.5 ટન સોનું ખરીદ્યું હતું. આ સાથે જ માર્ચ 2025 સુધીમાં RBI નો સોનાનો ભંડાર 880 ટન થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2020 માં એ 653 ટન હતો, એટલે કે 5 વર્ષમાં 35 % નો વધારો થયો છે. સોનાના ભંડારની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં 7મા ક્રમે આવી ગયું છે. 2015 માં આપણો દેશ 10 મા ક્રમે હતો.
RBI સોનું કેમ ખરીદી રહી છે?
RBI દ્વારા વધુ સોનું ખરીદવા પાછળનું મુખ્ય કારણ છે ડોલરની અસ્થિરતા. વૈશ્વિક સ્તરે ડોલર અત્યંત શક્તિશાળી ચલણ ગણાતું હોવા છતાં છેલ્લા થોડા વર્ષોમાં ડોલર અસ્થિર રહ્યો છે. હાલમાં તો ડોલર ઈન્ડેક્સ ઘટીને 100 ની નીચે આવી ગયો છે, એટલે અનામત તરીકે મોટી માત્રા ડોલરનો સંગ્રહ કરવાનું હિતકારક નથી. સોનું જેવી ધાતુ ડોલરના પ્રમાણમાં વધુ સ્થિર હોવાથી એની ખરીદી વધારે આર્થિક સલામતી પ્રદાન કરે છે. તેથી જ RBI ફક્ત ડોલરને ભરોસે રહેવાને બદલે સોનાની ખરીદી કરી રહી છે. બીજા દેશોની કેન્દ્રીય બેંકોમાં પણ આમ કરવાનું વધ્યું છે. અનામત સંતુલિત રાખવું સમજદારીભર્યું પગલું છે.
સોનાથી ભારતીય અર્થતંત્રને શું ફાયદો થશે?
સોનાની ખરીદી એક એવું વ્યૂહાત્મક પગલું છે જે ભારતને ડોલરની અસ્થિરતા સામે રક્ષણ આપે છે અને દેશના વિદેશી વિનિમયને મજબૂત બનાવે છે. એને લીધે ભારતનો ‘ફોરેક્સ રિઝર્વ’ એટલે કે ‘વિદેશી મુદ્રા ભંડાર’ મજબૂત બને છે, ચલણ સ્થિર રહે છે અને ફુગાવાને નિયંત્રિત કરવું સરળ બને છે. ભારતના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો 2021 માં 6.86 % હતો તે વધીને 2024 માં 11.35 % થઈ ગયો છે.
સોનાનો ભાવ સતત વધતો રહે છે
સોનાના મૂલ્યમાં સતત વધારો થતો રહે છે. હાલમાં પણ સોનાના ભાવ રેકોર્ડ સ્તરે છે. તેના ભાવમાં હજુ વધારો થવાની ધારણા છે. તેથી RBI પાસે જેટલું વધુ સોનું હોય એટલું વધુ એનું મૂલ્ય!
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શાખ વધે છે
કયા દેશ પાસે સોનાનો કેટલો અનામત ભંડાર છે એને આધારે પણ એ દેશની શાખ આંતરરાષ્ટ્રીય સ્તરે અંકાતી હોય છે. જે દેશ પાસે જેટલું વધુ સોનું એટલો એ વધુ મજબૂત. સોનું વધારે હોવાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ જે-તે દેશની છબિ ઊજળી ગણાય છે. ભારત પાસે સોનાનો ભંડાર હોવાથી જ ઘણા દેશો ભારત સાથેના આંતરરાષ્ટ્રીય વેપાર રૂપિયામાં કરતા થયા છે.
તગડું ડિવિડન્ડ મળે છે
સોનાના ભંડારના રિઝર્વ વેલ્યુમાં વધારો થવાથી એનું તગડું ડિવિડન્ડ મળે છે, જે દેશની આવકમાં વધારો કરે છે.
વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધે છે
દેશમાં મોટો અનામત સુવર્ણભંડાર હોવાથી ભારતની નાણાકીય સ્થિતિ મજબૂત બને છે, જેને લીધે વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધે છે અને તેઓ ભારતમાં રોકાણ કરવા માટે પ્રેરાય છે.
સોનાનો મોટો જથ્થો ભારતમાં સંગ્રહ કરાયો છે
મોટાભાગના દેશો તેમની માલિકીના સુવર્ણભંડારની સલામતી માટે તેને અમેરિકા અને યુરોપના દેશોમાં સુરક્ષિત રાખતા હોય છે. ભારતે પણ એમ કર્યું છે. જોકે, છેલ્લા થોડા વર્ષોમાં ભારતે વિદેશમાં રાખેલું પોતાનું સોનું પરત લાવવા માંડ્યું છે. સપ્ટેમ્બર 2022 થી આજ સુધીમાં RBI 214 ટન સોનું ભારતમાં પાછું લઈ આવી છે અને દેશમાં જ એનો સંગ્રહ કર્યો છે. આમ કરવાનો હેતુ એ છે કે, જરૂરિયાત સમયે તે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે.