ભારે વરસાદ, પૂરને કારણે દિલ્હીમાં શાકભાજીના ભાવમાં 34%નો વધારો
- ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદથી ફળો અને શાકભાજી સહિત ઉભા પાકને ભારે નુકસાન
નવી દિલ્હી : ભારે વરસાદ અને પૂરને કારણે દિલ્હીમાં શાકભાજીના ભાવમાં ૩૪ ટકાનો વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે પૂરનું પાણી ઓસરવા લાગ્યું છે, પરંતુ તેનાથી રાજધાનીની આસપાસના પડોશી રાજ્યોમાં ઉભા પાકને નુકસાન થયું છે, જેના કારણે આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.
પડોશી રાજ્યોમાંથી દિલ્હીમાં મોટી માત્રામાં ફળો અને શાકભાજીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જે ઓગસ્ટના મધ્યમાં ભારે વરસાદ અને ત્યારબાદ આવેલા પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
મુખ્ય શહેરોમાં શાકભાજીના ભાવમાં વધારો ખાદ્ય ફુગાવાના દરને અસર કરી શકે છે. નવીનતમ માહિતી અનુસાર, ૨ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન મુખ્ય લીલા શાકભાજીના ભાવમાં ૧૧ થી ૩૪ ટકાનો વધારો થયો છે. તેનું કારણ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાંથી પુરવઠામાં વિક્ષેપ અને પાકને નુકસાન છે.
૨ જૂનથી ૮ સપ્ટેમ્બર સુધીના આંકડા મુજબ દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતા ૯ ટકા વધુ રહ્યો છે. પંજાબમાં મોસમી વરસાદ સામાન્ય કરતા ૫૬ ટકા, હરિયાણામાં ૪૮ ટકા, દિલ્હીમાં ૫૦ ટકા, હિમાચલ પ્રદેશમાં ૪૬ ટકા અને રાજસ્થાનમાં ૭૪ ટકા વધુ રહ્યો છે.
ક્રીસીલના અહેવાલમાં જણાવાયું છે કે ઓગસ્ટમાં પંજાબ, હરિયાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદથી ચિંતા વધી છે. પંજાબમાં દાયકાઓમાં સૌથી ભયાનક પૂર આવ્યું છે અને તેનાથી ડાંગર, કપાસ અને કોબીના પાકને અસર થઈ છે. રાજસ્થાનમાં પણ મકાઈ, કપાસ, બાજરી, જુવાર, લીલા ચણા અને કાળા ચણાના પાક પર જોખમ છે. અન્ય રાજ્યોમાં પણ તેની અસર સ્થાનિક સ્તરે જોવા મળે છે.