અમેરિકાના ખરીદદારોએ ભારતના રેડીમેડ ગારમેન્ટસના ઓર્ડર અટકાવી દીધા
- ઉત્પાદન એકમો નીચા ટેરિફ સાથેના અન્ય દેશો ખાતે ખસેડવા સલાહ
મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફનો અમલ લાગુ થઈ જતા અને ૨૭ ઓગસ્ટથી વધારાની ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની કરાયેલી જાહેરાતને ધ્યાનમાં રાખી અમેરિકામાં કાર્યરત મોટો રિટેલરો જેમ કે વોલમાર્ટ, એમેઝોન, ગેપ વગેરેએ ભારત ખાતેના પોતાના ટેકસટાઈલ તથા એપરલ પૂરવઠેદારોનો ઓર્ડરો અટકાવી દેવા જણાવી રહ્યા છે. વધારાની ટેરિફ મુદ્દે જ્યાંસુધી સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાંસુધી માલની ડિલિવરી નહીં કરવા પણ જણાવાઈ રહ્યું હોવાનું રેડીમેડ ગારમેન્ટ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું.
કેટલાક પૂરવઠેદારોને તો પોતાના ઉત્પાદન એકમો નીચા ટેરિફ સાથેના દેશો ખાતે સ્થળાંતરિત કરવા પણ સલાહ આપવામાં આવી રહી છે. ૨૭ ઓગસ્ટથી વધારાના ટેરિફ લાગુ થાય તે પહેલા માલની રવાનગી કરવામાં પૂરવઠેદારો ઝડપ કરી રહ્યા છે.
રેડીમેડ ગારમેન્ટસ માટે અમેરિકા ભારતની સૌથી મોટી બજાર છે. વર્તમાન વર્ષના જાન્યુઆરીથી મેમાં અમેરિકા ખાતે ભારતે ૪.૫૯ અબજ ડોલરના ટેકસટાઈલની નિકાસ કરી છે, જે ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૧૩ ટકા વધુ હતી એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
૨૦૨૪ના વર્ષમાં અમેરિકાએ ભારત ખાતેથી અંદાજે ૧૦.૮૦ અબજ ડોલરના ટેકસટાઈલ તથા એપરલની આયાત કરી હતી. જો કે અમેરિકાના ખરીદદારોએ ઓર્ડરો રદ કર્યા નથી. તેને માત્ર અટકાવી રાખ્યા છે, તેઓ પ્રાઈસ લેબલ મુદ્દે મુંઝવણ અનુભવી રહ્યા છે, ઉદ્યોેગના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
૨૫ ટકા વધારાના ટેરિફ પર ટ્રમ્પ પોતાની વાતને પકડી રાખશે તો, ભારતને મળતા ઓર્ડર તેના હરિફ દેશો જેમ કે ચીન, બંગલાદેશ તથા વિયેતનામ તરફ વળી જતા વાર નહીં લાગે તેવો પણ ઉદ્યોગમાં ભય પ્રવર્તી રહ્યો છે. આ દેશોના માલસામાન પર ટ્રમ્પે નીચા ટેરિફ લાગુ કર્યા છે.
૨૫ ટકા ટેરિફના કિસ્સામાં અમેરિકાના ખરીદદારો અને ભારતના પૂરવઠેદારો વધારાના બોજને આપસમાં વહેંચી લેવા તૈયાર થઈ રહ્યા છે, પરંતુ ૫૦ ટકા ટેરિફની વહેંચણી કરવાનું શકય નથી. આવી સ્થિતિમાં અહીંના ઉત્પાદન મથકો નીચા ટેરિફ સાથેના દેશોમાં લઈ જવાની ફરજ પડી શકે છે, એમ કલોથિંગ મેન્યુફેકચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના એક હોદ્દેદારે જણાવ્યું હતું.