મુંબઈ : વર્તમાન મોસમમાં ભારતનું ઘઉં ઉત્પાદન ગયા વર્ષની તુલનાએ ૧૦ ટકા સુધી નીચુ રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. લણણીની કામગીરી પહેલા જ કમોસમી વરસાદ તથા કરાં પડવાને પરિણામે ઘઉંના પાક પર અસર પડી છે, એમ ટ્રેડરો માની રહ્યા છે.
ઉત્પાદનમાં ઘટ છતાં ઘઉંની અછત સર્જાવાની કોઈ શકયતા નથી કારણ કે સરકાર પાસે પૂરતી માત્રામાં ઘઉંનો બફર સ્ટોક છે. નીચા ઉત્પાદનને કારણ ેસરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી ટાર્ગેટ કરતા નીચી રહી શકે છે. છેલ્લા ચાર વર્ષથી સરકાર ટેકાના ભાવે ઘઉં ખરીદી ટાર્ગેટ ચૂકી જાય છે.દેશમાં ઘઉંની વિપુલ ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી સરકારે વર્તમાન સપ્તાહમાં વધુ ૨૫ લાખ ટન ઘઉંની નિકાસ છૂટ આપી છે.
ભારતમાં ઉત્પાદિત થતા કુલ ઘઉંમાંથી ૮૦ ટકાથી વધુ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં થાય છે, જ્યાં વર્તમાન વર્ષના માર્ચ તથા એપ્રિલમાં લણણીની મોસમ પહેલા કમોસમી વરસાદ તથા કરાં પડયાનું જોવાયું હતું.
વર્તમાન વર્ષમાં ૧૨.૦૨ કરોડ ટન ઘઉં ઉત્પન્ન થવાનો સરકારે અંદાજ મૂકયો છે. ગઈ મોસમમાં ઉત્પાદન આંક ૧૧.૭૯ કરોડ ટન રહ્યો હતો. જેની સરખામણીએ વર્તમાન વર્ષનું ઉત્પાદન ટ્રેડરોની ધારણાં મુજબ ૧૦.૬૧ કરોડ ટન રહેશે, જે સાત વર્ષના તળિયે હશે. સરકાર પાસે પૂરતી માત્રામાં સ્ટોક હોવાથી નીચા ઉત્પાદનની સ્થિતિમાં પણ ઘઉંના ભાવ પર નિયંત્રણમાં રહેશે. એપ્રિલના પ્રારંભમાં સરકાર પાસે ૨.૧૮ કરોડ ટન સ્ટોક હતો, જે છેલ્લા પાંચ વર્ષનો સૌથી વધુ છે.
વધુ પડતી ઈન્વેન્ટરીને ધ્યાનમાં રાખી સરકારે વર્તમાન વર્ષમાં કુલ પ૦ લાખ ટન ઘઉંની નિકાસ છૂટ આપી છે. વર્તમાન વર્ષમાં સરકાર ટેકાના ભાવે ૩.૦૩ કરોડ ટન ઘઉં ખરીદ કરવા ટાર્ગેટ ધરાવે છે. પરંતુ હાલમાં મંડીમાં આવતા ઘઉંની ગુણવત્તા નબળી હોવાથી ટેકાના ભાવે ખરીદી ધીમી ચાલી રહી છે.


