વોલેટિલિટીને પરિણામે માર્ચમાં ઈક્વિટીઝમાં વેપાર વોલ્યુમમાં ઘટાડો
- ગયા મહિનાના બીજા સપ્તાહથી ભારતીય શેરબજારોમાં ભારે કરેકશન જોવાયું હતું
મુંબઈ : ઈક્વિટી બજારમાં વોલેટિલિટીને પરિણામે સમાપ્ત થયેલા માર્ચમાં દેશના ઈક્વિટીઝ બજારમાં કેશ તથા ડેરિવેટિવ્સના સરેરાશ દૈનિક વોલ્યુમમાં નોધપાત્ર ઘટાડો થયો છે.
દેશના બે સ્ટોકસ એકસચેન્જિસ બીએસઈ તથા એનએસઈ પર ઈક્વિટી કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર ફેબુ્રઆરીમાં જે રૂપિયા ની સરખામણીએ માર્ચમાં ૧૩.૩૩ ટકા ઘટી રૂપિયા ૧.૧૨ લાખ કરોડ રહ્યું છે. ફેબુ્રઆરીમાં આઆંક રૂપિયા ૧.૨૭ લાખ કરોડ રહ્યો હતો. ઓકટોબર ૨૦૨૩ બાદ આ સૌથી મોટો ઘટાડો છે.
આજ રીતે ડેરિવેટિવ્સમાં સરેરાશ દૈનિક ટર્નઓવર ૮.૭૬ ટકા ઘટી રૂપિયા ૩૭૩.૪૪ લાખ કરોડ રહ્યું છે. એપ્રિલ ૨૦૨૧ બાદ આ સૌથી મોટો ઘટાડો છે, એમ શેરબજારના સુત્રોએ જણાવ્યું હતું.
ફેબુ્રઆરીનું ટર્નઓવર રૂપિયા ૪૦૯.૨૭ લાખ કરોડ રહ્યું હતું.
માર્ચના બીજા સપ્તાહથી બજારમાં આવેલા જોરદાર કરેકશનને પરિણામે કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવરમાં ઘટાડો નોંધાયો હતો. મિડકેપ્સ તથા સ્મોલકેપ્સમાં ગયે મહિને જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
નાણાં વર્ષ ૨૦૨૩-૨૪નો અંતિમ મહિનો હોવાથી માર્ચમાં નફા બુકિંગ ઉપરાંત એડજસ્ટમેન્ટ માટે પણ વેચવાલી રહી હતી અને વેપાર કામકાજ ઓછા રહ્યા હતા, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા મિડકેપ્સ તથા સ્મોલકેપ્સના વેલ્યુએશનને લઈને ચિંતા વ્યકત કરવામાં આવી હોવાને કારણે પણ ખેલાડીઓનું માનસ ખરડાયું હતું.
ગયા મહિને સેન્સેકસ તથા નિફટી૫૦માં ૧.૬૦ ટકા વધારો થયો હતો જ્યારે બીએસઈ સ્મોલકેપ તથા બીએસઈ મિડકેપ ૦.૬૦ ટકા અને ૪.૫૦ ટકા ઘટયા હતા. સેબીના આંકડા પ્રમાણે માર્ચમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય ઈક્વિટીઝમાં રૂપિયા ૩૨૯૨૭.૧૮ કરોડના નેટ ખરીદદાર રહ્યા છે.