Silver Price Crash Reason : શુક્રવારનો દિવસ બુલિયન બજાર એટલે કે સોના-ચાંદી માટે બ્લેક ફ્રાઈ ડે સાબિત થયો. ચાંદીમાં એક જ દિવસમાં 1,07,971 રૂપિયા તો સોનામાં 33000થી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. આ કડાકાએ 2008ની મંદીમાં આવેલા ઘટાડાઓનો પણ રેકોર્ડ બ્રેક કરી નાખ્યો હતો. તો ચાલો જાણીએ કે સોના-ચાંદીની કિંમતો આટલી વધી કેમ અને પછી તેમાં કડાકો કેમ આ રીતે બોલાયો?
સોના-ચાંદીની કિંમતો વધી કેમ હતી?
ચાંદીનો ઉપયોગ સર્કિટ બોર્ડ, ઈલેક્ટ્રિક વ્હિકલ, બેટરી, સોલર પેનલ અને મેડિકલ ઉપકરણોમાં વધુ થાય છે. હવે માગ વધી રહી છે પરંતુ સપ્લાય ઓછો છે.
અમેરિકા અને અન્ય દેશો વચ્ચે ટેરિફની ટેન્શન, રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ અને આ સૌની વચ્ચે ટ્રમ્પની ઈરાન પર હુમલાની ધમકીએ જીઓપોલિટિક ટેન્શન વધારી દીધું છે અને તેના પગલે વિવિધ દેશો સોના-ચાંદીને સ્ટોર કરવા લાગ્યા હતા.
ડોલર અને શેરબજારમાં ઉતાર-ચઢાવનો ખતરો વધુ રહે છે. ચાંદી હાર્ડ એસેટ હોવાને કારણે વધુ સ્ટેબલ સાબિત થઇ રહી છે.
સોનાની જેમ ચાંદી આભૂષણ અને સિક્કા બનાવવા માટે લોકપ્રિય ધાતુ ગણાય છે. સોના કરતાં સસ્તું હોવાને કારણે નાના રોકાણકારો માટે તે પસંદગીનો વિકલ્પ પણ છે.
હવે જાણીએ કે કડાકો કેમ બોલાયો?
ફેડના નવા પ્રમુખ : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કેવિન વોશને ફેડરલ રિઝર્વના આગામી પ્રમુખ બનાવવાની જાહેરાત કરી દીધી છે. ફેડના વ્યાજદરો ઘટવાની આશામાં રોકાણકારોએ ચાંદી અને સોનામાંથી રોકાણ પાછું ખેંચવાનું શરૂ કર્યું છે.
ચાંદીમાં ઐતિહાસિક તેજી : ચાંદી પહેલાથી જ 4 લાખનો ઐતિહાસિક લેવલ ક્રોસ કરી ચૂકી હતી. જેના કારણે નફાખોરી પણ થઈ.
ડૉલર ઈન્ડેક્સમાં ઉછાળો : અમેરિકામાં સંભવિત શટડાઉન ટાળવા માટે ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સમજૂતી થઇ જતાં ડૉલરના ઈન્ડેક્સમાં પણ ઉછાળો આવ્યો હતો.
ભવિષ્યમાં શું થશે?
નિષ્ણાતોનું માનવું છે કે શોર્ટ ટર્મમાં ભલે સોના-ચાંદી બજારમાં ઉથલ પાથલ જોવા મળે પણ સપ્લાયની અછત અને વધતી માગને પગલે ચાંદી ફરી 4 લાખને ક્રોસ કરી શકે છે. જોકે અમુક નિષ્ણાતો કહે છે કે ચાંદીની ચમકથી સાવચેત રહેવાની જરૂર છે. ભવિષ્યમાં હજુ કિંમતમાં કરેક્શન આવી શકે છે.


