નિફ્ટી-50માં FMCG સ્ટોક્સનું વેઇટેજ દાયકાના તળિયે
- ઉંચા ઉત્પાદન ખર્ચ, નબળી માંગના કારણે એફએમસીજી અને ઓટો સેક્ટરની આવક વૃદ્ધિ હાલના ત્રિમાસિકમાં નબળી રહી
- ઓટો કંપનીઓનું સંયુક્ત વેઇટેજ ઘટીને ૪.૮ ટકા
FMCG સ્ટોક્સનું વેઇટેજ ૧૧.૪ ટકાથી ઘટીને ૯.૯ ટકાના સ્તરે
મુંબઇ : ભારતીય શેરબજારના સૂચકાંક નિફ્ટી-૫૦ ઇન્ડેક્સમાં એફએમસીજી સ્ટોક્સનું વેઇટેજ માર્ચના અંતે ઘટીને ૯.૯ ટકાના સ્તરે ઉતરી ગયુ છે જે છેલ્લા એક દાયકાની સૌથી નીચી સપાટી છે અને પાછલા વર્ષના ૧૧.૪ ટકાના લેવલથી દોઢ ટકા નીચે છે.
માર્ચ ૨૦૧૩માં તેના ઉંચા સ્તરેથી હિન્દુસ્તાન યુનિલિવર, આઇટીસી અને એશિયન પેઇન્ટ્સ જેવી મુખ્ય એફએમસીજી કંપનીઓના શેરનું નિફ્ટી-૫૦ ઇન્ડેક્સમાં વેઇટેજ લગભગ ૧૫ ટકા જેટલુ હતુ. પરંતુ ઓટોમોબાઇલ સ્ટોક્સની સાથે કન્ઝઅયુમર ગુડ્સ સેક્ટરનું આ ઇન્ડેક્સમાં માત્ર ૧૪.૭ ટકા યોગદાન છે જે છેલ્લા ૧૨ મહિનામાં ૨૦૦ બેઝિસ પોઇન્ટ અને માર્ચ ૨૦૧૪ના અંતના ૨૩.૪ ટકાના રેકોર્ડ ઉંચા વેઇટેજથી ૩૭ ટકા નીચે છે.
નિફ્ટી-૫૦માં સામેલ ઓટો કંપનીઓનું સંયુક્ત વેઇટેજ ઘટીને ૪.૮ ટકા રહ્યુ છે, માર્ચ ૨૦૧૬ના અંતે ૧૦.૬ ટકાના સર્વોચ્ચ સ્તરે હતુ.
એફએમસીજી સેક્ટરની અગ્રણી કંપની હિન્દુસ્તાન યુનિલિવર કંપનીની માર્કેટકેપ ૧૫.૭ ટકા ઘટીને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં રૂ. ૪.૮૧ લાખ કરોડ થઇ હતી, જે માર્ચ ૨૦૨૧ના અંતે રૂ. ૫.૭૧ લાખ કરોડ હતી. તો બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝનું બજાર મૂલ્ય ૧૨ મહિનામાં ૧૧.૫ ટકા ઘટયુ છે. આઇટીસી અને નેસ્લે ઇન્ડિયાએ આકર્ષક પ્રદર્શન કર્યુ છે.
પરંતુ શેરબજારના મુખ્ય સૂચકાંકની તુલનાએ દેખાવ નબળો રહ્યો છે. બીજી તરફ એશિયન પેઇન્ટ્સે ૨૧.૪ ટકા અને ટાટા કન્ઝયુમરે ૨૧.૭ ટકાની વૃદ્ધિ સાથે શેરબજાર કરતા પ્રોત્સાહક દેખાવ કર્યો છે.
એફએમસીજી સેક્ટરમાં ઘટાડો મહદંશે છેલ્લા ૧૨ મહિનામાં મુખ્ય કંપનીઓના નબળા દેખાવને આભારી છે. નિફ્ટી-૫૦ સૂચકાંકમાં ૬ એફએમસીજી કંપનીઓની સંયુકત માર્કેટકેપ માર્ચ ૨૦૨૨ના અંતમાં વાર્ષિક તુલનાએ માત્ર ૦.૫ ટકા ઘટીને રૂ. ૧૪.૦૨ લાખ કરોડ હતી, જે નિફ્ટી-૫૦ કંપનીઓની સંયુક્ત વેલ્યૂમાં ૪૦ ટકાની વૃદ્ધિ કરતા ઓછી છે.
આવી રીતે ટાટા મોટર્સને બાદ કરતા ઓટો કંપનીઓ દબાણ હેઠળ રહી છે. ટાટા મોટર્સનો શેર નાણાંકીય વર્ષ ૨૦૨૨માં ૪૪.૮ ટકા સુધી વધ્યો હતો. આ સૂચકાંકમાં સામેલ ૬ ઓટો કંપનીની સંયુક્ત માર્કેટકેપ પાછલા નાણાંકીય વર્ષે માત્ર ૮.૩ ટકા વધીને માર્ચ ૨૦૨૨ના અંતે રૂ. ૭.૦૧ લાખ કરોડ રહી છે. હીરો મોટોકોર્પ સૌથી વધુ ૨૧.૨ ટકા, આયશર મોટર્સમાં ૫.૬ ટકા અને બજાજ ઓટોમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ ગત વર્ષે મારુતિ સુઝુકીમાં ૧૦.૨ ટકા, મહિન્દ્રા- મહિન્દ્રામાં ૧.૩ ટકાની તેજી આવી હતી.