ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઇનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે
US India Trade Deal: અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે હાલ ચર્ચાઓ અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો આવી રહ્યા છે. વેપાર કરાર મુદ્દે ભારતીય દળ વોશિંગ્ટન પહોંચ્યું છે. જ્યાં ટેરિફ મુદ્દે સમાધાન પર ચર્ચા થઈ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે રિપોર્ટ મળ્યો છે કે, અમેરિકા સાથે પ્રસ્તાવિત વેપાર કરાર હેઠળ ભારતને પ્રેફરેન્શલ ટેરિફ સુવિધા મળી શકે છે. ટૂંકસમયમાં બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થશે.
ટેરિફ મુદ્દે એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમેરિકા ટ્રેડ ડીલ સંપૂર્ણપણે પ્રેફરેન્શલ અર્થાત્ તરજીહ નીતિ પર આધારિત છે. પ્રેફરેન્શલ અર્થાત્ વિયેતનામ જેવા દેશોની તુલનાએ ભારતીય ગુડ્સ એન્ડ સર્વિસિઝ પર ઓછો ટેરિફ લાગુ કરવો. અન્ય દેશની તુલનાએ તેની પ્રોડ્કટ્સ પર ઓછો અથવા ઝીરો ટેરિફ લાદવાની નીતિને પ્રેફરેન્શલ ટેરિફ કહે છે. ભારત પર હાલ 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ છે. જો કે, તેનો અમલ 1 ઑગસ્ટથી થવાની સંભાવના છે.
ભારતનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટનમાં
વિશેષ સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ ભારતનું વેપાર પ્રતિનિધિમંડળ હાલ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે વોશિંગ્ટનમાં છે. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા આ પ્રતિનિધિમંડળ ફરી વોશિંગ્ટન ગયું છે. જો કે, અમેરિકાએ ભારત સમક્ષ કૃષિ બજાર ખુલ્લું મૂકવાની શરત મૂકી છે. જ્યારે ભારતે ટેક્સટાઇલ, ઓટો સહિતના સેક્ટર્સમાં રાહતો આપવાની માગ કરી છે. આ બંને મુદ્દે ટ્રેડ ડીલ અટવાઈ છે. એવામાં ટ્રમ્પે ફરી પાછો ટેરિફવૉર શરુ કર્યો છે. તેઓ વિવિધ દેશો પર ટેરિફ મુદ્દે ફેરફાર કરવા જઈ રહ્યા હોવાના અહેવાલ છે. ભારત પર હાલ 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો છે.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકાર નવો ફ્યૂલ એફિશિએન્સી નિયમ CAFE 3 લાગુ કરશે! જાણો તેની શું થશે અસર
ટ્રમ્પે કરી મોટી જાહેરાત
હાલમાં ગઈકાલે ગુરુવારે જ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે મોટી જાહેરાત કરી હતી કે, અમે ભારત સાથે ડીલ કરવા અંતિમ તબક્કામાં છીએ. ડીલ મુદ્દે સારી વાતચીત ચાલી રહી છે. હાલ ચર્ચા સકારાત્મક ચાલી રહી છે. ટૂંકસમયમાં ડીલ થશે. ભારતમાં ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોને અપેક્ષા છે કે, 1 ઑઓગસ્ટની સમય મર્યાદા પહેલાં પ્રારંભિક કરાર થશે અર્થાત્ એક મિની ટ્રેડ ડીલ નિશ્ચિત છે. જેથી ટેરિફથી થતાં નુકસાનથી બચવામાં મદદ મળશે. અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. જે કુલ નિકાસના 15 ટકાથી વધુ નિકાસ અમેરિકામાં કરે છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર, 2024-25માં ભારતે અમેરિકાને 86.51 અબજ ડૉલરની નિકાસ કરી હતી.