નિફ્ટી-50માં FMCG સ્ટોક્સનું વેઇટેજ દાયકાને તળિયે
- નિફ્ટી-50માં FMCG સ્ટોક્સનું વેઇટેજ એક વર્ષમાં 11.4 ટકથી ઘટીને 9.9 ટકાના સ્તરે આવી ગયુ
- ઉંચા ઉત્પાદન ખર્ચ, નબળી માંગના કારણે એફએમસીજી અને ઓટો સેક્ટરની આવક વૃદ્ધિ હાલના ત્રિમાસિકમાં નબળી રહી અને હજી દબાણ હેઠળ રહેવાની ધારણા
મુંબઇ : ભારતીય શેરબજારના સૂચકાંક નિફ્ટી-50 ઇન્ડેક્સમાં એફએમસીજી સ્ટોક્સનું વેઇટેજ માર્ચના અંતે ઘટીને 9.9 ટકાના સ્તરે ઉતરી ગયુ છે જે છેલ્લા એક દાયકાની સૌથી નીચી સપાટી છે અને પાછલા વર્ષના 11.4 ટકાના લેવલથી દોઢ ટકા નીચે છે.
માર્ચ 2013માં તેના ઉંચા સ્તરેથી હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી અને એશિયન પેઇન્ટ્સ જેવી મુખ્ય એફએમસીજી કંપનીઓના શેરનું નિફ્ટી-50 ઇન્ડેક્સમાં વેઇટેજ લગભગ 15 ટકા જેટલુ હતુ. પરંતુ ઓટોમોબાઇલ સ્ટોક્સની સાથે કન્ઝઅયુમર ગુડ્સ સેક્ટરનું આ ઇન્ડેક્સમાં માત્ર 14.7 ટકા યોગદાન છે જે છેલ્લા 12 મહિનામાં 200 બેઝિસ પોઇન્ટ અને માર્ચ 2014ના અંતના 23.4 ટકાના રેકોર્ડ ઉંચા વેઇટેજથી 37 ટકા નીચે છે.
નિફ્ટી-50માં સામેલ ઓટો કંપનીઓનું સંયુક્ત વેઇટેજ ઘટીને 4.8 ટકા રહ્યુ છે, માર્ચ 2016ના અંતે 10.6 ટકાના સર્વોચ્ચ સ્તરે હતુ.
એફએમસીજી સેક્ટરની અગ્રણી કંપની હિન્દુસ્તાન યુનિલિવર કંપનીની માર્કેટકેપ 15.7 ટકા ઘટીને 31 માર્ચ 2022 સુધીમાં રૂ. 4.81 લાખ કરોડ થઇ હતી, જે માર્ચ 2021ના અંતે રૂ. 5.71 લાખ કરોડ હતી. તો બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝનું બજાર મૂલ્ય 12 મહિનામાં 11.5 ટકા ઘટ્યુ છે. આઇટીસી અને નેસ્લે ઇન્ડિયાએ આકર્ષક પ્રદર્શન કર્યુ છે પરંતુ શેરબજારના મુખ્ય સૂચકાંકની તુલનાએ દેખાવ નબળો રહ્યો છે. બીજી તરફ એશિયન પેઇન્ટ્સે 21.4 ટકા અને ટાટા કન્ઝ્યુમરે 21.7 ટકાની વૃદ્ધિ સાથે શેરબજાર કરતા પ્રોત્સાહક દેખાવ કર્યો છે.
એફએમસીજી સેક્ટરમાં ઘટાડો મહદંશે છેલ્લા 12 મહિનામાં મુખ્ય કંપનીઓના નબળા દેખાવને આભારી છે. નિફ્ટી-50 સૂચકાંકમાં 6 એફએમસીજી કંપનીઓની સંયુકત માર્કેટકેપ માર્ચ 2022ના અંતમાં વાર્ષિક તુલનાએ માત્ર 0.5 ટકા ઘટીને રૂ. 14.02 લાખ કરોડ હતી, જે નિફ્ટી-50 કંપનીઓની સંયુક્ત વેલ્યૂમાં 40 ટકાની વૃદ્ધિ કરતા ઓછી છે.
આવી રીતે ટાટા મોટર્સને બાદ કરતા ઓટો કંપનીઓ દબાણ હેઠળ રહી છે. ટાટા મોટર્સનો શેર નાણાંકીય વર્ષ 2022માં 44.8 ટકા સુધી વધ્યો હતો. આ સૂચકાંકમાં સામેલ 6 ઓટો કંપનીની સંયુક્ત માર્કેટકેપ પાછલા નાણાંકીય વર્ષે માત્ર 8.3 ટકા વધીને માર્ચ 2022ના અંતે રૂ. 7.01 લાખ કરોડ રહી છે. હીરો મોટોકોર્પ સૌથી વધુ 21.2 ટકા, આયશર મોટર્સમાં 5.6 ટકા અને બજાજ ઓટોમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ ગત વર્ષે મારુતિ સુઝુકીમાં 10.2 ટકા, મહિન્દ્રા- મહિન્દ્રામાં 1.3 ટકાની તેજી આવી હતી.
બજાર વિશ્લેષ્કો આની માટે એફએમસીજી અને ઓટો કંપનીઓના નબળાં દેખાવને જવાબદાર ગણાવે છે અને કારણસર ઓટો સ્ટોક્સની ડિમાન્ડ પર દબાણ તથા વધતા ઉત્પાદન ખર્ચની પણ અસર દેખાઇ રહી છે. એફએમસીજી અને ઓટો સેક્ટરમાં આવક વૃદ્ધિ હાલના ત્રિમાસિકમાં નબળી રહી છે. વૃદ્ધિ પર નબળી માંગ અને ઉત્પાદકોના માર્જિનમાં ઘટાડાની અસર પડી છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ઇંધણ-એનર્જી, ખાદ્ય ચીજો અને મેટલ્સમાં આગ ઝરતી તેજીન લીધે આઉટલૂકમાં નકારાત્મક પરિવર્તન આવ્યુ છે.
બીજી બાજુ આઇટી સર્વિસ, ઓઇલ-ગેસ, માઇનિંગ તેમજ મેટલ અને ટેલિકોમ જેવા ઘણા સેક્ટરોની આવકમાં સુધારો પણ જોવા મળ્યો છે.